Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગાંધીગ્રામ શ્યામનગરમાં જળસંપતિ વિભાગના કર્મચારીને ઘર ખાલી ન કરે તો જીવતા સળગાવી દેવાની ધમકી

પડોશમાં રહેતાં હરેશ વાળા, સતિષ ચંદ્રકાંત ચુડાસમા, હિરેન, ચંદ્રકાંત વાળા અને કના ચૌહાણ વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે રાયોટ-એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યોઃ આઠ વર્ષથી ભારે ત્રાસ હોવાનો ફરિયાદીનો આક્ષેપ બે દિવસ પહેલા ફરિયાદી નરેન્દ્રભાઇ ચાંડપાના પુત્રની પણ ધોલધપાટ થઇ હતી

રાજકોટ તા. ૨૮: ગાંધીગ્રામ શ્યામનગર-૪માં રહેતાં અને જળસંપતિ વિભાગમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં નરેન્દ્રભાઇ મંગાભાઇ ચાંડપા (ઉ.વ.૫૬) નામના વણકર પ્રોૈઢને પડોશમાં જ રહેતાં પાંચ શખ્સોએ હેરાન કરી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઘર ખાલી કરીને ભાગી નહિ જાય તો જીવતા સળગાવી દેશે તેવી ધમકી આપતાં ફફડી ઉઠેલા આ કર્મચારીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે નરેન્દ્રભાઇ ચાંડપાની ફરિયાદ પરથી તેના ઘર નજીક ગાંધીગ્રામ મિલનનગરમાં રહેતાં હરેશ વાળા (કાઠી), હિરેન ચંદ્રકાંતભાઇ, ચંદ્રકાંતભાઇ વાળા અને કનાભાઇ ચોૈહાણ સામે એટ્રોસીટી એકટ તથા ૧૪૩, ૧૪૯, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. નરેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પરિવાર સાથે શ્યામનગર-૪માં રહે છે અને જળ સંપતિ વિભાગમાં લેબોરેટરી આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. પડોશમાં રહેતાં સતિષ મોચી સહિતના શખ્સો છેલ્લા આઠ વર્ષથી નાની નાની વાતે પોતાને હેરાન કરે છે અને પોતે આ ઘર વેંચીને જતાં રહે તે માટે થઇને સતત માથાકુટ કરે છે. પોતાનો એક દિકરો જુનાગઢ મેડિકલમાં ભણે છે અને બીજો નાનો દિકરો પણ અભ્યાસ કરે છે. તેને પણ આ શખ્સો કાર વગર મારકુટ કરી લે છે. હજુ બે દિવસ પહેલા જ નાના દિકરા ધ્રુવિકને સતિષ સહિતે માર માર્યો હતો. તે વખતે પોલીસને જાણ કરતાં બધાને પોલીસ મથકે લઇ જવાયા હતાં અને સમાધાન કરવું પડ્યું હતું.

ગઇકાલે પોતે તથા પત્નિ ઘરે હતાં ત્યારે હરેશ વાળા, સતિષ, હિરેન, ચંદ્રકાંત અને કનાએ મંડળી રચી ઘરે આવી બે દિવસ પહેલા ફરિયાદ કરીને શું બગાડી લીધું તેમ કહી ગાળો દઇ પોતાને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતાં તેમજ જો ઘર ખાલી કરીને નહિ જાય તો જીવતા સળગાવી દેશે તેવી ધમકી આપી હતી. નરેન્દ્રભાઇના કહેવા મુજબ આ વખતે તેમના દિકરા હાજર નહોતાં. સતત આઠેક વર્ષથી પોતાને અને પરિવારજનોને આ રીતે ત્રાસ અપાતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. વિશેષ તપાસ એસસીએસટી સેલના એસીપી એેસ. ડી. પટેલની રાહબરીમાં શરૂ થઇ છે.

(12:57 pm IST)