Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોર્પોરેશનો-પંચાયતોની ચૂંટણી હાલના સીમાંકન મુજબ અથવા મોડી

રાજકોટ, અમદાવાદ, વડોદરા વગેરે મહાનગરોની હદ વધારવાનો મામલો સ્થગિત : કોરોના અને વસ્તી ગણતરી પંચની મનાઇના કારણે હવે સમયસર નવુ સીમાંકન અશકયઃ ચુંટણી મોકુફ રહે તો મુદત લંબાવવા અથવા વહીવટદાર મૂકાવા બાબતે વિભિન્ન મત

રાજકોટ, તા. ૨૮ :. ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત, જામનગર, વડોદરા તે ૬ મહાનગરો અને ૩૧ જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની ચૂંટાયેલી પાંખની મુદત નવેમ્બર-ડીસેમ્બરમાં પુરી થઈ રહી છે. ૨૦૧૫માં તે જ અરસામાં ચૂંટણીઓ આવી હતી. આ વખતે પણ તે જ સમયગાળામાં ચૂંટણીઓ આવવા પાત્ર છે. સરકારે રાજકોટ, અમદાવાદ, વડોદરા વગેરે મહાનગરોની હદ વધારવાની કાર્યવાહી શરૂ કરેલ. ભાજપ શાસિત જે તે કોર્પોરેશને હદ વધારવાનો ઠરાવ કરી સરકારને મોકલી આપેલ. સરકાર તે બાબતે જાહેરનામુ બહાર પાડે તે પૂર્વે વસ્તી ગણતરી પંચે નવા સિમાંકનની કામગીરી પર રોક લગાવેલ. આ બાન ઉઠાવવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે. આ જ અરસામાં દેશવ્યાપી કોરોના વાયરસનો ફફડાટ ફેલાતા અત્યારે બાકીની બધી બાબતો એકબાજુ રહી ગઈ છે. સમય સંજોગો જોતા હવે સમયસર નવુ સિમાંકન થાય તેવા સંજોગો નથી તેથી ચૂંટણી હાલના સિમાંકન મુજબ જ થશે અથવા સરકાર કોઈ ખાસ કારણ દર્શાવી ચૂંટણી પાછી ઠેલવાનો વિકલ્પ વિચારી શકે છે. આંધ્ર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકુફ રાખવા ચૂંટણી પંચના નિર્ણય સામે થયેલી અપીલ સુપ્રિમ કોર્ટે નકારી ચૂંટણી પંચની કામગીરીમાં દખલ કરવાનો ઈન્કાર કર્યાના અહેવાલ તાજા છે.

મહાનગરોની હદ વધવાથી તેની અસર સંબંધીત તાલુકા-જિલ્લા પંચાયતના સિમાંકન પર આવે તે સ્વભાવિક છે. સિમાંકન ફરવાથી રાજકીય સમીકરણોમાં પણ ધરખમ ફેરફારનો રસ્તો ખુલે છે. કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી પ્રક્રિયા કોરોનાના કારણે સ્થગિત કરી દીધી છે. ગુજરાતમાં તા. ૨૦ એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ થનાર હતી તે મોકુફ રહી છે. પંચાયતો અને પાલિકાઓના નવા સિમાંકન પ્રક્રિયા માટે ૬ મહિના જેટલો સમયગાળો જરૂરી છે. ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન જાહેર થઈ ગયુ છે. ત્યાર પછીનો સમય કેવો હશે તે કોઈ અત્યારે કહી શકે તેમ નથી. હાલના સંજોગો જોતા નિર્ધારીત સમયે ચૂંટણી યોજતા પૂર્વેના નવા સિમાંકન માટેનો સમય જતો રહ્યો છે. હવે હાલના સિમાંકન મુજબ જ ચૂંટણી થાય તેવા સંજોગો નિર્માણ પામી રહ્યા છે. એક વોર્ડ અને એક ચૂંટાયેલ સભ્યની વ્યવસ્થા માટેની માગણી અંગેનો મામલો સુપ્રિમ કોર્ટમાં વર્ષોથી પડતર છે.

મોટી કુદરતી આપત્તિ સિવાયના સંજોગોમાં ચૂંટણી મોકુફ રાખી શકાતી નથી. જો હાલની કોરોનાની આફત અથવા અન્ય કોઈ કારણ આગળ ધરી સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ધકેલવા માગે તો શું થાય ? તે બાબતે એકથી વધુ મત પ્રવર્તે છે. અમુક અભ્યાસુઓનું કહેવુ છે કે, કોરોનાની સ્થિતિ છે. ચૂંટણીને ૮ મહિના જેટલો સમય બાકી છે. ચૂંટણી કોઈ સંજોગોમાં પાછી ઠેલી શકાય નહિ. બીજો એક વર્ગ એવુ માને છે કે સરકાર ધારે તો હાલના અથવા નવા ઉભા થનાર સંભવિત સંજોગોને નિમિત બનાવી ચૂંટણી પાછી ઠેલી શકે છે. અત્યારે તો સમયસર ચૂંટણીના જ અણસાર છે. જો ચૂંટણી પાછી ઠેલાય તો ચૂંટાયેલી પાંખની મુદત વધે કે વચગાળામાં વહીવટદાર શાસન આવે ? તે બાબતે વિભિન્ન મત પ્રવર્તે છે.

(3:40 pm IST)