Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

૨૧ દિ'થી ગૂમ આરપીએફના પીએસઆઇ પરત ઘરે પહોંચ્યાઃ આબુના જંગલમાં છુપાતા રહ્યા : ન્યાય ન મળે તો આત્મવિલોપન

કોઠારીયા રોડ ગુલાબનગરમાં રહેતાં અધિકારી ગત છઠ્ઠીએ ઘરેથી મીટીંગમાં જવાનું કહીને નીકળ્યા'તા : ઉચ્ચ અધિકારીએ ગોળી મારી દેવાની ધમકી આપતાં ગભરાઇને નીકળી ગયા બાદ આબુ જંગલ વિસ્તારમાં રઝળતા રહ્યાનું કથનઃ પત્નિ ડો. અમૃતા ફોજદારે ભકિતનગર પોલીસમાં ગૂમની નોંધ કરાવી હોઇ પોલીસ નિવેદન નોંધશે

રાજકોટ તા. ૧૫: કોઠારીયા રોડ પર ગુલાબનગરમાં આલીશાન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફલેટ નં. ૩૦૧માં રહેતાં અને આરપીએફમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં બલરામ માનસીંગભાઇ ફોજદાર (ઉ.વ.૩૮) ગત તા. ૬ જાન્યુઆરીના રોજ ઘરેથી ઓફિસે મિટીંગમાં જવાનું કહીને નીકળ્યા બાદ બપોરે જમવા ન આવતાં અને ફોન પણ બંધ થઇ જતાં પત્નિ શ્રીમતી અમૃતા ચોૈધરીએ પોતાની રીતે શોધખોળ કર્યા બાદ પત્તો ન મળતાં ભકિતનગર પોલીસ મથકમાં પતિ ગૂમ થયાની નોંધ કરાવી હતી. દરમિયાન આજે સવારે પરત ઘરે આવેલા પીએસઆઇએ પોતે ઉચ્ચ અધિકારીએ ગોળી મારી દેવાની ધમકી આપતાં ગભરાઇને આબુના જંગલ તરફ જતાં રહ્યાનું અને હવે ન્યાય નહિ મળે તો પાર્લામેન્ટ સામે સપરિવાર આત્મવિલોપન કરી લેશે તેવી ચિમકી ઉચ્ચારતાં ચર્ચા જાગી છે.

પતિ ગુમ થયાના સાત દિવસ બાદ પણ કોઇ કાર્યવાહી ન થઇ હોઇ પત્નિ ડો. અમૃતા ચોૈધરીએ ગુજરાત પોલીસ અને રેલ્વે પોલીસ ગંભીરતાથી કોઇ કાર્યવાહી કરતી નહિ હોવાના આક્ષેપો  અગાઉ કર્યા હતાં. જેમાં ઉચ્ચ અધિકારીઓ સામે પણ આક્ષેપો થયા હતાં. તે અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. દરમિયાન ગૂમ થયેલા પીએસઆઇ બલરામ ફોજદાર આજે વહેલી સવારે હેમખેમ પરત ઘરે આવી ગયા છે. તેણે પોતાને ઉચ્ચ અધિકારીએ ગોળી મારી દેવાની ધમકી આપી હોઇ પોતે ગભરાઇને જતાં રહ્યાનું કહ્યું હતું. 

આરપીએફના પીએસઆઇ બલરામ ચોૈધરી ૬/૧/૨૨ના સવારે નવ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થયા હતાં. એક દિવસ પોતાની રીતે તપાસ કર્યા બાદ બીજા દિવસે ૭મીએ પત્નિ અમૃતાબેન બલરામભાઇ ફોજદારએ ભકિતનગર પોલીસમાં પતિ ગૂમ થયાની નોંધ કરાવતાં હેડકોન્સ. સલિમભાઇ બી. મકરાણીએ ગૂમની નોંધ લખી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન સાત દિવસ વીતી જવા છતાં પતિનો પત્તો ન મળતાં આજે પત્નિ શ્રીમતિ અમૃતાબેન ફોજદારે મિડીયા સમક્ષ પોલીસની નબળી કામગીરી અંગે રોષ ઠાલવ્યો હતો. પોતાના પતિને આરપીએફના અને રેલ્વેના અધિકારીઓ દ્વારા હેરાનગતિ થતી હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતાં.

