Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કોરોના થયા બાદ માનસિક હાલત બગડીઃ યુવાનનો આપઘાત

ગોંડલ રોડ પુનિતનગરમાં રહેતાં ૪૧ વર્ષના યુવાન જસ્મીનભાઇ મહેતા સાંજે ઘરેથી નીકળ્યા બાદ સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ ખેતરના ઝાડમાં લટકી ગયાઃ બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતાં રાજગોર બ્રાહ્મણ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૮: કોરોનાની મહામારીએ કેટલાયના જીવનને ગંભીર અસર પહોંચાડી છે. અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. તો અનેકે આ મહામારીને કારણે નોકરી ધંધા ગુમાવ્યા છે. કેટલાકે આ મહામારીને લીધે આર્થિક ભીંસ ઉભી થવાથી જિંદગી પણ ટુંકાવી લીધી છે. વધુ એક કિસ્સામાં કોરોના થયા બાદ માનસિક હાલત ખરાબ થઇ જવાને કારણે ગોંડલ રોડ પુનિતનગરના ૪૧ વર્ષના યુવાને મવડી નજીક ખેતરમાં ઝાડમાં લટકી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ ૮૦ ફુટ રોડ તરફ જતાં સગુણા ચોક પાસેના ખેતરમાં ઝાડ ઉપર એક યુવાનની લાશ લટકતી હોવાની જાણ પોલીસની પીસીઆર વેન નીકળતાં તેના સ્ટાફને થતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ ઉપન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી. એન. મોરવાડીયા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. ૧૦૮ના ઇએમટી વિજયભાઇ ગઢવીએ આ યુવાનને મૃત જાહેર કરતાં પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી.

દરમિયાન આ યુવાન ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે શેરી નં. ૭માં રહેતાં જસ્મીનભાઇ ગુણવંતભાઇ મહેતા (રાજગોર બ્રાહ્મણ) (ઉ.વ.૪૧) હોવાનું ખુલ્યું હતું. જસ્મીનભાઇ સાંજે ઘરેથી પોતાનું બાઇક લઇને નીકળી ગયા બાદ તેમનો સંપર્ક થતો ન હોઇ પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન એક યુવાન ખેતરમાં ઝાડમાં લટકતો હોવાની જાણ થતાં સ્વજનો શોધતા શોધતા એ તરફ પહોંચ્યા હતાં અને મૃતક યુવાન જસ્મીનભાઇ હોવાનું સ્પષ્ટ થયું હતું.

તેણે એક મોટા પથ્થર પર ચડી ઝાડમાં દોરી બાંધી ગળામાં નાંખી દઇ બાદમાં પથ્થરને પગેથી દૂર ખસેડી દઇ ફાંસો ખાઇ લીધાનું તારણ નીકળ્યું હતું. પરિવારજનોના કહેવા મુજબ આપઘાત કરનાર જસ્મીનભાઇ બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં અને હોઝીયરીનો ધંધો કરતાં હતાં. તેમના પત્નિનું નામ મનિષાબેન છે. સંતાનમાં બે પુત્રી છે.  ત્રણ મહિના પહેલા જસ્મીનભાઇને કોરોના થયો હતો. કોરોના મુકત થયા પછી પણ તે સતત ચિંતામાં રહેતાં હતાં અને માનસિક હાલત ખરાબ થઇ ગઇ હતી. ધંધામાં પણ મંદી આવી ગઇ હોઇ માનસિક હાલત ખરાબ થઇ ગઇ હતી. આ કારણે અવાર-નવાર ગમે તેવું રટણ કરતાં હતાં અને ગઇકાલે સાંજે ઘરેથી નીકળી જઇ આ પગલુ ભરી લીધું હતું.

(11:40 am IST)