Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

મૂળ ગોંડલના અને હાલ રાજકોટ રહેતા મિતુલ ઠક્કરની ગુન્હાહિત કુંડળી તપાસતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

ગુજરેરા જેવી બનાવટી વેબ સાઇટ બનાવનાર સીએ જયેશ લખવાણીના સાથીદારનું રાજકોટ કનેકશન ખુલ્યું

રાજકોટ, તા., ૨૮: ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલર ઓથોરીટી (ગુજરેરા) નામથી ખોટી વેબસાઇટ બનાવી બિલ્ડરોને પ્રમોટરો પાસેથી ધંધાકીય રીતે મોટો કડદો કરનાર અમદાવાદના સીએ જયેશ લખવાણીના સાથી તરીકે રાજકોટના મિતુલ ઠક્કરનું નામ સપાટી પર આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.વી.બારડે મૂળ ગોંડલ અને હાલ રાજકોટ રહેતા મિતુલ ઠક્કરની ગુન્હાહિત કુંડળી તપાસવા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રાજકોટ મોલ્યાનું સુત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે સાઇબર ક્રાઇમને ગુજરેરાના અધિકારી મયુર શાહ દ્વારા કોઇ ઇસમ સરકારી કચેરી ગુજરેરા નામનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરતા હોવાની ફરીયાદ આપી હતી.

બનાવની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ, ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ સ્પે. પોલીસ કમિશ્નર  જે.આર.મોથલીયા અને નાયબ પોલીસ કમિશ્નર રાજદીપસિંહ ઝાલાએ સમગ્ર મામલાની તપાસ પીઆઇ વી.બી.બારડને સુપ્રત કરતા જ તેઓએ પીએસઆઇ ડી.જે.જાડેજા વિગેરેને સાથે રાખી ટેકનીકલ પુરાવા એકઠા કર્યા હતા. તપાસના અંતે આ મામલામાં અમદાવાદના ચાર્ટર એકાઉન્ટન્ટ જયેશ હાશાનંદભાઇ લખવાણી તથા મિતુલ રસીકભાઇ ઠક્કરની અટક કરેલ છે. પીઆઇ વી.બી.બારડના જણાવ્યા મુજબ આરોપી મિતુલ ઠકકર મૂળ ગોંડલનો છે અને હાલ રાજકોટ રહે છે. ડીજીટલ સિગ્નેચર કન્સલ્ટન્સીનું કામ કરે છે અને તેણે જયેશ પાસેથી ડોમેઇન ખરીદી ઉકત વેબસાઇટ તથા ઇ-મેઇલ આઇડી બનાવી હતી.  પીઆઇ વી.બી.બારડ મૂળ રાજકોટના વતની હોવાથી રાજકોટના તેમના સંપર્કો ધ્યાને લઇ મિતુલ ઠક્કરે આવી કોઇ અન્ય વેબસાઇટો બનાવી છે કે કેમ? તેની માહીતી ટેકનીકલ રીતે મેળવવા સાથે પોતાના સ્ત્રોત મારફત મેળવવા એક ટીમ મોકલવા સાથે આવી વેબ સાઇટના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો પાસેથી માહીતી એકઠી કરાઇ રહી છે. (૪.૫)

 

(3:56 pm IST)