Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ૭ દિવસમાં ૭૬ દર્દી સાજા થયાઃ આજે ૮૦ દર્દી સારવારમાં

બે વેન્ટીલેટર ઉપર, પચ્ચીસ ઓકિસજન ઉપરઃ બાકીના રૂમ એરમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૮: કોરોનાની ત્રીજી લહેરમાં છેલ્લા કેટલાક દિવસમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી છે. જો કે જેણે વેકસીનના ડોઝ લીધા હોય છે એવા દર્દીઓની તબિયત બહુ ઝડપથી સારી થઇ જાય છે. સિવિલ હોસ્પિટલમાં સાજા થવાનો  રેસીયો આ અઠવાડીયામાં ખુબ સારો રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં ૭૬ દર્દીઓ સાજા થઇ જતાં તેમને કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવી છે.

કોરોના ઓમિક્રોનની ત્રીજી લહેરને કારણે લોકોમાં ચિંતાના માહોલ સર્જાતા સરકારે રાત્રી કર્ફયુને વધુ દિવસો માટે લંબાવી દીધી હતી. તો કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસ પણ સતત કાર્યવાહી કરી રહી છે. પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ત્રીજી લહેર વધુ ફૂફાડો મારે અને દર્દીઓની સંખ્યા ઓચીંતી વધી જાય તો તેને પહોંચી વળવા માટે તમામ તૈયારી કરી રાખવામાં આવી હતી. જો કે આ ભય વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા નહિવત કહી શકાય એટલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડીયમાં કોવિડ પોઝિટિવની સારવાર લીધા બાદ સાજા થઇ ઘરે જતાં રહ્યા હોય તેવા દર્દીઓની સંખ્યા ૭૬ થઇ છે.

તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યા મુજબ ગત તા. ૨૦ થી ૨૭ સુધીના દિવસોમાં ૭૬ દર્દીઓ સાજા થયા છે. જેણે જેણે વેકસીનના બે ડોઝ લીધા હોય છે એ દર્દીઓને બહુ વધુ સારવારની પણ જરૂર પડતી હોતી નથી. રિકવરી ખુબ ઝડપથી આવી જાય છે. ઓકિસજન પર કે વેન્ટીલેટર પર પણ વેકસીન લીધેલા દર્દીઓને જવું પડતું નથી. આજના દિવસે સિવિલ કોવિડમાં ૮૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બે વેન્ટીલેટર પર છે, પચ્ચીસ ઓકિસજન પર છે અને બાકીના રૂમ એરમાં છે. આ તમામની હાલત ભયમુકત છે. ડો. ત્રિવેદીએ હજુ પણ જે લોકોને વેકસીન લેવાની બાકી હોય તેણે લઇ લેવા અનુરોધ કર્યો છે.

(3:24 pm IST)