Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મુન્દ્રા પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનાર ગઢવી યુવાનના પરિવારને તાકિદે ન્યાય આપો : પોલીસ કર્મચારીઓને જલ્દી પકડો

સરકાર આર્થિક રાહત-પરિવારના સભ્યને નોકરી તથા કેસ ચાલે ત્યારે સ્પે. પી.પી અપાય : ૧૬ જેટલી ગઢવી સમાજ સંસ્થાની માંગણી

રાજકોટ,તા. ૨૮: સમસ્ત ચારણ (ગઢવી) સમાજ રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી મુન્દ્રા પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલ ગામ સમાઘોઘાના ગઢવી યુવાન અને બે ગઢવી યુવાનોને ઢોરમાર માર્યા બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયુ હતુ કે મુન્દ્રા પોલીસ કસ્ટડીમાં એક ગઢવી નવ યુવાનને મારી નાખવામાં આવેલ અને બે ગઢવી યુવાનોને ઢોરમાર માર્યો અને બે ગઢવી યુવાનોને પણ મરવા માટે મુકી દેવામાં આવ્યા હતા આ અમાનવિય ઘટનાની સમસ્ત રાજકોટ ચારણ (ગઢવી) સમાજ નિંદા કરે છે અને પ્રશાસન અને સરકાર પાસે માંગ કરે છે કે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવે અને આ હેવાનિયત ભર્યા કૃત્યો કરનારએ પોલીસ કર્મચારીઓને જલ્દીથી જલ્દી પકડવામાં આવે અને હેવાનિયત ભર્યા કૃત્યમાં જે પણ લોકો સંડોવાયેલ હોય તેની પણ ધરપકડ કરવામાં આવે, ઘટનાના મુળ સુધી પહોંચીને આ ગઢવી યુવાનોના પરિવારને ન્યાય આપવામાં આવે તો જ આવી અમાનવિય ઘટનાનુ પુનરાવર્તન ન થાય અને પોલીસ વર્ધી પર ડાઘ લગાડવામાં આવ્યો છે તે ધોવાય એ પ્રશાસનને સમજવું જરૂરી છે.

ગઢવી યુવાનોનો આર્થિક રીતે અત્યંત નબળા પરિવારમાંથી હોય તેના પરિવાર પર આફત આવી પડી છે તો મરનાર યુવાનને તથા ગંભીર ઇજા પામેલ ગઢવી યુવાનોને મૃતકના પરિવારને આર્થિક વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી મળે તેવી અમારી માંગણી છે. પોલીસ દ્વારા ઢોરમારને કારણે ઘાયલ બન્ને ગઢવી યુવાનોની સારવાર મુખ્યમંત્રી રાહત કોષ માંથી મળે અને સરકારી સહાયના ખર્ચે બન્ને યુવાનોની સારવાર થાય તેમજ પોલીસ દ્વારા ઢોરમારને કારણે ઘાયલ બન્ને ગઢવી યુવાનો શારીરીક રીતે સક્ષમ ના થાય ત્યાં સુધી બન્ને યુવાનોના પરિવારના ભરણપોષણની જવાબદારી સરકાર ભોગવે અને સદર કામમાં જ્યારે ફરિયાદીઓની ધરપકડ થાય અને કોર્ટમાં કેસ ચાલે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગમાંથી સ્પેશિયલ પી.પી.ની સરકારી ખર્ચે નિમણુક થાય તેવી અમારી માંગણી છે.

આવેદન દેવામાં આઇશ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, અખિલ ભારતીય ચારણ (ગઢવી) મહાસભા, ચારણ (ગઢવી) સમાજ સેવા ટ્રસ્ટ, રાજકોટ. ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ,ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (C.G.I.F), રેલનગર ચારણ (ગઢવી)સેવા સમાજ, સોનલ યુવક મંડળ - ગાંધીગ્રામ સહિત ૧૬ જેટલી સંસ્થાઓ જોડાઇ હતી.

(3:17 pm IST)