Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણી

વ્‍યકિતના જીવનમાં આસ્‍થા અને સમાજમાં વ્‍યવસ્‍થા પ્રગટ કરે તે રામકથાઃ પૂ. ભૂપેન્‍દ્રભાઇ

ઉદ્દવેગ, તર્ક અને ભોગ ભકિતમાર્ગના અવરોધક તત્‍વો છે : સાંપ્રત સમયમાં સત્તાને દિક્ષિત કરવી હોય તો...ભરતના આદર્શોને અનુસરો : શ્રી રામકથા રાજકોટને ‘‘સત્‍યમ્‌, શિવમ અને સુંદરમ્‌''ની પ્રેરણા પ્રદાન કરશે : પ્રવર્તમાન કળયુગમાં શ્રી રામનામ સ્‍મરણ સુલભ અને શ્રેષ્‍ઠ સાધના છે

રાજકોટ તા. ર૮ : રાજકોટમાં ચૌધરી હાઇસ્‍કૂલ પટાંગણ-રામનગરી ખાતે રાજકોટ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ શ્રી રામકથાના ગઇકાલ શુક્રવારે સાતમાં દિવસે અયોધ્‍યા કાંડની કથાના ઉપક્રમમાં વ્‍યાસપીઠેથી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાએ કહ્યું કે, ભગવાન રામને વનમાં છોડીને સુમંત્રજી અયોધ્‍યા પરત આવ્‍યા. રાજા દશરથની માનસિક અને શારીરિક સ્‍થિતી ખુબ ગંભીર હતી, અયોધ્‍યાની પ્રજા પણ દુઃખી અને નિરાશ થઇ ગઇ, માતા કૌશલ્‍યાજી દશરથને આશ્વાસન આપે છે. ‘‘અયોધ્‍યા જહાજ છે, આપ નાવિક છો, જો બાપ હિંમત હારી જશો તો અયોધ્‍યાવાસીઓનું શું થશે?'' રામનામનો ઉચ્‍ચાર કરીને રાજા દશરથે પ્રાણ ત્‍યાગ કર્યો, તેઓ ૬ વખત રામનામ બોલ્‍યા, રામવિરહનો છઠ્ઠો દિવસ હતો. રામ શબ્‍દ મહામંત્ર છે, તેમાં ઉર્જા છે દશરથના બે નાના પુત્ર ભરત અને શત્રુધન મોસાળ ગયા હતા. તેઓને અયોધ્‍યા લાવવામાં આવ્‍યા, ભરતે માં કૈકેયી પાસેથી બધી વિગતો જાણી અને માંને ‘‘પાપીણી'' કહી, શત્રુધ્‍નએ મંથરાને લાત મારી, ગુરૂવશિષ્‍ટએ ભરતની હાજરીમાં દશરથજીના અગ્નિસંસ્‍કાર કર્યા, ૧૬ દિવસ શોક રાખ્‍યો.
કથાના આગળ ઉપક્રમમાં વશિષ્‍ટજી ભરતને આશ્વાસન આપે છે. લાભ, હાની, જીવન-મરણ, જશ, અપજશ આપણા હાથની  વાત નથી. આમા વિધાતાના આશીર્વાદ હોય છે, નિયતી છે હવે ભરત રામને મળવા વનમાં જાય છે, ભારદ્વાજ ઋષીના આશ્રમમાં રોકાય છે. ત્‍યારે ભરતનું ત્‍યાં શરીર હતુ મન તો ચિત્રકુટમાં શ્રી રામ સન્‍મુખ હતું.
પૂ.ભુપેન્‍દ્રભાઇએ વ્‍યાસપીઠેથી  ભરતના પાંચ દિવ્‍ય વિચારો પૈકીના વૈરાગ્‍ય વિચાર સંદર્ભે બોલતા કહયું કે, ચંપાના બગીચામાં ભમરો ફુલોનો રસ લેતો નથી, સાધુને ભમરાની જેમ રૂપ, રંગ, કામ, સ્‍પર્શી શકતા નથી. શરીરમાં રૂપ, રંગ, ગંધ નથી તેનો મોહ ન કરો, ભમરાની જેમ રહો. બધાની વચ્‍ચે રહેવું છતાં આપણે બધાના નથી તેની કોઇને ખબર ન પડવા દેવી એ વૈરાગ્‍યનું લક્ષણ છે.
