Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સુજલામ સુફલામ યોજના : રાજકોટ જીલ્લામાં ર૯ કામો પૂરા ૮૦ પ્રગતિમાં : ૬ર૦૦ મજૂરોને અપાતી રોજગારી

તમામ કામો ચોમાસા પહેલા પૂરા કરો : ખેડૂતોને માટી લઇ જવાની મંજૂરી : કલેકટર

રાજકોટ, તા. ર૮ : રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ર૦ર૦ અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કામો હાથ ધરવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ છે. જેમાં જિલ્લામાં કુલ ૪૮પ કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં કલેકટરશ્રીએ આ યોજનામાં સંબંધિત વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું કે, આગામી ચોમાસા પહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ તકે તેઓએ જનભાગીદારીવાળા કામો વધુને વધુ થાય તે માટે હિમાયત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જે તે ગામમાં ચાલતા ચેકડેમ તળાવો ઉંડા કરવાના કામોમાંથી નીકળતી માટી જે કોઇ ખેડૂતો સ્વખર્ચે લઇ જવા માંગતા હોય તો તે અંગે તેમણે ચેકડેમ માટે રાજય સિંચાઇ યોજના વિભાગ તથા તળાવ માટે પંચાયત સિંચાઇ વિભાગ પાસેથી લેવાની થતી મંજુરી બાબતે સંબંધિત વિભાગોને તાલુકા કક્ષાએથી મંજૂરી આપવા સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લામાં આવેલી નગરપાલિકાના ચીફ ઓફીસરો પાસેથી સુજલામ સુફલામના કામો અંગેની માહિતી કલેકટરશ્રી રેમ્યા મોહને વિડીયો કોન્ફરસીંગથી મેળવી જરૂરી સુચનો કર્યા હતાં.

યોજનાના નોડલ ઓફીસર અને કાર્યપાલક ઇજનેર શ્રી વિજયભાઇ વોરાએ કામગીરીની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં ૮૦ કામો પ્રગતિમાં છે જેમાં ર૪ જેસીબી, ૧૦૮ ડમ્પર/ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જયારે ૬રપ૧ જેટલા શ્રમિકો કામગીરી કરી રહ્યા છે.  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે. પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલભાઇ પંડયા, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ આ યોજનાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(12:59 pm IST)