Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રાજકોટના નેપાળી આત્‍મહત્‍યા કેસની ફેર તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી ફાઈલ થઈ : હવે હીયરીંગ

રાજકોટ, તા. ૨૮ : સમગ્ર દેશમાં ભારે ચકચાર સર્જનાર રાજકોટના નેપાળી આત્‍મહત્‍યા કેસે ફરી જબરી ચર્ચા સર્જી છે.
નેપાળી આત્‍મહત્‍યા કેસના નામે પ્રસિદ્ધ આ કેસની ફેર તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી (નં.એફ/એસસીઆર.એ/૩૩૭૯/૨૦૨૨) આજરોજ ફાઈલ થયેલ છે.
ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટના ધારાશાસ્ત્રી  કે.સી.વ્‍યાસ વતી હાઈકોર્ટના એડવોકેટ શ્રી ઉત્‍કર્ષભાઈ દવેએ આ અરજી મૂકી હતી જે હાઈકોર્ટમાં ફાઈલ થઈ છે અને હવે આગામી સમયમાં અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે તેમ જાણવા મળે છે.
નેપાળી આત્‍મહત્‍યા - હત્‍યા કેસ તરીકે પ્રખ્‍યાત આ બનાવે ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં મોટી ચર્ચા શરૂ કરી છે.
આ બનાવમાં મરણોત્તર નિવેદન ખૂબ જ અગત્‍યનું માનવામાં આવી રહ્યુ છે અને જો કેસમાં નોટીસ નીકળે તો આ સહિત કેસોમાં એકાદ ડઝન ભાજપ નેતાઓ માટે ઉપાધી સર્જાશે તેવી પણ ચર્ચા છે.
૯ વર્ષ પછી ફરી રાજકોટના નેપાળી આત્‍મહત્‍યા પ્રકરણમાં સમગ્ર બનાવની ફેર તપાસની માંગણી થઈ છે.
૨૦૧૩ની સાલમાં ૨૯ વર્ષના ગૌરીબેન ગીરીશભાઈ વિશ્વકર્મા નેપાળીએ ૫ આરોપી સામે ફરીયાદ નોંધાવેલ. જેમાં પાંચેક આરોપીના નામ જોગ આરોપીઓ છોટુનગરમાં તેમને મકાન ખાલી કરાવવા પરેશાન કરતા હોવાથી આત્‍મહત્‍યા કરી હતી તેવું જણાવાયેલ.
૨૦૧૩માં રાજકોટમાં ૭ લોકોએ કોર્પોરેશનમાં શરીર ઉપર કેરોસીન છાંટી આત્‍મહત્‍યાનો પ્રયાસ કરેલ. જેમાં ગીરીશભાઈ, ભરતભાઈ, આશાબેન, રેખાબેન અને બાસમતીબેન નેપાળી સળગી ગયા હતા. ફરીયાદી ગૌરીબેન અને શાંતાબેન ઘટનાસ્‍થળે હાજર હતા. મરણોત્ત્મુખ નિવેદન આપ્‍યુ હતું. ૧૧૫ સાહેદો આમાં હતા.
૨૦૨૦માં રાજકોટ કમિશ્નરને એડવોકેટ કે.સી.વ્‍યાસ દ્વારા સપ્‍લીમેન્‍ટરી ચાર્જશીટ દાખલ કરવા માંગણી સાથે ફરીયાદો કરી હતી. બનાવના થોડા દિવસ પછી સાક્ષી તરીકે કે.સી.વ્‍યાસે પણ પોલીસને ફરીયાદ કરેલ. એ સમયે પોલીસે સમરી ભરેલ. તેમનું અપહરણ અને ગોંધી રખાયાની પણ અરજી થયેલ.
મરણોત્‍મુખ નિવેદનમાં ભાજપના ૩ દિગ્‍ગજ નેતાઓના નામો હતા. રાજકોટના સંખ્‍યાબંધ ભાજપ નેતાઓના પણ નામો ચર્ચામાં આવેલ.
નેપાળી પરિવારના એકમાત્ર જીવીત વ્‍યકિત મહેન્‍દ્રભાઈનું પણ મૃત્‍યુ થયેલ, જેની પણ ભારે ચર્ચા હતી. મહેન્‍દ્રભાઈએ ૨૦૧૩માં સીબીઆઈ તપાસ પણ માંગી હતી. જયોત્‍સનાબેન ભટ્ટીએ ઉતારેલ વિડીયો રેકોર્ડીંગ સાથે મરણોત્‍મુખ નિવેદન લેવાયેલ. જે વિડીયો હાલ મોજૂદ છે. તેમાં પૂર્વ મુખ્‍યપ્રધાન, શહેર ભાજપ પ્રમુખ, તે સમયના સ્‍ટેન્‍ડીંગ ચેરમેન સહિત બીજા નેતાના નામો પણ આવે છે.
ફરીયાદી રાજકોટના એડવોકેટ કે.સી.વ્‍યાસના વતી ધારાશાસ્ત્રી  શ્રી ઉત્‍કર્ષભાઈ દવેએ આ અરજી ફાઈલ કરી છે અને આગામી સમયમાં તેની સુનાવણી હાથ ધરાશે તેમ જાણવા મળે છે.
 

(3:04 pm IST)