Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

પરમધામ ખાતે ૯ મુમુક્ષુઓનું રવિવારે દીક્ષા આમંત્રણ પત્રિકા આલેખન

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.નું સાનિધ્ય : ૨૦ ફેબ્રુઆરીએ દીક્ષા મહોત્સવ

રાજકોટ,તા. ૨૮ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિનાં પરમ શરણમાં ૨૦ ફેબ્રુઆરીના શુભ દિવસે શ્રી ભાગવતી જૈન દીક્ષા ગ્રહણ કરવા તત્પર બની રહેલા ૯ પુણ્યાત્માઓની દીક્ષા આમંત્રણ પત્રિકાનું આલેખન તા.૩૦ને રવિવારે, સવારે ૯:૩૦ કલાકે, મુંબઈથી ૭૦ કિ.મી. દૂર સ્થિત પરમધામ સાધના સંકુલના આંગણે કરવામાં આવ્યું છે.

જગતના સર્વ જીવો તરફ મિત્રતાનો હાથ આગળ વધારતા ભવતારક એવા દીક્ષા જીવનનો સ્વીકારવા કરવા સજ્જ થયેલા ૯ પુણ્યાત્માઓ-મુમુક્ષુ ભવ્યભાઈ મનીષભાઈ દોશી (આકોલા), તેમના માતુશ્રી મુમુક્ષુ નિશાબેન મનીષભાઈ દોશી (આકોલા), મુમુક્ષુ પ્રિયંકાબેન બકુલભાઈ પારેખ (આકોલા), મુમુક્ષુ નિધીબેન નિતીનભાઈ શાહ (રાજકોટ), મુમુક્ષુ હિતાલીબેન હીમાંશુભાઈ દોશી (કોલકાતા), મુમુક્ષુ જીનલબેન આશિતભાઈ શેઠ (કોલકાતા), મુમુક્ષુ પાયલબેન મહેશભાઇ પનપારિયા(મુંબઈ), મુમુક્ષુ રિયાબેન કલ્પેશભાઈ દડિયા (મુંબઈ) અને મુમુક્ષુ દેવાંશીબેન દિલેશભાઈ ભાયાણી (મુંબઈ)ના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનાં દિવસો નજીક આવી રહ્યાં છે. ત્યારે આમંત્રણ પત્રિકાનાં આલેખનથી મહોત્સવનો શુભારંભ થશે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ ૫ સાધુ ભગવંતો તેમજ બાપજી પૂજય શ્રી લલિતાબાઈ મ. ના સુશિષ્યા, ડો. પૂજય શ્રી તરુલતાબાઈ મ., ડો. પૂજય શ્રી જશુબાઈ મ. આદિ એવમ પૂજયવરા મુકત-લીલમ ગુરુણીના સુશિષ્યા પરિવાર-વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વિરમતીબાઈ મ. આદિ અનેક મહાસતીજીના સાંનિધ્યે  પ્રાપ્ત થશે.

આ અવસર બાદ, ૧૪ ફેબ્રુઆરી થી ૨૦ ફેબ્રુઆરી સુધી વિવિધ સંયમ અનુમોદક કાર્યક્રમો યોજાશે. શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના સંઘપતિ બનવાનો લાભ ધર્મવત્સલા માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર-ધ્રુવીબેન મનનભાઈ શાહ તેમજ ધર્મવત્સલા માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર- મિલીબેન જીગરભાઈ શેઠ તેમજ સમગ્ર દીક્ષા મહોત્સવના સ્વામીવાત્સલ્યના લાભાર્થી વિસાવદર નિવાસી ધર્મવત્સલા માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી(બાદશાહ પરિવાર) – ધર્મવત્સલ દીનેશકુમાર ચુનીલાલ મોદી લઈને ધન્ય બન્યા છે.

(3:30 pm IST)