વ્‍યાસપીઠેથી પુનરોચ્‍ચાર કરાયો હતો કે રામચરીત માનસ ખુદ ભરત ચરીત માનસ છે. રામ અને ભરતનો જન્‍મ સાથે થયો હતો. નામકરણ પણ એક દિવસે થયું હતું.  જાકપુરીમાં લગ્ન પણ એક સાથે જ થયા હતા. રામ પાદુકા ધારણ કરતા હતા.ભરતના સંકલ્‍પમાં પાદુકા હતી. રામજીએ રાવણ કુળનો નાશ કર્યો, ભરત ચરીત માનસ દુઃખ, દ્રારિદ્ર, દોષ આદી વિકારોનો નાશ કરે છે. શ્રીરામ લોકાધિરામમ છે જયારે ભરત લોકોનું પ્રતિનિધિત્‍વ કરે છે. હનુમાન જેવી વાયુગતીના બે બિન્‍દુ  શ્રલોક અને લોકને સ્‍પર્શે છે. જેટલી માનસીકતા રામમાં ઉજાગર થઇ છે તેટલી ભરતના મહિમામાં થઇ છે. રામચરીત માનસની રચનામાં તુલસીદાસ ભરત ઉપર ઓળઘોળ થઇ ગયા છે. ભરતે વ્‍યકિતગત નિષ્‍ઠા અને સમાજ સ્‍વવસ્‍થાનું સ્‍થાપન કર્યુ છે. રામની જેમ ભરત પણ બાણનો ઉપયોગ કરે છે. કર્મના ફળ વગર હનુમાનને લંકામાં પહોંચાડે છે. શ્રીરામ રઘુવંશના નાથ છે. ભરત પણ રઘુવંશી છે. શ્રી રામ દ્દારૂણ્‍યરૂપ છે. ભરત કરૂણામુર્તી  છે. સર્વલોક પણ કરૂણા કરે છે. તાત્‍વીક દ્રષ્‍ટિએ શ્રીરામ ચરીત માનસ ભરત ચરિત માનસ પણ છે ભરત સદગુરૂ પણ છે એટલે સદગુરૂનો પણ મહિમા છે. માનસમાં ત્રણે મહિમાઓનું દર્શન છે.
વ્‍યાસપીઠેથી પૂ. ભૂપેન્‍દ્રભાઇએ તેમની અસ્‍ખલિત વાણીમાં શ્રી રામકથાનું અમૃતપાન કરાવતાં ભરત મહિમાને વિસ્‍તૃત કરતાં કહયું કે, ‘પરમ તત્‍વને પામવાનું થાય ત્‍યારે વિશેષ ધર્મને શરણે જવું પડે છે. આપણે સમજીએ છીએ કે, મા-બાપની સેવા એ ધર્મ છે, તેની આજ્ઞામાં રહેવું તે ધર્મ કહેવાય પરંતુ સાધુ-મહાત્‍માઓ તેનો અમલ કરતાં નથી, ભગવાન બુધ્‍ધ તેની પત્‍નીને રડતી મૂકીને ચાલ્‍યા ગયા હતા, પરમ તત્‍વને પામવાનો આ વિશેષ ધર્મ છે. ભરત ક્ષત્રીય પુત્ર છે, તેને માંગવાનો અધિકાર નથી. તમામ ધર્મો ધારણ કરતાં હોવા છતાં તેઓ ક્ષત્રીય ધર્મ ચૂકીગયા તેની સામે વિશેષ ધર્મઆવ્‍યો. સામાન્‍ય ધર્મની સામે વિશેષ ધર્મ આવે -ઊભો થાય ત્‍યારે મહાપુરૂષો તે ગ્રહણ કરે છે. ભરત મહિમાને આગળ વધારતાં પૂ. પંડયાજીએ કહયું કે, ભરત સબવિધિ સાધુ હતાં, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગ તેનામાં વિદ્યામન હતાં. પ્રયાગરાજમાં જયારે ભરત
ભારદ્વાજ ઋષિના આશ્રમે જાય છે ત્‍યારે અયોધ્‍યાના રાજા દશરથના પુત્ર અને શ્રી રામના નાનાભાઇ એવો પરિચય આપે છે. ત્‍યારે ભારદ્વાજ કહે છે કે ‘‘ભરતનો આ પરિચય નથી. તમે પ્રેમ નથી પણ સ્‍વયં પ્રેમ છો''ભરતની આ ઓળખ માટેનું આ ઋષિ વિધાન શ્રી રામચરિત માનસમાં છે. ભરતના દિવ્‍ય ગુણોનું નિરૂપણ સમજાવતા કહ્યું કે, બળ, શીલ, ગુણ અને ભજન જેનામાં હોય એવી વ્‍યકિતનો મહિમા ગવાય છે. ગ્રંથો જેનું ગાન કરે છે તે ચતુષ્‍પાદ મહિમા ભરતમાં છે. આ ચાર ગુણો ઘણી વ્‍યકિતમાં હોય પરંતુ તેને પ્રમાણિત કરનાર કોણ ? ભરતના આ તત્‍વોને હનુમાન વખાણે છે, હનુમાન તમામ ગુણોના ભંડાર છે. તેમનું પ્રમાણ વિધાન ભરતના મહિમાની પુષ્‍ટિ કરે છે.

 

(2:52 pm IST)