Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧ થી ૭ માર્ચ સુધીની આગાહી

શનિવારે ગરમી વધશે : રવિ કે સોમ ફરી છાંટાછૂટી

તા.૨ના ગરમીનો પારો ૩૫ ડિગ્રીને પાર કરશે : પવન ફર્યા રાખશે : રવિ - સોમ કોઈ સેન્ટરોમાં ઝાકળની સંભાવના

રાજકોટ, તા. ૨૮ : હાલમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ગુલાબી ઠંડી અને દિવસના આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન આગામી શનિવારે ગરમીમાં વધારો જોવા મળશે. પારો ૩૫ ડિગ્રીને પાર કરી જશે. આ સપ્તાહ દરમિયાન પવનની ગતિ અને દિશા ફર્યા રાખશે. રવિવારે કે સોમવારે ઝાકળની સંભાવના છે.

જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે, હાલમાં મહત્તમ અને ન્યુનતમ તાપમાન નોર્મલથી નીચા આવી ગયા છે. જેમ કે અમદાવાદ ૨૯.૫ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), ન્યુનતમ ૧૩.૫ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), રાજકોટ ૩૦.૭ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ), ન્યુનતમ ૧૫.૫ (નોર્મલથી દોઢ ડિગ્રી નીચુ), સામાન્ય રીતે હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૭ ડિગ્રી ગણાય. આજે ડીસામાં ન્યુનતમ તાપમાન ૧૧.૬, અમરેલી ૧૪.૬ અને કચ્છમાં ૧૧ ડિગ્રી નોંધાયેલ.

અશોકભાઈએ તા.૧ થી ૭ માર્ચની આગાહી કરતાં જણાવ્યું છે કે આવતીકાલથી મહત્તમ - ન્યુનતમ તાપમાન વધશે. તા.૨ના શનિવારે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીને પાર કરી જશે. તા.૩-૪ના ન્યુનતમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉંચુ, મહત્તમ તાપમાન નોર્મલથી ઉંચુ કે નોર્મલ નજીક રહેશે. તા.૫-૬-૭ના ફરી મહત્તમ - ન્યુનતમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી નીચુ રહેશે. જયારે તા.૨ના પવનની ગતિ વધુ રહેશે તો તા.૪-૫ના ફરી ઘટી જશે. હાલમાં પવન નોર્થ, ઈસ્ટના છે. જે તા.૨ના ફર્યા રાખશે. તા.૩-૪ના પશ્ચિમી પવનો ફૂંકાશે. કારણ કે, તા.૨ના એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જે નોર્થ ઈન્ડિયા અને રાજસ્થાનમાં અસર કરશે. તા.૩-૪ના સવારે ભેજનું પ્રમાણ રહેશે. જેથી કયાંક કયાંક ઝાકળની સંભાવના છે. તેમજ તા.૩-૪ (રવિ-સોમ)માંથી એક દિવસ ફરી છાંટાછૂટીની સંભાવના છે. (૩૭.૧૩)

 

(3:51 pm IST)