Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સમગ્ર ભારતની દવા બજારમાં ૧પ ફેબ્રુઆરીએ સરકાર સામે વિરોધ પ્રદર્શન

ગલી ગલી સે દિલ્‍હી તક હલ્લા બોલ : - એક જ દવાના ભાવ રીટેઇલર્સ કક્ષાએ અને કોર્પોરેટ કંપનીઓ (ઓનલાઇન - ચેઇન સ્‍ટોર્સ) માં અલગ-અલગ જોવા મળે છે...! મોલમાં વેચાતા કોસ્‍મેટીકસમાં પણ ઘણો બધો ભાવફેર? દવાના નાના વેપારીઓનું અસ્‍તિત્‍વ જોખમમાં હોવાનું જણાવતા AIOCDના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા અને રાજયના જોઇન્‍ટ સેક્રેટરી અનિમેષ દેસાઇ : - માનવીની જીંદગી અમૂલ્‍ય છે ત્‍યારે ડુપ્‍લીકેટ દવા બાબતે પણ સાવચેતી ખૂબ જરૂરીઃ દવાની કિંમતમાં વધુ ડીસ્‍કાઉન્‍ટ અને ડુપ્‍લીકેટ દવા એકબીજા સાથે સંકળાયેલા? કડક કાયદો જરૂરી : - સમગ્ર ભારતના દવાના દસ લાખ જેટલા વેપારીઓ ‘હલ્લા બોલ' માં જોડાશેઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તથા રાજકોટના હજજારો વેપારીઓ પણ સામેલ થશે

રાજકોટ તા. ર૮ :.. સમગ્ર ભારતના અંદાજે દસ લાખથી પણ વધુ દવાના ધંધાર્થીઓ (રીટેલર્સ-હોલસેલર્સ) ની માતૃસંસ્‍થા ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ (AIOCD) ના  નેજા હેઠળ ૧પ ફેબ્રુઆરી, ર૦ર૩, બુધવારના રોજ સરકાર સામે હલ્લા બોલ કાર્યક્રમ રાખ્‍યો હોવાનું જાણવા મળે છે. હલ્લા બોલ અંતર્ગત દવાના લાખો વેપારીઓ સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં જોડાવાના હોવાનું જાણવા મળે છે. સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં હજજારો ધંધાર્થીઓ તથા રાજકોટના ૧ર૦૦ જેટલા દવાના ધંધાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે.

‘ગલી ગલી સે દિલ્‍હી તક હલ્લા બોલ' કાર્યક્રમ વિશે AIOCD ના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટ એસો. તથા રાજકોટ કોમીસ્‍ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને ગુજરાત કેમીસ્‍ટ ફેડરેશનના જોઇન્‍ટ સેક્રેટરી, કેમીસ્‍ટ એસો. રાજકોટના ઉપપ્રમુખ અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્‍યું હતું કે કોર્પોરેટ કંપનીઓ દ્વારા ઓનલાઇન વેચાતી દવાઓ કે પછી વિવિધ ચેઇન સ્‍ટોર્સ દ્વારા વેચાતી દવાઓ એક જ કંપનીની અને એક જ સરખી હોવા છતાં પણ સરકાર માન્‍ય ભાવે દવા વેચતા દવાના ધંધાર્થી-રીટેલર્સ કરતા ઓછા ભાવે વેચાતી હોય છે. તો પછી એક જ દવાના અલગ-અલગ ભાવ કેમ ? ઉપરાંત વિવિધ મોલમાં વેચાતા કોસ્‍મેટીકસના  ભાવોમાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળતો હોવાનું જાણવા મળે છે.

વધુમાં સંસ્‍થાના હોદેદારોએ જણાવ્‍યું હતું કે માનવીની જીંદગી અમૂલ્‍ય છે ત્‍યારે સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરતી બનાવટી (ડુપ્‍લીકેટ- સ્‍ફુરીયસ) દવાઓ સંદર્ભે પણ વધુ કડક કાયાદાઓ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવે તે સમયની માંગ છે. ડુપ્‍લીકેટ દવાઓના  કિસ્‍સા સમયાંતરે નજરમાં આવતા હોય છે ત્‍યારે વધુ ડીસ્‍કાઉન્‍ટ આપવાની લાલચે દવાના કોઇ વેપારી જાણે-અજાણે બનાવટી દવાઓના ચક્કરમાં  આવી જતા નથી ને ? આ બાબતે પણ જરૂરી કાયદાઓ બનાવીને દવાના નાના-મોટા વેપારીઓનું અસ્‍તિત્‍વ જોખમમાં ન મૂકાય તે બાબત પણ સરકારશ્રીના ધ્‍યાનમાં મૂકવામાં આવનાર છે.

ઓનલાઇન ફાર્મસી, ચેઇન સ્‍ટોર્સ, બનાવટી-ડુપ્‍લીકેટ દવાઓ, અમાપ ડીસ્‍કાઉન્‍ટ વિગેરે બાબતે દવાના ધંધાર્થીઓના હિતમાં સરકારને ઢંઢોળવાનો ‘હલ્લા બોલ' કાર્યક્રમ ૧પ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સમગ્ર ભારતમાં માતૃસંસ્‍થા દ્વારા રાખવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે.

(2:20 pm IST)