Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વસંતના વધામણા...હિરાણી કોલેજમાં ઉજવાયો અવસર

રાજકોટઃ વસંત અને પાનખરનો સંબંધ સિક્કાની બે બાજુ જેવો છે ત્યારે સુખ અને દુઃખમાં સમતા કેળવવાથી જીવનની વસંતને માણી શકાય છે. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને જીવનમુલ્યો  એ પ્રકૃતી સાથે જોડાયેલા છે. જીવનમાં બનતી પ્રત્યેક ઘટના એ કુદરત અને પ્રકૃતિજન્ય હોય છે. જીવનનાં સુખ દુઃખ અને આનંદ વૈભવ એ પણ પ્રકૃતિ પરંપરાનો અંશ અને વંશ છે. એક અર્થમાં સમગ્ર ઋતુચક્ર સાથે જોડાયેલું છે તેમ શ્રી અર્જુનલાલ હિરાણી જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટર શ્રી વિવેક હિરાનીએ શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પરફોર્મીગ આર્ટસના મધ્યસ્થ ખંડ ખાતે યોજાયેલા વસંતના વધામણા કાર્યક્રમ પ્રસંગે બોલતા જણાવ્યુ઼ હતું.

વસંતના વધામણાના આ અવસરે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિવેક હિરાની, કોલેજના પ્રિન્સીપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરફોર્મીગ આર્ટસ ફેકલ્ટીના ડીન ડો. ભારતીબેન રાઠોડ, મોટીવેશનલ સ્પીકર શ્રી સચીનભાઇ ઉપરાંત મોટી સંખ્યામાં સંગીત નૃત્ય પ્રેમીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટય તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કોલેજની નવલી પરંપરા અનુસાર સંગીતના વાદ્યોનું પુજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોલેજની કથક વિભાગની વિદ્યાર્થીનીઓએ કૌશીક ધ્વની અને કેદાર રાગ આધારીત કથક નૃત્ય સાથે સરસ્વતી વંદના રજુ કરી હતી. કોલેજના ગાયન વિભાગના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ દ્વારા શાસ્ત્રીય રાગ બસંત અને બહાર આધારીત બંદીશોમાં સરસ્વતી વંદના કરી વાતાવરણને વસંતમય બનાવ્યું હતું. આ સમારોહમાં કોલેજનાં તબલા વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તાલકચેરી વાદન શૈલીની રજુઆત કરી વસંતના પમરાટને ઓર ઘેરો બનાવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીતની રચનાઓ તેમજ  વસંતઋતુને અનુરૂપ જુના ફિલ્મી ગીતોની પણ ભાવસભર રજુઆતો થઇ હતી. કથકની વિદ્યાર્થીનીઓ દ્વારા આ પ્રસંગે વસંતના આગમનનું વર્ણન કરતા વસંત થાટની રજુઆત સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ પ્રસંગે પત્રકારત્વનાં વિદ્યાર્થીઓએ વસંત ઋતુ ઉપર વકતવ્યો આપ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકારત્વની વિદ્યાર્થીની કુ.અરૂણા ડાવરાએ કર્યુ હતું જયારે કાર્યક્રમની આભારવિધિ કોલેજનાં યુવા સંચાલક શ્રી વિવેક હિરાનીએ કરી હતી.

(3:58 pm IST)