Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજકોટમાં કોરોનાના વળતા પાણી : ૨૧૨૫ બેડ ખાલીઃ ૧૫૫ સારવારમાં

છેલ્લા ૧૦ માસથી માનવ જીવનને અનેક રીતે પ્રતિબંધીત કરનાર મહામારી : ૨૪માંથી ૧૩ કોવીડ હોસ્પીટલ બંધ, સમરસ સહિત ૭ કોવીડ કેર સેન્ટરનો સંકેલોઃ પેથોલોજી-રેડીયોલોજી સેન્ટરમાં કોવીડનું પરીક્ષણ માત્ર ૧૦ ટકાથી ઓછું: તબીબોના મતે હર્ડ ઈમ્યુનીટી ડેવલપ થઈ રહ્યાનું અને વ્યાપક જનજાગૃતિ અસરકારકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાળજી રાખવા સલાહ

રાજકોટ, તા. ૨૮ :. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે. સતત ધૂણતો કોરોના વાયરસ હવે હાંફવા લાગ્યો હોય તેવુ જણાય છે. યુરોપીયન દેશોમાં હજુ નોંધપાત્ર કેસ છે પરંતુ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમાય ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સડસડાટ ઘટાડો થયો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમા કોરોના પોઝીટીવ સંખ્યા ૩૫૩ છે પરંતુ કોરોનાને હરાવીને ૨૬૨ દર્દીઓ સાજા થયા છે.

રાજકોટ-શહેર અને સૌરાષ્ટ્રભરમાં પણ કોરોનાના જાણે વળતા પાણી હોય તેમ સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દર્દીઓની સંખ્યા ઘટી છે ત્યારે ખાનગી કોવીડ હોસ્પીટલનો પણ હવે સંકેલો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પીટલમાં જે ૧૦થી વધુ ચાલે છે ત્યાં ૧૦થી વધુ દર્દીઓ માત્ર ૨-૩ હોસ્પીટલ પાસે છે અન્ય ચાલુ હોસ્પીટલમાં તો માત્ર ૫ - ૭ દર્દીઓ દાખલ છે.

ગત ઓગષ્ટ માસમાં જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓને જગ્યા મેળવવા દોડધામ કરવી પડતી તે ખાનગી-સિવીલ હોસ્પીટલ તેમજ કોવીડ કેર સેન્ટરો હાલ દર્દીઓની ઓછી સંખ્યા થતા બંધ થઈ રહ્યા છે. ૭ કોરોના હોસ્પીટલ અને ૭ કોવીડ કેર સેન્ટર બંધ કરીને તબીબો તેના રાબેતા મુજબના કાર્યમાં લાગી ગયા છે.

રાજકોટમાં આજે તા. ૨૮-૧-૨૦૨૧ના એક પણ કોરોનાથી મૃત્યુ થયુ નથી. તબીબો હવે કોરોનાની સારવાર કરવામાંથી મુકિતનો આનંદ લઈને હવે મૂળ અન્ય સારવાર ઉપર ધ્યાન આપી રહ્યા છે.

કોરોનાને લગતા રીપોર્ટ કરતી પેથોલોજી લેબ તેમજ સીટી સ્કેન કરતા રેડીયોલોજી સેન્ટરમાં હવે માત્ર કોવીડને લગતુ માંડ ૫ થી ૧૦ ટકા કામ કરે છે. જ્યાં ઓગષ્ટ અને સપ્ટે.ના માસમાં દરરોજ ૬૦૦થી વધુ આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા ત્યાં આજે માંડ ૫૦ ટેસ્ટ થઈ રહ્યા છે. જ્યારે રેડીયોલોજી સેન્ટરમાં ફેફસાના સ્કેન ૪ માસ પહેલા ૧૫૦થી વધુ થતા હતા ત્યાં હવે માત્ર ૧૦થી ૧૫ જ ટેસ્ટ થઈ રહ્યા છે.

રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગે જારી કરેલ કોરોનાના ૪૮ દર્દીઓ સાથે કુલ રાજકોટ શહેરમાં ૧૫૧૧૪ કેસ નોંધાયા છે. હાલ રાજકોટમાં કુલ કોરોનાની સારવાર માટે ૨૨૭૭ ક્ષમતા સામે ૨૧૨૫ બેડ ખાલી છે. જ્યારે ૧૫૫ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. માર્ચ ૨૦૨૦ના આખરમાં શરૂ થયેલ સમરસ હોસ્ટેલમાં આવેલ કોવીડ કેર સેન્ટર બંધ કરવાનો નિર્ણય થયો છે. સમરસ હોસ્ટેલમાં ચાલતી હોસ્પીટલ તો ઘણા સમયથી બંધ કરી છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધવા પાછળ નિષ્ણાંત તબીબો કહે છે કે કોરોના સામેની વ્યાપક ઝુંબેશ માસ્ક અને સેનેટાઈઝર ઉપરાંત સોશ્યલ ડીસ્ટન્સીંગ છે. લોકોમાં હવે હર્ડ ઈમ્યુનીટી આવી ગયાની શકયતા પણ નકારાતી નથી.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના વળતા પાણી થયા હોય તેમ છતા તબીબો સ્પષ્ટ કહે છે કે આવી સ્થિતિ જો લાંબા સમય સુધી રહેશે તે લાભ કર્તા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક તેમજ બીનજરૂરી ભીડની લોકો દૂર રહે તે ખાસ જરૂરી છે.

સરકારે પ્રથમ ધો. ૧૦-૧૨ બાદ હવે તા. ૧ ફેબ્રુઆરીથી ધો. ૯ અને ધો. ૧૧ની શાળાઓ તેમજ કોચીંગ કલાસ ખુલશે. કોલેજોમાં પણ વધુ છાત્રો ધીરે ધીરે વાસ્તવિક શિક્ષણ મેળવી રહ્યા છે.એકંદરે હાલ કોરોનાના વળતા પાણી હોય તેમ સતત ધૂણતો કોરોના વાયરસ હાંફી જતા લોકોને મહદઅંશે રાહત થઈ છે.

(3:12 pm IST)