Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

પોલીસ જાપ્તામાંથી નામચીન રમેશ મકવાણાને ભગાડવામાં મદદ કરનાર આશીષ પકડયો

ક્રાઇમ બ્રાંચે રાજનગર ચોકમાંથી પકડાયો જમીન કૌભાંડના ગુનામાં જેલમાં રહેલા શખ્સને સિવિલ હોસ્પિટલમાંથી ભગાડવામાં મદદ કરી'તી

રાજકોટ,તા. ૨૮ : પ્રદ્યુમનગર પોલીસ મથકમાં નોંધાયેલા જમીન કૌભાંડના ગુનામાં જેલમાં રહેલા નામચીન શખ્સને સિવિલ હોસ્પિટલમાંથી ભગાડવામાં મદદ કરનાર શખ્સને ક્રાઇમ બ્રાંચે રાજનગર ચોક પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ જમીન કૌભાંડના ગુનામાં જેલમાં રહેતા રમેશ રાણાભાઇ મકવાણાને વર્ષ ૨૦૨૦માં સરકારી હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ભગાડવામાં મદદ કરનાર આશીષ મહિડા નાના મવા રોડ પર આવ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. મયુરભાઇ પટેલ અને અમીતભાઇ અગ્રવાતને બાતમી મળતા આશીષ મુકેશભાઇ મહીડા (ઉવ.૨૨) (રહે. નાનામવા આંબેડકરનગર શેરી નં.૧ ગાયત્રીમંદીર સામે રમેશ રાણાભાઇ મકવાણાના મકાનમાં ભાડે મૂળ વેજાગામ તા. ગોંડલ)ને પકડી લીધો હતો. જમીન કૌભાંડના ગુનામાં જેલમાં રહેતા નામચીન રમેશ રાણાભાઇ મકવાણાને સને ૨૦૨૦માં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. અને તે શૌચાલયમાં બાથરૂમ કરવા માટે ગયો હતો. તેને પગનું ઓપરેશન કરાવેલ હોય અને ચાલી શકે તેમ ન હોય તેથી શૌચાલયથી પોલીસની ગાડી સુધી મોટરસાયકલ પાછળ બેસાડીને પોલીસ જાપ્તામાંથી આશીષ મહીડા ભગાડી ગયો હતો. આ અંગે બંને વિરૂધ્ધ પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ.ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ, અમીતભાઇ, સિધ્ધરાજસિંહ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, સંજયભાઇ, પ્રદિપસિંહ તથા ભાવેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(2:40 pm IST)