Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

'હાઇ' અને 'આઇ લવ યુ'ના મેસેજ કર્યા પછી છાત્રાને બકી ભરી લીધીઃ બે સંતાનનો પિતા પોલીસના સકંજામાં

વિદ્યાર્થીનીના સગાને મકાનના વાંધાના કામમાં મદદ કરવાની લાલચ આપી ઓળખ કેળવી હતી : એક વખત મેસેજનો રિપ્લાય આપવાની ભુલ કરી પછી ઢગાએ-હવે મેસેજ નહિ કર તો બદનામ કરી નાંખીશ તેવી ધમકીઓ દઇ સતત હેરાન કરીઃ લોધેશ્વર સોસાયટીના ધર્મેશ ઝરીયા સામે આકરી કાર્યવાહી

જેના વિરૂધ્ધ ગુનો દાખલ થયો તેનો ફાઇલ ફોટો

રાજકોટ તા. ૨૮: ગોંડલ રોડ પી. ડી. માલવીયા કોલેજ પાછળ લોધેશ્વર સોસાયટીમાં રહેતાં બે સંતાનના પિતા એવા લોધા શખ્સે મકાનના વાંધાના કામમાં મદદ કરવાને બહાને બીસીએની એક છાત્રા સાથે ઓળખ કેળવી તેને પહેલા 'હાઇ'નો મેસેજ મોકલી બાદમાં 'આઇ લવ યુ'નો મેસેજ કરી તેમજ એક રાતે તેના ઘર નજીક આવી પાછળથી અચાનક પકડી લઇ હોઠ પર બકી ભરી લઇ બાદમાં જો તું મને મેસેજ નહિ કરે અને ફોન નહિ કરે તો બદનામ કરી દઇશ તેવી ધમકી આપી હેરાન કરતાં અને કોલેજે પણ પાછળ જઇ સતામણી કરતાં મહિલા પોલીસે ગુનો નોંધી આ રોમીયોની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ સંદર્ભે બીસીએની છાત્રાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આશરે સાડા ત્રણ મહિના પહેલા મારા ફઇને મકાન બાબતે વાંધો ચાલતો હોઇ તેને કામ પડતાં ધર્મેશ છોટુભાઇ ઝરીયાનો સંપર્ક કર્યો હતો. તેણે પોતે મકાનના વાંધાના કામમાં મદદ કરશે, બધે ઓળખાણ છે તેવી વાત કરી હતી. જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી. એ પછી એક દિવસે ધર્મેશએ મને તેના મોબાઇલ ફોનમાંથી વ્હોટ્સએપમાં 'હાઇ'નો મેસેજ કર્યો હતો.  તેના નંબરની મને ખબર હોઇ મેં કોઇ જવાબ આપ્યો નહોતો. એ પછી તેણે અવાર-નવાર મને મેસેજ કર્યા હતાં. ઓળખીતા હોવાથી મેં સામે રિપ્લાય આપ્યા હતાં. એકાદ મહિના બાદ તેણે 'આઇ લવ યુ'નો મેસેજ મોકલ્યો હતો. મેં તેને આવુ કરવાની ના પાડી હતી અને તમે પરણેલા છો, તમારે બે છોકરા છે તેમ કહી મારે તમારી સાથે કોઇ સંબંધ રાખવો નથી તેમ સ્પષ્ટ કહી દીધું હતું.

આથી ધર્મેશે મને જો તું મારી સાથે સંબંધ નહિ રાખ તો હું સમાજમાં તને બધે બદનામ કરી દઇશ. તું મને કોલ કરતી અને મેસેજ કરતી તેમ કહી દઇશ. આ રીતે ધમકાવી મને સંબંધ રાખવા દબાણ કર્યુ હતું. હું ડરી જતાં તેના મેસેજ-કોલના જવાબ આપતી હતી. આજથી એકાદ મહિના પહેલા ધર્મેશે મને મેસેજ મોકલ્યો હોઇ તે મારા પપ્પા જોઇ જતાં તેણે ધર્મેશને ફોન કરી મેસેજ ન કરવા સમજાવ્યો હતો. ત્યારે ધર્મેશે-તમારી દિકરીએ મેસેજ કર્યો હતો તેમ કહી દીધું હતું. એ પછી પણ તે સતત ફોન મેસેજ કરતો હતો અને જવાબ ન આપુ તો બદનામ કરવાની ધમકી આપતો હતો.

આજથી પંદરેક દિવસ પહેલા હું રાતે સાડા દસેક વાગ્યે એંઠવાડ નાખવા ઘર બહાર નીકળતાં તે ધર્મેશ ઘર નજીક જ ઉભો હોઇ મારી ડેલી પાસે આવી ગયો હતો અને પાછળથી મને પકડી લઇ હોઠ પર કિસ કરી લીધી હતી. અંધારૂ હોઇ ઘરના સભ્યો અંદર હતાં. મેં તેને ધક્કો મારતાં તે ભાગી ગયો હતો. એ પછી તરત મને ફોન કરીને આ વાત કોઇને કહેતી નહિ, નહિતર બદનામ કરીશ તેવી ધમકી આપી હતી. તેની ધમકીને કારણે જ કોલ-મેસેજ ચાલુ રહ્યા હતાં. ૨૦/૨ના રોજ ધર્મેશની પત્નિ પુજાને ખબર પડતાં તે મારા ઘરે આવી હતી અને કહ્યું હતું કે તે મારા  પતિને ફસાવ્યો છે, તારા કારણે એ મારી સાથે સરખી વાત કરતો નથી અને બોલતો પણ નથી. આથી મેં તેને કહ્યું હતું કે તમારો પતિ પરાણે મારી પાછળ પડી ગયો છે અને મેસેજ કરવા દબાણ કરે છે.

આ વખતે ઘરમાં મારા પિતા સહિતના લોકો હોઇ બધાએ શું હકિકત છે તે પુછતાં  મેં ધર્મેશ ધમકી આપી મેસેજ-ફોન કરવા દબાણ કરતો હોવા સહિતની વાત કરી હતી. એ પછી અમે મહિલા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદની કાર્યવાહી કરી હતી. ત્યારે ધર્મેશએ પોલીસની હાજરમાં માફામાફી કરી હતી અને હવે પછી કોઇ દિવસ ફોન નહિ કરે તેમ કહ્યું હતું. જેથી તેના વિરૂધ્ધ ફરિયાદ કરી નહોતી. પરંતુ ફરથી આજથી બે દિવસ પહેલા તે મારી કોલેજે પાછળ આવ્યો હતો અને 'તું મારી સાથે બે વર્ષ સંબંધ રાખ, હું મારી પત્નિને છુટાછેડા આપી દઇશ, તારી સાથે લગ્ન કરી લઇશ' તેમ કહેતાં મેં મારા પિતાને વાત કરતાં હવે તેના વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

મહિલા પોલીસ મથકના એએસઆઇ  મધુબેન ટી. પરમારે ગુનો નોંધી આરોપી ધર્મેશ છોટુભાઇ ઝરીયા (લોધા) (ઉ.૩૦) સામે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ કરી છે. અગાઉ પણ તે મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

(12:54 pm IST)