Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાજકોટમાં વધુ ત્રણ કેસ પોઝીટીવ બાદ વધુ ૬ સેમ્પલ મોકલાયા

સાંજે રીપોર્ટ આવશેઃ આજ સુધીમાં મોકલાયેલ કુલ ૮૮ સેમ્પલમાંથી ૮૦ના રીપોર્ટ નેગેટીવ : કોરોનાના દર્દીને દાખલ કરવા માટે બે હોસ્પીટલ બુક કરાઇઃ હાલ ચાલી રહેલ સર્વેમાં કોઇ અન્ય મોટો રોગચાળો બહાર આવ્યો નથી : શહેરમાં ૧ દિ'માં વધુ ૩ પોઝીટીવ કેસ આવતા દોડધામઃ સંપર્કમાં આવનાર તમામ હોમ કોરોના ટાઇન

રાજકોટ તા. ર૮: રાજકોટ જીલ્લા આરોગ્ય અધીકારી ડો. મીતેશ ભંડેરીએ આજે સવારે ''અકિલા''ને જણાવ્યું હતું કે રાજકોટમાં વધુ ૩ કેસ પોઝીટીવ આવ્યા બાદ વધુ સેમ્પલ જામનગર મોકલી દેવાયા છે. જેનો રીપોર્ટ સાંજે પ પછી આવશે.

તેમણે ઉમેર્યું હતું કે આજ સુધીમાં કુલ ૮૮ સેમ્પલ મોકલાયા તેમાં ૮ માં પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે, અન્ય ૮૦ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

તેમણે જણાવેલ કે કોરોનાના દર્દીને દાખલ કરવા માટે હવે બે હોસ્પીટલ ફીકસ કરાઇ છે, એક સીવીલ અને બીજી ક્રાઇસ્ટ, આમાં ફુલ થયે નવી હોસ્પીટલ લેવાશે.

તેમણે જણાવેલ કે હાલ ચાલી રહેલ સર્વેમાં ગ્રામ્ય વિસ્તારમાં કોઇ અન્ય રોગચાળો બહાર આવ્યો નથી.

રાજકોટમાં દરમિયાન વધુ ત્રણ કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જેટલા લોકોના સેમ્પલ પરીક્ષણ માટે જામનગર મોકલાયા હતા તેમાંથી ૮ સેમ્પલ નેગેટિવ આવ્યા છે જયારે ત્રણ લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે જે ત્રણ જેટલા લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે તેમાં બે મહિલાઓ અને એક યુવકનો સમાવેશ થાય છે. ત્રણેય લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે તમામ લોકો મયુરધ્વજસિંહ ઝાલાના સંપર્કમાં આવ્યા હતા. મયુરધ્વજસિંહ ઝાલાનો પોઝીટીવ રિપોર્ટ ૨૪મી માર્ચના રોજ આવ્યો હતો. બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા ત્યારે આજે રિપોર્ટ સામે આવ્યો છે. તે રિપોર્ટમાં ગઈકાલે જે રાકેશ હાપલિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની ૩૩ વર્ષીય પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સાથે જ મયુરધ્વજસિંહ ઝાલાના સંપર્કમાં આવેલા ૩૭ વર્ષીય અને ૩૯ વર્ષિય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ મયુરધ્વજસિંહ ઝાલાના કારણે અન્ય ચાર લોકોના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અત્રે એ નોંધનીય છે કે પંચશીલ એપાર્ટમેન્ટ,રોયલ પાર્ક-૮, કેકેવી ચોકથી નજીક રહેતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ મહિલાના પતિનો ગઈકાલે કોરોના પોઝિટિવ આવ્યો હતો જયારે આજે તેની પત્નિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત નાના મૌવા મેઈન રોડ પર તાપસ સોસાયટી વલ્લભાશ્રયમાં રહેતા એક યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે

રાજકોટમાં આજે ત્રણ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મહાનગર પાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરાઈ છે પોઝિટિવ કેસના દર્દી જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા એ એપાર્ટમેન્ટના લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા છે જયારે પોઝિટિવ કેસના દર્દીના પરિવારના ૭ લોકોને તંત્ર દ્વારા કોરેન્ટાઇન કરી લેવાયા છે.

(11:23 am IST)