Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પરસાણાનગરના જયંતિની કઠણાઇઃ એક સગીર તરફ દિકરી ગૂમ થઇ, બીજી તરફ સાળા અને સસરાનો હુમલો

વાલ્મિકી યુવાનની દિકરી ગૂમ થઇ જતાં માવતરે ગયેલી પત્નિે બોલાવી ફરિયાદ નોંધાવીઃ ઘરે પહોંચ્યા બાદ સાળાઓએ પોતાની બહેનને પરત ગામડે તેડી જવા માટે ડખ્ખો કરી ધમાલ મચાવી વચ્ચે પડેલા જયંતિના ભાઇ અને માતાને પણ ઇજા

રાજકોટ તા. ૨૮: જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતાં વાલ્મિકી યુવાનની સગીર દિકરી એક તરફ ગુમ થઇ જતાં અને બીજી તરફ તેના પર સાળા-સસરાએ હુમલો કરતાં પોલીસે ફરિયાદ નોંધી છે.

પરસાણાનગરમાં રહેતાં જયંતિ મનજીભાઇ સરવૈયા (ઉ.૩૫) નામના વાલ્મિકી યુવાનની કઠણાઇની કહાની જોઇએ તો તે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. હાલમાં જેન્તીની પત્નિ ચિતલ તેના માવતરે રોકાવા માટે ગઇ હતી. દરમિયાન શનિવારે જયંતિની ૧૪ વર્ષની દિકરી રાત્રે દસેક વાગ્યે અગાસીએ પથારી કરવા જવાનું કહીને ગયા બાદ ત્યાં જોવા ન મળતાં અડોશ-પડોશમાં તપાસ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. બાદમાં તેણે ગઇકાલે ચિતલ માવતરે ગયેલી પત્નિને જાણ કરતાં પત્નિ તેમજ સાળા પંકજ, અવિનાશ, સસરા જગદીશભાઇ, માવજીભાઇ, છગનભાઇ સહિતના લોકો રાજકોટ આવ્યાં હતાં.

ગઇકાલે સાંજે જયંતિ પોતાની પત્નિ, સસરા, સાળાઓને સાથે લઇ પ્ર.નગર પોલીસ મથકે પહોંચ્યો હતો અને દિકરી ગૂમ થઇ ગયાની જાણ કરતાં પી.આઇ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. વેગડા, નરેન્દ્રભાઇ ચાવડા અને રાઇટર શકિતસિંહ ગોહિલે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાવ્યા બાદ બધા ઘરે પહોંચ્યા હતાં. આ વખતે જયંતિને તેના સાળાઓએ હવે અમે અમારી બહેનને પાછી તેડી જઇએ છીએ તેમ જણાવતાં તેણે દિકરી ગૂમ થઇ હોઇ હવે પત્નિને પરત ગામડે તેડી જવી યોગ્ય ન કહેવાય તેમ કહેતાં સાળા, સસરા સહિતના તૂટી પડ્યા હતાં.  જયંતિને બચાવવા તેનો ભાઇ રાજેશ મનજીભાઇ (ઉ.૨૮) અને માતા લીલાબેન મનજીભાઇ  (ઉ.૫૦) વચ્ચે પડતાં આ બંનેને પણ માર મારવામાં આવ્યો હતો.

(10:39 am IST)