Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ડીફેન્સ યુથ ફીએસ્ટા નિહાળતા પ લાખ લોકો

સુરક્ષા બળો : છાત્રો દ્વારા પ્રદર્શિત પ્રોજેકટ બીરદાવતા પરમવિર ચક્ર વિજેતા શહિદ કેપ્ટન વિક્રમ બત્રાના માતા-પિતાની ખાસ ઉપસ્થિતિ : હજારો યુવાઓએ સુરક્ષાદળોમાં જોડાવા માર્ગદર્શન મેળવ્યું

રાજકોટ તા.ર૮: જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર આપણા દેશના હવાઇ સેના દરિયાઇ સેના અને જમીની સેના કેવી રીતે કાર્ય કરે છે તે વિષય પર વિવિધ પ્રોજેકટસ દ્વારા બાળકોને સુરક્ષા દળો પ્રત્યે આકર્ષિત કરવા માટે રાજકોટના રેસકોર્ષના મેાદન પર ૩ લાખ ચોરસ ફુટ વિસ્તારમાં 'ડીફેન્સ યુથ ફીએસ્ટા-૨૦૧૯' પ્રદર્શન આયોજીત કરવામાં આવ્યું હતું. દેશના સામાજિક- આર્થિક અને  સ્થિરતા માટે સંરક્ષણ સંસ્થાઓનો શું ફાળો છે અને તેમાં જોડાવા માં શું ફાયદાઓ છે તે આજની યુવા પેઢીને સમજાવવા માટેનો પ્રયાસ સફળ રહ્યો હતો. ચાર દિવસીય આ પ્રદર્શનનો આશરે પાંચ લાખ કરતા વધુ મુલાકાતીઓએ લાભ લીધો હતો. જેમાં રાજકોટ અને આસપાસના વિસ્તારોની ૩૦૦ થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ પણ શામેલ હતા.

ચોથા અને અંતિમ દિવસે સવારે ૧૧ થી ૧૧.૩૦ કલાકે ઇન્ડિયન એરફોર્સ એકેડમી, ૪ થી ૪.૪૫ કલાકે ઇન્ડિયન નેવલ એકેડમી, ૪.૪૫ થી ૫.૩૦ બીએસએફ-ઈન્ડિયાઝ ફસ્ટ લાઇન ઓફ ડિફેન્સ, ૫.૩૦ થી ૬.૧૦ કલાકે ઓપરેશન મેઘદુત અને ૬.૧૦ થી ૭ કલાકે સર્જીકલ સ્ટ્રાઇ-સપ્ટેમ્બર ૨૦૧૬ વિષય ઉપર હિસ્ટ્રી, જીઓ અને ડિસ્કવરીના સોેજન્યથી તૈયાર થયેલ ડોકયુમેન્ટરી ફિલ્મ વિદ્યાર્થીઓને અને મુલાકાતીઓને બતાવવામાં આવી હતી, જેને ખુબ સારો પ્રતિસાદ સાંપડયો હતો.

ચોથા દિવસે ભારતના વિર સુપત શહિદ કેપ્ટન વિક્રમ બત્રાના માતા-પિતા ખાસ 'ડીફેન્સ યુથ ફીએસ્ટા'ની મુલાકાતે આવ્યા હતા અને તમામ પ્રોજેકટસને નિહાળી, વિદ્યાર્થીઓ પાસેથી પ્રોજેકટસની વિગતો જાણી ઘણા ખુશ થયા હતા અને આયોજકોના આ સ્તુત્ય પ્રયાસને બિરદાવ્યો હતો અને વિદ્યાર્થીઓને દેશની રક્ષા કરવા અને સુરક્ષા દળોમાં જોડવા ઇજન કર્યું હતું. અત્યારે એ ઉલ્લેખનીય છે, કે 'ડીફેન્સ યુથ ફીએસ્ટા' માં મીલીટરી ટ્રેનિંગ અને એકસપર્ટ સેશન માટે ઉભા કરાયેલ ડોમને કેપ્ટન વિક્રમ બત્રા પીવિસી ડોમ નામ અપાયું હતું. જે જાણીને તેમના માતા-પિતા ગૌરવવંત મહેસુસ કરતા હતા. તદ્દઉપરાંત આર્ટલરી રેજીમેન્ટના હેલીકોપ્ટર પાઇલટ કર્નલ પી. વ્યાસ (વેટરન) તેમજ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ.પૂ. સ્વામી નિખીલેશ્વરાનંદજી પણ ખાસ પ્રદર્શનની મુલાકાતે પધાર્યા હતા અને પ્રદર્શન નિહાળી પ્રભાવિત થયા હતા.

આ પ્રદર્શનમાં અગત્યનો ભાગ ભજવનાર આર્મી, નેવી, એરફોર્સ, બી.એસ.એફ., ગુજરાત પોલીસ, ઇસરો અને એન.સી.સી. ના તમામ જવાનો અને અધિકારીઓ જીનિયસ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાથી ખુબ જ પ્રભાવિત થયા હતા. તેમજ રાજકોટની જનતા દ્વારા તેમને સાંપડેલ પ્રતિસાદ, પ્રેમ અને આદરથી પણ તેઓ ખુબ જ અભિભૂત થયા હતા. તેઓએ સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યું હતું અન ભવિષ્યમાં પણ આ પ્રકારના આયોજનોમાં ભાગ લેવા તત્પરતા દર્શાવી હતી. આયોજકો દ્વારા સંરક્ષણ દળો અને ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ કલેકટર ઓફીસ અને રાજકોટ પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ સફળ આયોજનમાં હિસ્સેદાર બનવા માટે આભાર વ્યકત કર્યો હતો. રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોશીએશન, રાજકોટના તમામ ઇલેકટ્રોનિક મીડિયા અને અખબારોનો અને રાજકોટના તમામ રાજકીય, સામાજીક અને શૈક્ષણિક આગેવાનો, તેમજ જીનિયસ ગ્રુપની તમામ સંસ્થાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને તમામ સ્ટાફ પ્રત્યે પણ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી.

સમગ્ર આયોજનને સફળ બનાવવા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા, સી.ઇ.ઓ. ડીમ્પલબેન મહેતા, કેપ્ટન જયદેવ જોષી (રીટાયર્ડ), ગાર્ડી વિદ્યાપીઠના વાઇસ ચેરમેન કિરણ શાહના માર્ગદર્શનમાં ગાર્ડી એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સિપલ સિદ્ધાર્થ જાડેજા તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જય મહેતા, અને સુદીપ મહેતાની રાહબરીમાં કાજલ શુકલ, શ્રીકાંત તન્ના, પ્રજ્ઞા દવે, વિપુલ ધનવા, દર્શન પરીખ, દ્રષ્ટિ ઓઝા, મનિન્દર કેશપ, બંસી ભૂત, અને હિના દોશીની ટીમ સાથે તમામ સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવવામાં આવી હતી.

(3:40 pm IST)