Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સોમવારથી હોળાષ્ટકનો પ્રારંભ: લગ્ન : વાસ્તુ જેવા શુભ કાર્યોમાં લાગશે બ્રેક

૯ માર્ચે હોળીના દિવસે હોળાષ્ટકની પૂર્ણાહૂતી

રાજકોટ : સોમવાર તા.૨/૩/૨૦૨૦ના બપોરે ૧૨:૫૩ કલાકથી હોળાષ્ટકનો પ્રારંભ થશે.હોળાષ્ટકથી હોળી સુધીના દિવસોમાં શુભ કાર્યો થતા નથી. પ્રતિ વર્ષ પરંપરા મુજબ શાસ્ત્રોકત અનુસાર હોળીના સપ્તાહ પહેલા હોળાષ્ટક આવે છે અને હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ હોળાષ્ટક પૂર્ણ થાય છે. આ વર્ષે હોળીના દિવસે તા.૯/૩/૨૦૨૦ના રાત્રે ૧૧:૧૮ મીનીટે હોળાષ્ટક પૂર્ણ થશે. હોળાષ્ટક દરમ્યાન કોઈ નવું શુભ કાર્ય તથા માંગલિક કાર્ય કરવું ઉચિત ગણાતુ નથી. હોળાષ્ટકમાં વધુ સંસ્કારો વર્જત માનવામાં આવે છે. પરંતુ હોળાષ્ટક દરમ્યાન જપ, તપ, ગ્રહોની શાંતી, જન્મ નક્ષત્ર તથા યોગ શાંતી, લઘુરૂદ્ર, અભિષેક, કથા, ચંડીપાઠ વગેરે કરવા શુભ છે. લગ્નો, વાસ્તુ, જનોઈ, ખાતમુહૂર્ત, ઉદઘાટન વગેરે જેવા કાર્યો કરવા શુભ ગણાતા નથી.

ધુળેટી મંગળવારે તા.૧૦/૩/૨૦૨૦ના દિવસે છે ત્યારબાદ ૧૧/૩/૨૦૨૦ તથા ૧૨/૩/૨૦૨૦ના દિવસે લગ્નના મુહૂર્ત છે અને ત્યારબાદ લગ્ન પ્રસંગ માટે એક મહિનાનો વિરામ આવશે એટલે કે મીનારક કમુહૂર્તો તા.૧૪/૩/૨૦૨૦ થી શરૂ થશે. મીનારકમાં લગ્ન નથી થતા પરંતુ બીજા બધા શુભ કાર્યો થાય છે. મીનારક તારીખ ૧૪/૩/૨૦૨૦ થી ૧૩/૪/૨૦૨૦ એક મહિના સુધી ચાલશે અને ત્યારબાદ લગ્નગાળો પાછો શરૂ થશે.

 

ફાગણ સુદ પુનમને સોમવાર તા.૯/૩/૨૦૨૦ રાત્રે હોળી પ્રગટાવવાનો શુભ સમય છે. હોળી પ્રગટાવી પ્રદોષકાળમાં શુભ છે. પ્રદોષકાળ પ્રમાણે શુભ સમય સાંજે ૬:૨૬ થી ૮:૫૨ સુધીનો છે. ચોઘડિયા પ્રમાણે શુભ સમય રાત્રે ચલ ૬:૨૬ થી ૭:૫૭ કલાક સુધી શુભ છે

(12:47 pm IST)