Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

લક્ષ્મીવાડીમાં બોગસ કોલ સેન્ટર ધમધમતુ'તું: ત્રણ ઝડપાયા

રાજકોટની પ્રથમ ઘટનાઃ અમેરિકન નાગરિકોને ફોન કરી 'સ્પીડીકેસ કંપનીના લોન ડિપાર્ટમેન્ટમાંથી બોલીએ છીએ' તેમ કહી ઓવરડ્યુ લોન ભરપાઇ કરવાના બહાને નાણા ખંખેરતા હતાં! : ભકિતનગર પોલીસે દરોડો પાડી રાજકોટ રહેતાં મુળ ઉપલેટાના અંજીલ પટેલ, અમરેલીના કોૈશિક દાફડા અને જામનગરના રોનક ઉર્ફ બાબા પ્રજાપતિને પકડ્યાઃ ૫૭૮૦૦નો મુદ્દામાલ કબ્જેઃ ચાર મહિનાથી કોલ સેન્ટર ચાલુ કર્યુ હતું

જ્યાં બોગસ કોલ સેન્ટર ધમધમતું હતું તે એપાર્ટમેન્ટ (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮: શહેરના લક્ષ્મીવાડીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રાજકોટ, જામનગર, સિક્કાના ત્રણ શખ્સો મળી બોગસ કોલ સેન્ટર ધમધમાવી અમેરિકન નાગરિકોને  ફોન જોડી પોતે સ્પીડીકેસ કંપનીના લોન ડિપાર્ટમેન્ટમાંથી વાત કરે છે તેવી ખોટી ઓળખ આપી ઓનલાઇન કોન્ટેકટ કરી લોન અપાવવા લાલચ આપી ડેટા મેળવી તમારી ક્રેડિટ સ્કોર થઇ છે, તેવું જણાવી ઓન લાઇન પૈસા જમા કરાવવાનું કહી અમેરિકાના નાગરિકો સાથે વિશ્વાસ ઘાત, છેતરપીંડી કરતાં મામલો પોલીસમાં પહોંચતા ભકિતનગર પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂ. ૫૭૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે મુળ ઉપલેટાના હાલ સાધુ વાસવાણી રોડ અજંતા પાર્ક બ્લોક નં. એ-૪૦૨માં રહેતાં અને અભ્યાસ કરતાં અંજીલ રજનીભાઇ ડેડાણીયા (પટેલ) (ઉ.૨૪), અમરેલીના સરમડા ગામના અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતાં કોૈશિક બાવચંદભાઇ દાફડા (વણકર) (ઉ.૨૪) તથા જામનગર સિક્કાની દિગ્વીજય કોલોની સી-૧૦, ૩૮માં રહેતાં અને અભ્યાસ કરતાં રોનક ઉર્ફ બાબા અરવિંદભાઇ શિંગડીયા (પ્રજાપતિ) (ઉ.૨૪) સામે આઇપીસી ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૨૦ (બી), આઇટી એકટ કલમ ૬૬ (ડી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે બાતમી પરથી લક્ષ્મીવાડી મેઇન રોડ પર દેવાંશી એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નં. ૪૦૨માં દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી.

