Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ફેસબૂકને આધારે ચેઇન ચોર અને સીસીટીવીને આધારે રિક્ષાચોરને શોધી કાઢતી તાલુકા પોલીસઃ બે ડિટેકશન

ચેઇન ચોરીના ગુનામાં ધરમનગરના પ્રકાશ ભાસ્કરની અને રિક્ષા ઉઠાંતરીમાં સંજય સોલંકીને છેક નવસારીથી દબોચી લેવાયોઃ પીઆઇ જે. વી. ધોળાની ટીમોએ કરી કામગીરીઃ મુદ્દામાલ કબ્જે : પીએસઆઇ એન. ડી. ડામોર, હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, હર્ષરાજસિંહ જાડેજા તથા એએસઆઇ આર. બી. જાડેજા, મનિષ સોઢીયાની બાતમીઓથી સફળતા

રાજકોટ તા. ૨૮: તાલુકા પોલીસે કલાકોમાં બે ગુનાના ડિટેકશન કર્યા છે. ગઇકાલે મવડીની રાજદિપ સોસાયટીમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સ નામની દૂકાનમાંથી એક શખ્સ ચેઇન જોવાને બહાને નજર ચુકવી રૂ. ૧,૦૦,૬૦૦નો ચેઇન ચોરી ગયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલી નજીકના ધરમનગર-૨માં રહેતાં પ્રકાશ કરસનભાઇ ભાસ્કર (ઉ.વ.૨૬)ને પકડી લઇ ચેઇન કબ્જે કર્યો છે. તો અન્ય એક ગુનામાં રૂ. ૧,૩૦,૦૦૦ની બે લોડીંગ  રિક્ષાની ચોરીનો ભેદ ઉકેલી નવસારીના વિજલપર શિવાની ચોકમાં રહેતાં સંજય લધુભાઇ સોલંકી (ઉ.વ.૨૮)ને પકડ્યો છે. આ બંને ગુનાના ડિટેકશનમાં સોશિયલ મિડીયા અને સીસીટીવી કેમેરાની સુવિધા ખુબ ઉપયોગી નિવડી હતી.

શ્રીનાથજી જ્વેલર્સમાંથી પરમ દિવસે એક શખ્સ સોનાનો ચેઇન ખરીદવાના બહાને આવ્યો હતો અને અલગ-અલગ ચેઇન જોયા હતાં. એ દરમિયાન બીજા ગ્રાહક આવતાં દૂકાનદારની નજર ચુકવી એ શખ્સે ચેઇન બઠ્ઠાવી લીધો હતો. આ અંગે વેપારીને બાદમાં જાણ થતાં તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ફેસબૂક, વ્હોટ્સએપનો ઉપયોગ કરી આરોપીને શોધવા અલગ અલગ પ્રોફાઇલના ફોટો સર્ચ કરાયા હતાં. આ ફોટામાંનો શખ્સ બીજો કોઇ નહિ પણ નજીકના ધરમનગરમાં રહેતો પ્રકાશ ભાસ્કર હોવાની પાક્કી બાતમી પીએસઆઇ એન. ડી. ડામોર, હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ. અરજણભાઇ ઓડેદરા અને હર્ષરાજસિંહ જાડેજાને મળતાં તેને સકંજામાં લીધો હતો. આર્થિક ભીંસ દુર કરવા આ ગુનો આચર્યાનું તેણે રટણ કર્યુ હતું.

રિક્ષા ચોર પકડાયો

બીજુ ડિટેકશન તાલુકા પોલીસે અતુલ કંપનીની લોડીંગ રિક્ષાઓનું કર્યુ હતું. જીજે૨૧ટી-૭૪૪૦ નંબરની રૂ. ૭૦ હજારની અને જીજે૦૩બીયુ-૪૩૭૮ નંબરની રૂ. ૬૦ હજારની એક મહિના પહેલા ૪૦ ફુટ રોડ પટેલનગર ઉમિયા ટ્રેડર્સ પાસેથી ચોરાઇ ગઇ હતી. તાલુકા પોલીસની ટીમે સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શકમંદ દેખાયો હતો. તેના ફોટાને આધારે એએસઆઇ આર. બી. જાડેજા, કોન્સ. હર્ષરાજસિંહ જાડેજા, મનિષભાઇ સોઢીયાએ બાતમીદારોને કામે લગાડતાં આ શખ્સ નવસારીમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો સંજય લધુભાઇ સોલંકી (ઉ.વ.૨૮) હોવાનું સ્પષ્ટ થતાં ટુકડી નવસારી પહોંચી હતી અને સંજયને ઉઠાવી લાવી વિશીષ્ટ ઢબે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ રિક્ષા ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ રિક્ષાઓ તેણે નવસારી તેના ઘર પાસે જ રાખી હોઇ ત્યાંથી કબ્જે લેવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાની રાહબરી અને સુચના મુજબ પીઆઇ જે. વી. ધોળા,  પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, મનિષભાઇ સોંઢીયા, ધર્મરાજસિંહ રાણા તથા હર્ષરાજસિંહ રાણાએ આ બંને ડિટેકશન કર્યા હતાં.

(3:09 pm IST)