Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કાલથી સસ્તા અનાજના ૨૦ હજાર દુકાનો હડતાલ ઉપર : લાખો કાર્ડ હોલ્ડરો 'જણસી' વગર રખડી પડશે

કાલે સવારે રાજકોટમાં મહત્વની મીટીંગ : સરકાર તા. ૧ થી ૪માં નહિ બોલાવે તો ૬ તારીખથી બેમુદતી હડતાલ : એક પણ દુકાનદારે ઘઉં - ચોખા - ખાંડ - કેરોસીનની પરમીટ નથી ઉપાડી : દેકારો બોલી જવાનો ભય

રાજકોટ તા. ૨૮ : રાજ્યભરના રેશનીંગના દુકાનદારોએ આવતીકાલે ૧લી તારીખથી હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે. જેના કારણે રાજ્યના લાખો રેશનીંગ કાર્ડ ધારકો આ મહિનાના રાશનથી વંચીત રહેવાની ભીતી સર્જાઇ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સસ્તા અનાજના દુકાનદારોને દુકાનનો વહીવટી ખર્ચ સરકાર દ્વારા અપાય અને અનાજના ૧ કવી઼ટલ જથ્થા દીઠ રૂ. ૨૦૦નું કમિશન દુકાનદારોને આપવા સહિતની માંગણીઓ ઉઠાવી સસ્તા અનાજના હજારો દુકાનદારોએ રાજ્ય સરકાર સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

હડતાલના આ આંદોલનના ભાગરૂપે એકપણ સસ્તા અનાજના દુકાનદારે ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીનની પરમીટ ઉપાડી નથી. પરિણામે આવતા મહિને લાખો રેશનીંગ કાર્ડ ધારકો જણસી એટલે કે ખાંડ, ચોખા, ઘઉં, કેરોસીન વગર રઝળી પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.

દરમિયાન સસ્તા અનાજના દુકાનદારોએ એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો દુકાનદારોના આ પ્રશ્નો ઉકેલવા ૫ માર્ચ સુધીમાં સરકારની ખાત્રી નહી મળે તો ૬ઠ્ઠી માર્ચથી બેમુદતી હડતાલ પાડવામાં આવશે.

સમગ્ર આંદોલનને રાજકોટમાં સફળ બનાવવા માટે એસોસીએશનના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવ, માવજીભાઇ રાખશીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:19 pm IST)