Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મુમુક્ષુ કલ્પકકુમાર બન્યા મુનિરાજ કૈવલ્ય યશ વિજયજી

પ્રહલાદ પ્લોટ જૈન સંઘમાં ભવ્ય દિક્ષા મહોત્સવ સંપન્નઃ વિવિધ ઉછામણી બોલવામાં આવી : પૂ.આ.ભ.યશોવિજય મ.સા.આદીની નિશ્રામાં પ્રવજયા અંગીકાર કરી

રાજકોટ, તા.૨૭: પ્રહલાદ પ્લોટ જૈન સંઘમાં મુમુક્ષુરત્ન કલ્પકુમાર (ઉ.વ.૨૫) ભર યુવા વયે સંસારનો ત્યાગ કરી ગઇકાલે જૈન દીક્ષા અંગીકાર કરેલ. ત્યારે તા.૨૪ને સોમવારના સવારે ૯.૧૫ કલાકે કરણપરા ચોકથી પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરિશ્વરજી મહારાજા આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંત શ્રી બાપજી મ.સા.ના સમુદાયના પૂજય સાધ્વીવર્યા શ્રી કલાવતીશ્રીજી મ.સા.આદિ ઠાણાનું આ પ્રસંગે સામૈયુ થયેલ તેમજ સામૈયામાં બેન્ડ વાજા, સંઘના યુવક મંડળના ભાઇઓ, સંઘના શ્રાવીકાઓ બેડા સાથે જોડાયેલ.

દીક્ષા નિમિતે ત્રણ દિવસના કાર્યક્રમના પ્રથમ દિવસે બપોરે ૨:૩૦ વાગ્યાથી 'સયંમ રંગ વધામણા'નું આયોજન થયેલ. કમ્પ્યુટર સાયન્સમાં B.E.(C.S.E.)ની ડીગ્રી ડીસ્ટીકશન માકર્સ સાથે મુમુક્ષુએ મેળવીને દીક્ષા અંગીકાર કરેલ. તેમના ઉજજવલ વસ્ત્રો તેમજ દીક્ષિત જીવનનાં જે ઉત્તમ ઉપકરણો ધારણ કરશે તે ઉપકરણોને કેસરના છાંટણા છાંટી રંગવાનો આ કાર્યક્રમ યોજાયેલ. એક છાબમાં સમાઇ જાય તેટલા જ ઉપકરણો દ્વારા તેઓ પોતાની જીંદગી ગુજારવાના હોય છે.

સાંજના ૭:૩૦ થી સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજાયેલ. રાજકોટના અનેક સંઘો કલ્પકકુમારનું સન્માન કરશે. શ્રી પ્લોટ શ્વે.મૂ.જૈન સંઘ દ્વારા મુમુક્ષુનું વિશેષ બહુમાન કરવામાં આવેલ અને સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ. શ્રી સંઘના બાળકો તથા મહીલા મંડળના બહેનો દ્વારા પોતાના ભાવોને અલગ-અલગ માધ્યમ દ્વારા વ્યકત કરી અને સહુને જકડી રાખેલ.

મંગળવારે સવારે ૯ કલાકે ભવ્ય વરસીદાન યાત્રા બાદ બેઠુ વરસીદાન યોજાયેલ. બપોરે સંઘ જમણ યોજાયલે. જેનો લાભ પ્લોટ તપગચ્છ સંઘે લીધો હતો. રાત્રે ૮ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે સંયમ સત્કાર - વિજય મહોત્સવનુું આયોજન કરાયુ જેમાં હર્ષીતભાઇ ભાવનાના સુર રેલાવેલ.

બુધવારે તા.૨૬ના રોજ પ્રવજયા પર્વોત્સવનો શુભારંભ પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં સવારે ૬ કલાકે થયેલ. નવદિક્ષીતનું નામકરણ મુનિરાજ કૈવલ્યયશ વિજયજી જાહેર કરવામાં આવેલ. ત્યારબાદ નવકારશી હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ.

કલ્પકક્કુમારની દીક્ષામાં ઉપકરણની ઉછામણી બોલાવામાં આવી હતી. જેમાં

ચોલ્પટોઃ ૧૮૫૦૦ કલાક ધાર્મિક વાંચન ૩ વર્ષ માં વિલાસબેન ભરતભાઈ કોઠારી પરિવાર (દીક્ષાથીના મામા પરિવાર)

કપડોઃ ૩૧૦૦ બિયાસના આઠ દ્રવ્ય ના ૩ વર્ષ માં જયોતિબેન કનકભાઈ અજમેરા પરિવાર

પાત્રાઃ ૨૦૪૩ આયંબિલ ૩ વર્ષમાં જલપાબેન નિલેશભાઈ શાહ પરિવાર ( પૂ. ગૌતમયશ મહારાજ ના સંસારી )

પોથી+સાપડોઃ ૧૫૦૦૦ ગાથા ૩ વર્ષ માં સંયમ વિમલભાઈ પરમાર પરિવાર

જવારૂ કામળીઃ ૧૬૦૦ એકાસના ૩ વર્ષ માં કરશે આશાબેન નિલેશભાઈ શાહ પરિવાર ( વ્રજભૂમિ )

આસનઃ ૨૭૦૦૦ સામાયિક ૩ વર્ષમાં- રમાબેન ત્રંબકલાલ કોઠારી પરિવાર ( દીક્ષાર્થીના નાની)

દાંડોઃ ૧૫૫૧ વિહાર મૌલિક મહેતા ૅ સિધ્ધાર્થ મીઠાની ૅ ભગ્યેશભાઈ મહેતા દ્વારા ( વિહાર ગૃપ ના સભ્ય )

ઉપરાંત નવકાર વાડીઃ ૨,૩૧,૦૦,૦૦,૦૦૦ રોશનીબેન ભાવેશભાઈ - અમદાવાદ પરિવાર ૩ વર્ષ માં નવકાર ગણશે.

સંથારોઃ  ૭ સભ્ય દ્વારા આજીવન બ્રહ્મચર્ય નું પાલન દીક્ષાર્થી પરિવાર ના માતા - પિતા, માસા+માસી વિગેરે દ્વારા)

ટોકશોઃ આજીવન ઉકાળેલું પાણી જલ્પાબેન નિલેશભાઈ શાહ દ્વારા વાપરવામાં આવશે.

દંડાસનઃ આજીવન જીનાલયમાં કાજો- હસમુખભાઈ સંઘવી તથા રીટાબેન મુકેશભાઈ મીઠાની પરિવાર કાઢશે.

નામ અનાવરણઃ રૂ.૨,૦૭,૦૦૦ માં ભકિતબેન રવીન્દ્રભાઇના રાઠી ( દીક્ષાર્થી ના ફૈબા) નૂતન દીક્ષિતનું નામ ઘોષિત કરવાનો લાભ લીધો હતો.

છેલ્લા ઘણા સમયથી આ દીક્ષા પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટે શ્રીસંઘમાં જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી હતી. સંઘના પ્રમુખ પ્રવિણભાઇ સંઘવી તથા સમગ્ર કારોબારી, યુવક મંડળના ૬૦ થી વધુ ભાઇઓ રાકેશભાઇ શેઠની આગેવાની હેઠળ કાર્યરત હતા. આ તમામ કાર્યક્રમોમાં સરકારશ્રીની કોરોના અંગેની ગાઇડ-લાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવેલ.

(2:51 pm IST)