Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

'મેરા બુથ સબ સે મજબુત' અંતર્ગત ભાજપના કાર્યક્રમમાં પાંખી હાજરી બની ચિંતાનો વિષય

વડાપ્રધાન મોદીજીએ એકી સાથે ૧૫ હજાર સ્થળોએ કાર્યકરો સાથે કરી વાતચીત : રાજકોટ શહેરમાં હરીહર હોલ, રાણીંગાવાડી અને સંત ભોજલરામ હોલમાં યોજાયો કાર્યક્રમ

ઉપરોકત તસ્વીરો નિહાળતા હાજરીને અનુલક્ષીને આ કાર્યક્રમ ભાજપનો હોય તેમ લાગતુ પરંતુ તસ્વીરમાં પુનાની અતિઆધુનિક સિસ્ટમના આધારે વિડીયો ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ટીવી સ્ક્રીન પર નજરે પડે છે પરંતુ પાંખી હાજરીએ સૌનું ધ્યાન ખેંચી ચર્ચાનો વિષય બન્યાનું ચર્ચાય છે.

રાજકોટ, તા. ૨૮ :. લોકસભા ચૂંટણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાજપ કાર્યકર્તાઓ સાથે 'મેરા બુથ સબ સે મજબુત' અંતર્ગત ઐતિહાસિક સીધા સંવાદનો કાર્યક્રમ આજે એકી સાથે ૧૫૦૦૦ સ્થળે યોજ્યો હતો. જેમાં આધુનિક વિડીયો ટેકનોલોજીના માધ્યમથી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. ત્રિવેન્દ્રમ્, આંધ્રપ્રદેશ, ત્રિપુરા સહિતના સ્થળો ઉપરાંત ગુજરાતમાં પોરબંદરના કાર્યકરના કોઈપણ પ્રશ્નોના જવાબો મોદીજીએ આપ્યા હતા. રાજકોટમાં ત્રણ સ્થળે ધારાસભા બેઠકવાર આ કાર્યક્રમ યોજાયો હતો પરંતુ શહેરમાં ભાજપની જે મજબુતાઈ છે તેના પ્રમાણમાં હાજરી ખૂબ જ પાંખી જોવા મળતા ચિંતાનો વિષય ઉભો થયાનું મનાય છે.

ભાજપ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આજે વિધાનસભા ૬૮ની બેઠકના ભાજપના હોદેદારો, આગેવાનો તથા કાર્યકર્તાઓ માટે ભોજલરામ હોલ ખાતે ૬૯ બેઠક માટે હરીહર હોલ તથા વિધાનસભા ૭૦ તથા ૭૧ માટે કાન્તા શ્રી વિકાસગૃહ રોડ પર આવેલ રાણીંગાવાડી ખાતે 'મેરા બુથ સબ સે મજબુત' હેઠળ મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો.

ભાજપના જ કાર્યકરોમાં ચર્ચાતી વિગતો મુજબ ત્રણેય વિધાનસભા બેઠકના કાર્યક્રમમાં ૧૧ વાગ્યાથી ૧૨ દરમ્યાન ૫૦થી ૧૫૦ જેટલા મહાનુભાવોની હાજરી હતી પરંતુ ફોટાઓ પડી ગયા બાદ આ હાજરી સાવ પાંખી થઈ ગયાનું ચર્ચાય છે. જો કે હરીહર હોલ ખાતે ગણેશ મંડપમાંથી સાડા ત્રણસો ખુરશી મંગાવાયાનું અને એક સમયે હરીહર હોલ ખાતે હાજરી સંપૂર્ણ હતી પરંતુ જમવાનો સમય થયા બાદ હાજરી પાંખી થઈ ગયાનું કહેવાય છે.

એમ ચર્ચાય છે કે છેલ્લા સાડા બારથી દોઢ વાગ્યા દરમિયાનનો હાજરી અડધી થઈ ગઈ હતી.

આજે યોજાયેલા કાર્યક્રમમાં કોઈ અગમ્ય કારણોસર ભારે ઉત્સાહની ખામી પ્રવર્તતી હોવાની છાનાખૂણે ચર્ચા જાગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં શહેર કોંગ્રેસના કોઈપણ કાર્યક્રમો કે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમા એડીચોટીનું જોર લગાવાય તો પણ મહાનુભાવોની સંખ્યા ૫૦ કે ૬૦થી મોટાભાગે વધતી નથી પરંતુ શિસ્તબદ્ધ મનાતા ભાજપના દરેક કાર્યક્રમોમા વિશાળ હાજરી જોવા મળતી હોય છે પરંતુ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પાંખી હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ અને ચર્ચાને એક વધુ કારણ મળ્યુ હતુ તેમ મનાય છે.

(4:05 pm IST)