Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

જિલ્લા પંચાયત ૫૦૦૦૦ બાળકોને સ્કુલ બેગ આપશે, બહુ ઓછી સંખ્યાવાળી શાળાઓનું વિલિનિકરણ થશે

૧૯૬ શાળાઓ એવી છે કે જેમાં ૧૫થી ઓછા વિદ્યાર્થીઓ છે

રાજકોટ, તા. ૨૮ :. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠક આજે અધ્યક્ષ નાથાભાઈની અધ્યક્ષતામાં અને શિક્ષણાધિકારી શ્રી વ્યાસની હાજરીમાં મળેલ. જેમાં શિક્ષણને લગતા મહત્વના ઠરાવો કરાયા હતા. વેકેશન ખુલવાનો સમય નજીક હોવાથી ખુલતા વેકેશને જરૂરી કાર્યવાહીના નિર્ણય માટે આજે સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. એજન્ડા બહાર પડયો તે વખતે આચાર સંહિતા અમલમાં હોવાથી જિલ્લા ચૂંટણી અધિકારીની મંજુરી લેવામાં આવી હતી. રવિવારે આચાર સંહિતા પુરી થઈ જતા આજે બાળકોને સ્કૂલ બેગ આપવા સહિતના ઠરાવો કરવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયતની શાળાઓમાં કુલ ૧.૩૦ લાખ બાળકો છે. જેમાંથી ધો. ૧ થી ૫ માં ૫૦,૦૦૦ જેટલા બાળકો છે. તે તમામને ખુલતા વેકેશનમાં સ્કૂલ બેગ અપાશે. બેગ માટે પંચાયતના સ્વભંડોળમાંથી બે કરોડની ફાળવી કરવામાં આવ્યાનું પંચાયતના વર્તુળોએ જણાવ્યુ હતું. ધો. ૬ થી ૮ ના બાળકોને આવતા વર્ષે સ્કૂલ બેગ અપાશે. પંચાયત દ્વારા પ્રથમ વખત જ સ્કૂલ બેગની ભેટ આપવામાં આવી રહી છે. આજે આ અંગે સમિતિએ ઠરાવ કરતા હવે જિલ્લા કક્ષાની ખરીદ સમિતિ આગળની કાર્યવાહી કરશે.

રાજકોટ જિલ્લામાં ૧૯૬ પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫ થી વધુ નથી. આ પૈકી શકય તેટલી શાળાઓનું નજીકની શાળામાં વિલીનીકરણ કરી સ્ટાફને અન્યત્ર નિમણૂક આપવામાં આવશે. બાળકોને હાલની શાળા બંધ થવાથી નવી શાળા દૂર થતી હશે તો વાહન વ્યવહારનો ખર્ચ સરકાર તરફથી આપવામાં આવશે.

(4:04 pm IST)