ભકિતનગર પોલીસે ગૂમ નોંધને આધારે પીએસઆઇ બલરામ ફોજદારના પત્નિનું નિવેદન નોંધતા પોલીસને એવી માહિતી મળી હતી કે અગાઉ પીએસઆઇ બલરામ ફોજદાર મુંબઇમાં નોકરી પર હતાં. એ વખતે તેમને પીઆઇનું પ્રમોશન મળ્યું હતું. ત્યારબાદ તેમણે છ દિવસની રજા લીધી હતી. એ રજા પુરી થઇ ગઇ છતાં તેઓ હાજર થયા નહોતાં. ચાર ચાર વખત આરપીએફ દ્વારા નોટીસ મોકલાઇ હતી એ નોટીસ પણ તેમણે સ્વીકારી લીધી હતી. એ પછી પણ તેઓ હાજર ન થતાં અગાઉની એક તપાસના ભાગ રૂપે તેમને પીઆઇમાંથી રિવર્ટ કરી પીએસઆઇ બનાવી દેવાયા હતાં. ત્યારબાદ તેઓની રાજકોટ બદલી થઇ છે. પીઆઇ કક્ષાના અધિકારી ગૂમ થયા હોઇ તપાસ યથાવત રખાઇ હતી.

દરમિયાન આજે વહેલી સવારે પરત આવેલા પીએસઆઇ બલરામ ફોજદારે જણાવ્યું હતું કે મારા વૃધ્ધ માતા-પિતા રાજસ્થાન વતનમાં રહે છે. મારે ઘરની છત ન હોઇ તેઓ વરસાદમાં હેરાન થતાં હોઇ મકાન બનાવવા માટે મેં રજા મુકી હતી. પરંતુ મને રજા અપાતી નહોતી. વારંવાર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજા રિપોર્ટ મુકવા છતાં રજા નહોતી અપાતી. એ દરમિયાન મને પીઆઇમાંથી પીએસઆઇ બનાવી દેવાયો હતો. એ વાત પણ મેં સ્વીકારી લીધી હતી. એ પછી પણ રજા આપવામાં આવી નહોતી. મારા પત્નિ બિમાર પડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યારે પણ મને રજા નહોતી અપાઇ. ઉલ્ટાનુ એક અધિકારીએ તમારા પત્નિને કંઇ નથી થયું એવી વાત કરી હતી. પાંચમીએ હું ઉચ્ચ અધિકારીને રૂબરૂ મળવા ગયો ત્યારે તેમણે અહિ કોની મંજુરીથી આવ્યા, રાજકોટ છોડીને ભાગી જાવ નહિતર ગોળી મરાવી દઇશ તેવી ધમકી આપતાં હું ઘરે જતો રહ્યો હતો.

રાતભર ઉંઘી શકયો નહોતો. બીજા દિવસે છઠ્ઠીએ ઓફિસ મીટીંગમાં જવા પગપાળા નીકળ્યા બાદ એક વડિલ મળતાં મને આશ્વાસન આપ્યું હતું. એ પછી હું બસમાં અમદાવાદ જઇ ત્યાંથી આબુ તરફ જતો રહ્યો હતો. ત્યાં જંગલ વિસ્તારમાં રઝળતો રહેતો હતો. કયારેક તો જમવાનું પણ મળતું નહોતું. છેલ્લે ચાર દિવસ પહેલા મારા કપડા પણ ચોરાઇ ગયા હતાં. હું નહાયો પણ નહોતો. અંતે હવે ઘરે પાછો આવ્યો છું. વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રી તથા ડીજીશ્રી મને ન્યાય અપાવે તેવી આશા છે. જો આમ છતાં મને ન્યાય નહિ મળે તો હું મારા પરિવાર સાથે સંસદસભા સામે આત્મવિલોપન કરી લઇશે. તેમ વધુમાં પીએસઆઇ બલરામ ફોજદારે જણાવ્યું હતું. ભકિતનગરમાં પીએસઆઇ બલરામ ફોજદાર ગૂમ થયાની નોંધ કરાવાઇ હોઇ પોલીસ તેમનું નિવેદન નોંધશે.

(2:40 pm IST)