Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

આંશિક લોકડાઉનનો કડક અમલ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધઃ જેસીપી, ડીસીપી, એસીપીને સાથે રાખી શહેરભરમાં પેટ્રોલીંગ કર્યુ

રાજકોટવાસીઓએ હમેંશા સરકારની માર્ગદર્શિકાનો અમલ કરાવવામાં સહકાર આપ્યો છે, ફરીથી નિયમોનું પાલન કરવા શહેરીજનો પાસે સહકાર માંગ્યો : અડધા શટર ખુલ્લા રાખી ધંધો કરનારા, બંધ ડેલામાં મસાલા માર્કેટ ચાલુ રાખનારાને પકડી લેવાયાઃ હાર્ડવેરના ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહી

રાજકોટઃ કોરોના મહામારીનું વધી ગયેલું સંક્રમણ કાબુમાં લેવા રાજકોટ શહેરમાં રાત્રી કર્ફયુ ઉપરાંત આજથી મુખ્ય બજારો, વેપાર-ધંધાઓ, દૂકાનો, ધાર્મિક સ્થાનો સહિત બધુ બંધ રાખવાના રાજ્ય સરકારના નિર્ણયને પગલે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડી તેનો કડક અમલ શરૂ કરાવ્યો છે. શ્રી અગ્રવાલ જાતે જ પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં.

તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકારે ગઇકાલે નક્કી કર્યુ છે કે ગુજરાતના ૨૯ શહેરોમાં રાત્રી કર્ફયુ રહેશે અને રાજકોટમાં જે કર્ફ્યુ ચાલતો હતો તે પમી મે સુધી લંબાવાયો છે. તેમજ સંક્રમણ અટકાવવા માટે રાજકોટ શહેરમાં  દિવસે પણ વેપાર-ધંધાઓ દૂકાનો બંધ રાખવા આદેશ કરાયો છે. જો કે જીવનજરૂરી ચીજવસ્તુઓની દૂકાનો ખુલી રાખવા દેવામાં આવશે. અહિ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. રાજકોટવાસીઓને અનુરોધ છે કે સંક્રમણને અંકુશમાં લેવા અત્યારે બધાએ એક બનીને કામ કરવાનું છે. લોકોએ સામેથી જ આજે નવા આદેશનું પાલન કર્યુ છે તેનો આનંદ છે. ફ્રુટ-શાકભાજીની લારીઓ પર સોશિયલ ડિસ્ટાઉન્સ રાખવું જરૂરી છે. આપણે વૈશ્વિક મહામારી સામે લડી રહ્યા છે, તેમાં પોલીસને ફરી એકવારં લોકોના સહકારની આશા છે. લોકોએ અત્યાર સુધી સહકાર આપ્યો જ છે. આગળ પણ નિયમોનો અમલ કરી સહકાર આપશે તો કોરોના ચોક્કસ ભાગશે તેવી આશા છે.

પોલીસ કમિશનર અને તેમના કાફલાએ રૈયા રોડ રૈયા ચોકડી, આલાપગ્રીન સીટી, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, ઇન્દીરા સર્કલ, કોટેચાચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, યાજ્ઞિક રોડ, એસટી બસ પોર્ટ રોડ, કેનાલ રોડ, રામનાથપરા, સામા કાંઠે, કુવાડવા રોડ એમ શહેરભરમાં પેટ્રોલીંગ કર્યુ હતું. સાયરનોથી રસ્તાઓ ગાજી ઉઠ્યા હતાં. ઉપરની મુખ્ય બે તસ્વીરમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાથે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા તેમનો કાફલો તથા નીચેની તસ્વીરોમાં અડધા શટર ખુલ્લા રાખી પાનનો ધંધો કરતાં અને મસાલા માર્કેટમાં બંધ ડેલો રાખી અંદર ધંધો કરતાં શખ્સોને શોધી કઢાયા હતાં તે દ્રશ્યો અને હાર્ડવેરની દૂકાનો ખુલી રાખી બેઠેલા વેપારીઓ સામે પણ કાર્યવાહી થઇ હતી તે દ્રશ્યો જોઇ શકાય છે. સોૈથી નીચેની તસ્વીરમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ કે. એ. વાળા સહિતના અધિકારીઓ અને સ્ટાફ નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:23 pm IST)