Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

તમે કેટલું પાણી વાપર્યુ ? : ચંદ્રેશનગરમાં મીટર મુજબ બીલ આપવા ટ્રાયલ શરૂ

રૂડાના ૨૪ ગામોમાં પાણી પુરવઠા યોજનાનું કામ ગતિમાં : ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૨૮ : શહેરના વોર્ડ નં. ૧૩માં આવેલ ચંદ્રેશનગરમાં ડી.આઇ. પાઇપલાઇન અને મીટરથી પાણી વિતરણનું મોડેલ નેટવર્ક કાર્યરત છે. જ્યાં હવે રહેવાસીઓને મીટર મુજબ પાણીના બીલ આપવાનું શરૂ થયું છે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે, વોર્ડ નં. ૧૩ના ચંદ્રેશનગરમાં ડી.આઇ. પાઇપલાઇન નેટવર્ક મારફત પાણી વિતરણ શરૂ થઇ ગયું છે અને તેમાં દરેક નળ કનેકશનોમાં મીટરો પણ લગાડી દેવાયા છે. હવે આ મીટરો ચાલુ કરી પ્રત્યેક નળ કનેકશન ધારક કેટલું પાણી વાપરે છે તેનું ટ્રાયલ બીલ આપવાનું શરૂ થયું છે.

આ ટ્રાયલ બીલમાં કોઇ ચાર્જ દર્શાવાશે નહી માત્ર નળ કનેકશન ધારકે કેટલું પાણી વાપર્યું છે તેનો આંકડો દર્શાવાશે. ચાર્જમાં '૦' હશે. આ માત્ર ટ્રાયલ છે તેથી આ પ્રકારના બીલો અપાશે. આમ, રાજકોટમાં હવે સૌ પ્રથમ વખત મ.ન.પા. દ્વારા પાણીના મીટર મુજબ પાણીના બીલ આપવાનું શરૂ થયું છે. આ ઉપરાંત રૂડા દ્વારા વિજયનગર, રતનપર, હડમતિયા, બેડી, માલિયાસણ, સોખડ, નાકરાવાડી, આણંદપર, રોણકી, ખંઢેરી, બાધી વગેરે સહિત ૨૪ ગામોમાં પણ ઘરે-ઘરે નળ કનેકશનની પાણી પુરવઠા યોજના પુરજોશમાં ચાલી રહ્યાનું કમિશનરે જાહેર કર્યું હતું.

(3:17 pm IST)