Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

નંદા હોલ નજીકથી મનિષ કડીયાનું બૂલેટમાં અપહરણ કરી હુડકો ચોકડીએ લઇ જઇ પાઇપથી ફટકારી પગ ભાંગી નાંખ્યો

હુડકોના ભયલુ ગઢવી અને દિવ્યેશ પટેલને શોધતી ભકિતનગર પોલીસઃ જુનું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રણુજા સોસાયટી-૨માં રહેતાં કડીયા યુવાનનું રાત્રે સાડા દસેક વાગ્યે કોઠારીયા રોડ નંદા હોલ પાસેથી ગઢવી અને પટેલ શખ્સે જુના ડખ્ખાનો ખાર રાખી બૂલેટમાં બેસાડી અપહરણ કરી હુડકો ચોકડી નજીક મીરા દાતાર સામે લઇ જઇ પાઇપના ઘા ફટકારી એક પગ ભાંગી નાંખતા હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે.

રણુજા સોસાયટી-૨માં રહેતો મનિષ દિપકભાઇ ધોરીયા (ઉ.૨૫) નામનો કડીયા યુવાન રાત્રે કોઠારીયા રોડ ડો. આંબેડકર ભવન સામેના સર્વિસ સ્ટેશન પાસે મિત્ર સાથે ઉભો હતો ત્યારે હુડકો વિસ્તારના ભયલુ ગઢવી અને દિવ્યેશ પટેલે બૂલેટ પર આવી 'અહિ આવ કામ છે' કહી બોલાવ્યા બાદ બૂલેટમાં અપહરણ કરી હુકડો ચોકડી નજીક મીરા દાતારની દરગાહ સામેના પટમાં લઇ જઇ લોખંડના પાઇપથી બેફામ માર મારતાં ડાબો પગ ભાંગી ગયો હતો.

દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં બંને જણા ગાળો ભાંડી મારી નાંખવાની ધમકી આપી તેને મુકીને ભાગી ગયા હતાં. એ પછી મનિષે મિત્રને ફોન કરતાં તે આવી ગયો હતો અને તેને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. બનાવની હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં ભકિતનગરના પીએસઆઇ ડી.એન. વાંજાએ હોસ્પિટલે પહોંચી મનિષની ફરિયાદ પરથી ભયલુ ગઢવી તથા દિવ્યેશ પટેલ સામે આઇપીસી ૩૨૩, ૩૬૫, ૫૦૬ (૨), ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

મનિષ ત્રણ ભાઇમાં વચેટ અને કુંવારો છે. તેના કહેવા મુજબ તે લાદીકામ કરે છે. તેનો પિત્ર બાપુડી દરબાર તાજેતરમાં પાસામાં ધકેલાયો છે. પોતાને બાપુડી સાથે મિત્રતા હોઇ અને બાપુડી તથા ભયલુ ગઢવીને બનતું ન હોઇ તે બાબતે અગાઉ ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી પોતાને ઉઠાવી જઇ બેફામ માર માર્યો હતો. (૧૪.૫)

 

(3:57 pm IST)