Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સામાકાંઠે ભાજપનો આંતર કલહ ચરમ સીમા એ...

ધારાસભ્યે ટી.પી.સ્કીમની જમીન દરખાસ્તમાં ફેરફારો સુચવ્યા પરંતુ...ખાસ બોર્ડમાં નહી આવતા ગરમા ગરમ ચર્ચાઓ

સેક્રેટરી રૂપારેલીયા અને મેયરનાં પી.એ. હીંડોચાને ભાજપ સંકલન બેઠક વખતે અરવિંદભાઇ રૈયાણીએ 'સાઇડ'માં બોલાવી દરખાસ્તની ચર્ચા કરીઃ કોર્પોરેશનની લોબીમાં 'ધમકી' અપાયાની પણ સાથો સાથ ચર્ચા

રાજકોટ તા. ર૮ :.. શહેર ભાજપમાં સામાકાંઠા વિસ્તારોનાં કોર્પોરેટરો વચ્ચેનો આંતર કલહ જગજાહેર છે. ત્યારે હવે આ વિસ્તારનાં કોર્પોરેટર અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ આજનાં ખાસ બોર્ડમાં વાવડી વિસ્તારની ટી. પી. સ્કીમ વેરીડ કરવાની દરખાસ્તમાં કેટલાક ફેરફારો સુચવ્યા હતાં. પરંતુ આ બોર્ડમાં નહીં આવતાં. આ બાબતે તેઓએ સેક્રેટરી વિભાગનાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અને આ બાબતને લઇ કોર્પોરેશનની લોબીમાં એવી ગરમા ગરમ ચર્ચા જાગી હતી કે ધારાસભ્યએ અધિકારીઓને ધમકાવ્યા હતાં. આમ સામાકાંઠમાં ભાજપના આંતર કલહ હવે ચરમ સીમાએ હોવાની ચર્ચા જાગી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનાં ભાજપ કાર્યાલયની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ આજે મળેલા ખાસ બોર્ડમાં કામ ચલાઉ પ્રારંભિક ટી. પી. સ્કીમ નં. ૧૪ (વાવડી) ની પુનઃરચનાને પરામર્શ (બેરીડ) કરવાની દરખાસ્તમાં સામાકાંઠાના વોર્ડ નં. પ નાં કોર્પોરેટર અને ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ કેટલાક સુચનો કર્યા હતાં. પરંતુ તેમાં તેઓ મોડા પડયા હતાં. અને આજે આ દરખાસ્ત ખાસ બોર્ડમાં મંજાુર થઇ ગયેલ.

ભાજપ કાર્યાલયની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ ખાસ બોર્ડ યોજાયુ તે અગાઉ મળેલી ભાજપ સંકલન બેઠક વખતે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ સેક્રેટરી શ્રી રૂપારેલીયા તથા મેયરનાં પી.એ. શ્રી હીંડોચાનો સાઇડમાં લઇ જઇને આજનાં બોર્ડમાં તેઓનાં સુચનોનો સમાવેશ કેમ ન થયો?  તેવો સવાલ ઉઠાવી ધમકી ભરી ભાષામાં વાત કરી હોવાની ગરમા ગરમ ચર્ચાએ જોર પકડયું છે.

(4:06 pm IST)