Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

પીજીવીસીએલ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણીઃ મેનેજિંગ ડિરેકટર વરૂણકુમારના હસ્તે ધ્વજવંદન

રાજકોટ,તા. ૨૭ : ભારતના ૭૩માં પ્રજાસતાક દિનની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તેની કોર્પોરેટ ઓફિસ રાજકોટ ખાતે શાનદાર અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના મેનેજિંગ ડિરેકટરશ્રી વરૂણકુમાર બરણવાલના હસ્તે જોઇન્ટ ડિરેકટર પ્રીતિ શર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ સ્ટાફની હાજરીમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના દ્વારા વકતવ્ય આપવામાં આવ્યુ હતુ તેમજ પીજીવીસીએલની પ્રગતિમાં સહભાગી થવા બદલ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

ધ્વજવંદનના કાર્યક્રમ બાદ પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર કર્મચારીઓ અને વિવિધ ટીમોનું સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં સાઇટ પર  તેમજ ઇન હાઉસ ટ્રાન્સફોર્મર રિપેરિંગ કરનાર ટોચની ૫ TMS (ટ્રાન્સફોર્મર મેઇનન્ટેનન્સ સ્કવોડ)નું સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ ડિસેમ્બર-૨૦૨૦ની સરખામણીએ ડિસેમ્બર-૨૦૨૧માં કંપનીનું ડેબિટ એરિયર રીડકશન એટલે કે બાકી લેણાની વધુ રિકવરી કરી કંપનીને વધુ નાણાકીય ફાયદો થાય તેવા પગલાં ભરનાર ટોચની ૩ વર્તુળ કચેરી, ૫ વિભાગીય કચેરી અને ૫ પેટા વિભાગીય કચેરીની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલ સૌથી સ્વચ્છ સરકારી બિલ્ડીંગ સ્પર્ધામાં પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસને પ્રથમ ક્રમ મળતા તેને સ્વચ્છ રાખનાર હાઉસ કિંપિંગ સ્ટાફનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

(2:43 pm IST)