Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમી સાંજે પાછી મૂકી ગયો

પ્રેમનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ... : રાજકોટના યુવક સાથે ગોંડલની યુવતીના લાંબા સમયતી પ્રેમ સબંધ હતા અને ભાગ્યા બાદ ડરના લીધે પાછા ફર્યા

રાજકોટ, તા. ૨૮ : આંધળો પ્રેમ કરનારા ક્યારેક પસ્તાય છે એવો રાજકોટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડેલા પ્રેમીઓએ સમાજ તેમને એક નહીં થવા દે તેવા ભય સાથે અને જન્મોજન્મ સાથે રહેવાના કોલ સાથે ઘર છોડીને ભાગી તો નીકળ્યા પડ્યા હતા. પરંતુ સાંજ થતાં પ્રેમી પ્રેમિકાને છોડીને જતો રહ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતી અને કંપનીમાં નોકરી કરતી ૩૫ વર્ષીય કલ્યાણી ( નામ બદલ્યું છે ) અજિંક્ય (નામ બદલ્યું છે ) નામના યુવાન સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતી. ત્યારે પ્રેમી અને પ્રેમિકાની જ્ઞાતિ અલગ અલગ હોવાથી પરિવારજનો લગ્ન બાબતની ના પાડશે તેને લઈને બંનેને ડર સતાવી રહ્યો હતો.

જેથી ગોંડલની યુવતી સાથે પ્રેમમાં રહેલા રાજકોટના યુવકે યુવતીને ઘર છોડીને રાજકોટ આવી જવાનું કહ્યું હતું. ત્યારબાદ આખો દિવસ બંને એકબીજાની સાથે રહ્યા હતા. તો સાંજ થતાં પ્રેમીએ પ્રેમિકાને કહ્યું હતું કે તારા ઘરમાં બધાને ખબર પડી ગઈ છે. તેથી હવે તારે ઘરે પરત ફરવું જોઈએ. ત્યારબાદ રાજકોટ રહેતો પ્રેમી અજિંક્ય પોતાની પ્રેમિકા કલ્યાણીને ગોંડલ ખાતે મૂકવા આવ્યો હતો. ત્યારબાદ કલ્યાણી પણ ઘરે જવામાં અચકાતી હતી તેને ડર લાગતો હતો કારણ કે તેના ઘરમાં તમામ સભ્યોને ખબર પડી ગઈ હતી કે તે તેના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ચૂકી છે.

જેને લઈને પોતાના પગલા પર શરમ સંકોચ અને ઘરના સભ્યોનો ડર અનુભવતી કોમલે ૧૮૧ ટોલ ફ્રી નંબર પર અભ્યમની ટીમનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર બાદ ગણતરીની મિનિટમાં કલ્યાણીની મદદ માટે અભ્યમની ટીમના કાઉન્સેલર પોતાની ટીમ સાથે તેની પાસે પહોંચ્યા હતા. જે બાદ કલ્યાણીનુ કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું તો સાથે તેના પરિવારજનો તેને અપનાવી લેશે તેવી ખાતરી પણ આપી હતી. જે પછી ૧૮૧ની ટીમ કલ્યાણીને લઇ તેના ઘરે પહોંચી હતી ત્યારબાદ કોમલે પોતાની ભૂલ અંગે પોતાના પરિવારજનોની માફી માંગી હતી. ત્યારે પરિવારજનો કલ્યાણી શરતે સ્વિકારવાની તૈયારી દર્શાવી કે જો ભવિષ્યમાં તે પ્રકારે ભૂલનું પુનરાવર્તન કરશે તો તેને સ્વીકારવામાં નહીં આવે. પ્રેમિ પ્રેમિકાનો કિસ્સો આજના સમયમાં છાશવારે પ્રેમમાં પડી જતા યુવાનો અને યુવતીઓ માટે આંખ ઉઘાડનારો છે. પ્રેમ કોઈ ગાંડપણ નહીં પણ સમજદારી પૂર્વક ઉઠાવવાનું પગલું છે.

(9:23 pm IST)