પીએસઆઇ ડી.એ. ધાંધલ્યાએ ફરિયાદી બની ગુનો નોંધ્યો છે. તેમાં જણાવાયું છે કે દેવાંશી એપાર્ટમેન્ટના ચોથા માળે અંજીલ પટેલ નામનો માણસ તેના બીજા સાગ્રીતો સાથે કોલ સેન્ટર ચલાવી અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપી તેના ડેટા મેળવી લઇ બાદમાં ફોન કરી લોન લેવા માટે કોલ કરી તેમજ યુએસના માર્કેટમાં અલગ-અલગ વ્યકિતઓના ઓન લાઇન કોન્ટેકટ કરી કાયદેસરના નાણા મેળવતા હોય તે ધંધાની આડમાં કેટલાક વ્યકિતઓને પોતાના કોલ સેન્ટરમાં રાખી અમેરિકાના નાગરિકોને ફોન કરી તેમના ડેટા મેળવી તેને ફોન કરી તમારી લોન ઓવર ડ્યુ થઇ ગઇ છે, તેવા મેસેજ સ્ક્રાઇપ્ટ સોફટવેરથી મોકલી ત્યારબાદ પોતાના નંબર આપી તમારી લોન ઓવરડ્યુ છે, તમારો એસએસ એન્ડ નંબર (સોશિયલ સિકયુરીટી નંબર) હોલ્ટ થઇ જશે જો આમ ન થવા દેવું હોય અને લોન જોઇતો હોય તો તમારા એકાઉન્ટમાં ગૂગલ પ્લેસ્ટોર અથવા વોલમાર્ટ, ગિફટનું વાઉચર લઇ અમોને આપું તેવી કહી કસ્ટમર્સ પાસેથી વાઉચરનો નંબર મેળવી લઇ બાદમાં સિક્કાથી મની ટ્રાન્સફરમાં પૈસા મેળવી ડોલરના વાઉચર મેળવી અમેરિકન નાગરિકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરે છે તેવી બાતમી મળતાં તેની ખરાબ કરતાં આ બાબત સાચી નીકળી હતી.

પોલીસે ફલેટમાંથી ત્રણ શખ્સો અંજીલ પટેલ તથા તેના બે મિત્રો રોનક ઉર્ફ બાબા પ્રજાપતિ તથા કોશિક દાફડાને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે બોગસ કોલ સેન્ટર મારફત અમેરિકન નાગરિકોને છેતરતા હોવાનું કબુલતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસે કોમ્પ્યુટરના સાધનો, લેપટોપ, માઉસ, ડી-લિંકનું ઇન્ટરનેટર રાઉટર જોડાણ, અમેરિકન નાગરિકોના ફોન નંબર, લાસ્ટ ઇ-મેઇલ, સ્ટેટસ, મર્જ સ્ટેટસ સહિત ૧ થી ૫૬ સુધીના અમેરિકન નાગરિકોના ગૂગલ ડ્રાઇવમાં ડેટા જોવા મળ્યા હતાં. આ બાબતે વિશેષ પુછતાછ થતાં ત્રણેયે કબુલ્યું હતું કે પોતે આ નાગરિકોને કોલ કરી છેતરપીંડી કરતાં હતાં. પોલીસે ૨૫૦૦નું રાઉટર, ૨૦ હજારનું લેપટોપ, બીજુ એક ૨૦ હજારનું લેપટોપ, ચાર્જર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અંજીલે પોલીસને જણાવ્યું હતું કે લિંક ડીન એપ્લીકેશનમાંથી અમેરિકન નાગરિકોના ડેટા મેળવી તેઓના કોન્ટેકટ કરતાં હતાં અને પોતે અમેરિકાની સ્પીડીકેસ લોન કંપનીમાંથી બોલે છે તેવી વાત કરી લોન મેળવવાના બહાને લલચાવી ઓનલાઇન બેંકીંગ્ના યુઝર નેમ પાસવર્ડ મેળવી તે યુઝરનેમ અને પાસવર્ડ અન્ય વ્હોટ્સએપ ગ્રુપમાં મોકલી તે ગ્રુપની વ્યકિતને લોનની અમુક રકમ જમા કરાવવાનું કહી અમુક રકમ ખાતામાં જમા કરાવડાવ્યા બાદ ઓકેનો મેસેજ આવતાં તમારી ક્રેડિટ સ્કોર ઓછી છે તેવો ફોન કરી ઓનલાઇન ગૂગલ પ્લેમાં ડોલર જમા કરાવવા જણાવતાં હતાં. આ રીતે કાવત્રુ ઘડી ઠગાઇ કરતાં હોવાનું કબુલતાં વિશેષ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડની સુચના મુજબ ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ધાંધલ્યા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, સલિમભાઇ મકરાણી, વાલજીભાઇ જાડા, રણજીતસિંહ પઢારીયા, હિરેનભાઇ સહિતે આ કામગીરી કરી છે. આ ત્રિપુટીએ ચારેક મહિનામાં કેટલા અમેરિકન નાગરિકો સાથે ઠગાઇ કરી? કેટલાની ઠગાઇ કરી? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. (૧૪.૧૨)

(3:53 pm IST)