Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

૮૫ાા લાખની લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું બાઇક લૂંટારાઓએ ટંકારાના વિરપર પાસે મુકી દીધું

બાઇક અહિ રેઢુ મુકી બીજા વાહનોમાં ભાગી ગયાની શકયતાઃ લૂંટારૂઓની કડી મેળવવા ક્રાઇમ બ્રાંચ, બી-ડિવીઝનની અલગ-અલગ ટીમોની દોડધામ યથાવત : લૂંટારૂઓએ માર મારી ગળુ દબાવ્યું હોઇ વેપારી મોહનભાઇ ડોડીયાને દુઃખાવો ઉપડતાં સારવાર માટે દાખલ થયા

રાજકોટ તા. ૨૮: શહેરના સામા કાંઠે પેડક રોડ ચંપકનગર-૩માં આવેલા શિવ જ્વેલર્સ નામના શો રૂમમાં સોમવારે ભરબપોરે ત્રાટકેલા ત્રણ લૂંટારા વેપારી મોહનભાઇ  વિરમભાઇ ડોડીયા (ઉ.વ.૫૨)ને ઢીકાપાટુનો માર મારી ગળુ દબાવી તેમજ લમણે રિવોલ્વર-બંદૂક તાંકી રોકડ-દાગીના મળી રૂ. ૮૫.૪૬ લાખની લૂંટ ચલાવી ગયાની ઘટનામાં શહેરની ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝન પોલીસની અલગ અલગ ટૂકડીઓ જુદી જુદી દિશામાં તપાસ માટે દોડધામ કરી રહી છે. સીસીટીવી ફૂટેજને આધારે તપાસનું પગેરૂ મોરબી રોડ સુધી પહોંચ્યું હતું. દરમિયાન લૂંટમાં વપરાયેલુ અને ચંપકનગરમાંથી જ ચોરાયેલુ બાઇક ટંકારાના વિરવાવ પાસેથી રેઢુ મળી આવતાં પોલીસે કબ્જે કર્યુ છે. અહિથી લૂંટારા બીજા કોઇ વાહનમાં ભાગી ગયાની શકયતા છે.

પોલીસને સીસીટીવી ફૂટેજ અલગ અલગ જગ્યાએ ચેક કરતાં એવી પણ શંકા ઉપજી છે કે લૂંટારા ત્રણ નહિ પણ ચાર કે પાંચ હોઇ શકે છે. બીજા એકાદ બે શખ્સો પણ શંકાસ્પદ રીતે જોવા મળ્યા છે. લૂંટારા જે બાઇક પર શો રૂમ ખાતે આવ્યા હતાં એ બાઇક પણ લૂંટની ઘટનાના થોડા સમય પહેલા જ ચંપકનગરમાંથી ચોરી કર્યુ હતુ અને નંબર પ્લેટ કાઢી નાંખી હતી. લૂંટ બાદ લૂંટારા વેપારી મોહનભાઇને શો રૂમની અંદરની સાઇડ આવેલી વિશાળ તિજોરીમાં પુરીને જતાં રહ્યા હતાં. મારકુટ થઇ હોઇ અને ગળાચીપ અપાઇ હોઇ ગત સાંજે તેમને દુઃખાવો ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

લૂંટારા ગ્રીનલેન્ડ ચોકડી થઇ બેડી ચોકડી થઇ ત્યાંથી મોરબી તરફ ભાગી છૂટ્યાની શંકા ઉદ્દભવી હતી. કેમ કે અહિ સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં. પોલીસની ટૂકડીઓ મોરબી-ટંકારા તરફ આગળ વધી હતી. એ દરમિયાન ટંકારાના વિરવાવ પાસેથી લૂંટમાં વપરાયેલુ બાઇક રેઢુ મળ્યું છે. લૂંટારા પરપ્રાંતના હોવાની પણ દ્રઢ શંકા ઉદ્દભવી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરી માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એમ. બી. ઓૈસુરા અને તેમની ટીમોએ તપાસ યથાવત રાખી છે.

(1:06 pm IST)