Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કલેકટર તંત્ર દ્વારા પારેવાડાના ૧૦૦ વાદી પરિવારોને રાશન કિટ વિતરણ

ઘઉંનો લોટ, તેલ, ખાંડ, ચા, મીઠુ, બાજરીનો લોટ, બીસ્કીટ, હળદર, ચણાદાળ, ચોખા અને માસ્ક સહીતની ચીજો પુરી પાડતા પ્રાંત ચરણસિંહ

રાજકોટ,તા.૨૮: કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતિમાં તંત્ર અને સેવાભાવી લોકો, સંસ્થાઓ દ્વારા છેવાડાના વ્યકિત સુધી ભોજન, અનાજ- કરીયાણું પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

કલેકટર તંત્ર દ્વારા જીલ્લાના પારેવાડા ગામના ૧૦૦ જેટલા વાદી પરિવારોને કરણી સેના સાથે મળી રાશનની કિટનું વિતરણ કરાયુ હતુ. એક રાશનકિટની કિંમત રૂ.૧ હજાર જેટલી છે. આ સમગ્ર વિતરણ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ દ્વારા કરાવામાં આવ્યુ હતું.

મહામારીના લીધે ગરીબો, મજુરો, પરપ્રાંતિયો વગેરેને ખુબ જ મુશ્કેલી મુખ્યત્વે રાશન અંગે થઈ રહી છે. ત્યારે કલકેટરના આદેશ મુજબ સીટી પ્રાંત-૨ શ્રી ચરણસિંહ ગોહીલ અને મામલતદારશ્રી જીંજરીયા તથા અન્યો દ્વારા સામાજીક સંસ્થાઓના સહયોગથી કિટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં અન્ન બ્રહમ યોજનાથી ૧૦ કીલો ઘઉંનું પણ વિતરણ કરવામાં આવશે.

વાદી પરિવારોને અપાયેલ કિટમાં ૧૦ કિલો ઘઉંનો લોટ, ૨ કિલો તેલ, ૧ કિલો ખાંડ, ૧૦૦ ગ્રામ ચા, ૧ કિલો મીઠુ, ૧ કિલો બાજરીનો લોટ, ૫ કિલો બિસ્કીટ, ૪૦૦ ગ્રામ હળદળ, ૨૫૦ ગ્રામ ચણાદાળ, ૧ કિલો ચણા, ૧ કિલો મગદાળ, ૧ કિલો ખીચડીયા ચોખા અને ૫ નંગ માસ્ક આપવામાં આવ્યા છે.

(2:46 pm IST)