Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

હિટ એન્‍ડ રનનો ભોગ બનેલા આશાસ્‍પદ યુવાન કરણ પરમારની પ્રથમ પુણ્‍યતિથિએ યોજાયેલા રકતદાન કેમ્‍પમાં ૧૦૯ બોટલ એકત્ર

પરમાર પરિવાર દ્વારા મુકબધિરો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન

રાજકોટઃ આશરે એકાદ વર્ષ પહેલા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે સર્જાયેલા હિટ એન્‍ડ રન અકસ્‍માતમાં ગંભીર ઈજા પામેલા અને ૧૧ દિવસ સુધી કોમામાં રહી અંતિમ શ્વાસ લેનાર આશાસ્‍પદ યુવાન કરણ અનિલભાઈ પરમાર નામના યુવાનની ગઈ તા.૨૭મીએ પ્રથમ પુણ્‍ય તિથિ હોય રેડક્રોસ સોસાયટીના સહયોગથી પરમાર પરિવારના સભ્‍યો દ્વારા રકતદાન કેમ્‍પ અને ત્રંબા ખાતે માનસિક વિકલાંગો માટે ભોજન પ્રસાદનું આયોજન કરી ખરા અર્થમાં શ્રધ્‍ધાંજલિ આપવામાં આવી હતી.
સ્‍ટર્લિંગ હોસ્‍પિટલમાં લેબોરેટરી વિભાગમાં ફરજ બજાવતા કરણ પરમારના પિતા અનિલભાઈનું કમનશીબે વર્ષ ૨૦૨૦માં કોરોનાના કારણે મૃત્‍યુ નિપજયા બાદ કરણ અને પરિવારના સભ્‍યો ઉપર વિશેષ જવાબદારી આવી પડી હતી, ઈશ્વર આ પરિવારની જાણે કપરી કસોટી કરી રહયો હોય તેમ કરણના લગ્નને પણ હજુ એક વર્ષ થયું નહોતું ત્‍યાં અકસ્‍માતમાં મૃત્‍યુ નીપજતાં કરણના માતુશ્રી અંજુબહેન અને નાનભાઈ કિશન ઉપર જાણે આભ તૂટી પડયુ હતું. આમ છતાં પરિવારના સભ્‍યો સાથે મળી એકબીજાનો સહારો બની હિમ્‍મત રાખી અને એક એવો સંકલ્‍પ પણ કર્યો છે કે હવે કરણના પત્‍ની પણ પુનઃ લગ્ન કરી અંજના બહેન કન્‍યાદાન કરશે. કરણને સાચા અર્થમાં શ્રધ્‍ધાજંલિ આપવા ગઈકાલે તા.૨૭મી એ રકતદાન કેમ્‍પમાં કરણના કાકા તેમજ પરિવારના મનોજભાઈ પરમાર, કિસન પરમાર  અને મિત્ર મંડળે ૧૦૯ બોટલ જેટલું રકતદાન કર્યું હતું.
આ કેમ્‍પમાં જાદુગર, મિમિક્રી આર્ર્ટિસ્‍ટ ઉમેશ રાવએ પણ ૬૧ વર્ષની ઉંમરે રકતદાન કરી માનવધર્મ અદા કરી હતી.

 

(3:46 pm IST)