Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ખાનગી કારમાં કેદીઓને કોર્ટમાં લઇ આવવાના મુદ્દે પો.કમિશ્નરનો લેખીત રીપોર્ટ મંગાવ્યો

વકીલ સાથે કાર ભટકાવવાના પ્રકરણમાં પોલીસ તંત્રની અનેક પોલ ખુલ્લી થઇ! : કોર્ટ દ્વારા વકીલોની અરજી પોલીસ કમિશ્નરને ફોરવર્ડ કરાઇઃ જવાબદાર પોલીસમેનો વિરૂધ્ધ પગલા ભરવા એસીપી જાડેજાએ ખાત્રી આપીઃ ઇન્કવાયરી નીમી તપાસ કરાશે અને ગુનો પણ નોંધાશેઃ નંબર વગરની ગાડી કબ્જે કરાઇઃ બંન્ને પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી કરાશે

રાજકોટ, તા., ૨૮: ગઇકાલે એડવોકેટ તુષારભાઇ ગોકાણીની કાર સાથે કેદીઓને ખાનગી કારમાં લઇને કોર્ટમાં આવેલા બે પોલીસમેનોએ વકીલ સાથે કરેલ માથાકુટના બનાવ મામલે વકીલોએ ડીસ્ટ્રીકટ જજને કરેલ અરજીના અનુસંધાને અદાલતે પોલીસ કમિશ્નરને આ બાબતે લેખીત રીપોર્ટ કરવાનો આદેશ કરતા પોલીસ બેડામાં સનસનાટી મચી જવા પામી છે.

વકીલની કાર સાથે પોલીસ કર્મચારીઓ લઇને આવેલ કાર અથડાવવાના સામાન્ય મુદ્દે પોલીસમેન યશપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા અને ભુપેન્દ્રસિંહ જનકસિંહ વકીલો સાથેે ગેરવર્તન કરીને જીભાજોડી કરતા મામલો બિચકયો હતો. વકીલે એક સમયે જતુ કરવા છતા પણ પોલીસમેનોએ રોફ જમાવવાનું ચાલુ રાખતા વકીલો મોટી સંખ્યાઓ ભેગા થઇ ગયા હતા અને પોલીસમેનો ખુંખાર અપરાધીઓને નંબર વગરની ખાનગી કારમાં લઇ આવેલ હોવાનું ખુલતા વકીલોએ ડીસ્ટ્રીકટ જજને અરજી કરી હતી.

આ અરજીના સંદર્ભે ડીસ્ટ્રીકટ જજે પોલીસ કમિશ્નરનો આ બારામાં લેખીત રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો છે.

દરમ્યાન એસીપી જાડેજાએ પણ જવાબદાર પોલીસમેનો વિરૂધ્ધ પગલા ભરવાની ખાત્રી આપી હતી અને ઇન્કવાયરી નીમી જરૂરી કાર્યવાહી કરી ગુનો નોંધાશે તેમ જણાવીને નંબર પ્લેટ વગરની ગાડી પણ કબ્જે કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કાર અથડાવા જેવી સામાન્ય બાબતે બનેલ આ ઘટનાએ પોલીસ તંત્રની અનેક પોલ ખુલ્લી હતી. પોલીસમેનો જેલમાંથી ખાનગી કારમાં અને તે કાર પણ નંબર વગર હતી તેમાં કેૈદીઓને લઇને આવેલ હકીકતો બહાર આવી હતી. કોર્ટમાંથી આ અગાઉ ઘણા કૈદીઓ જાપ્તામાંથી નાસી ગયાની ઘટનાઓ પણ બની છે. કોર્ટ મુદતે આવતા કૈદીઓને તેમના સગા વ્હાલાઓને મળવા દેવાની પોલીસ દ્વારા જ વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે ગઇકાલે બનેલ આ ઘટનાએ પોલીસ તંત્રને શરમજનક સ્થિતિમાં મુકી દીધું છે. વધુમાં કોર્ટે આ બારામાં લેખીત ખુલાસો કરી રિપોર્ટ રજુ કરવા જણાવાયું છે.

પોલીસમેન પાસે લાખોની કિંમતની ગાડી કેવી રીતે આવી? જેલ તંત્રએ પણ ખાનગી નંબર વગરની ગાડીમાં કૈદીઓને મોકલતા તે પણ તપાસનો મુદ્દો બનેલ છે. જે કેૈદીઓને ખાનગી કારમાં લઇ આવેલ તેઓ અઢી કરોડની લુંટના ગુનામાં પકડાયેલા છે. જેમાના એક આરોપીને અન્ય એક ગુનામાં ૧૦ વર્ષની સજા થયેલ છે અને બીજાને નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં સજા થયાનું જાણવા મળે છે.

દરમ્યાન વકીલ વર્તુળોમાં ચર્ચાય છે કે પોલીસ તંત્ર હવે બંન્ને પોલીસમેનો સામે આકરી કાર્યવાહી કરશે કે કેમ? અમુક અધિકારીઓ દ્વારા સમાધાનના પ્રયાસો થયા હતા પણ કોર્ટમાં અરજી થઇ ગયા પછી સમાધાન શકય નહી જણાતા અમુક પોલીસ અધિકારી દ્વારા આ બંન્ને પોલીસમેનોને છાવરવાના પ્રયાસો થઇ રહયાનો પણ વકીલો આક્ષેપ કરી રહયા છે.

જવાબદાર પોલીસમેનો સામે યોગ્ય કડક કાર્યવાહી નહિ થાય તો હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટ સુધી લાંબી કાનુની લડતના એંધાણ પણ વર્તાઇ રહયા છે.

આ અગાઉ કૈદીઓને સવલત આપવાના મુદ્દે પોલીસમેનને સસ્પેન્ડ કરાયો હતો. ત્યારે આ બંન્ને પોલીસમેનો વિરૂધ્ધ હવે આગળ પોલીસ તંત્ર દ્વારા શું પગલા ભરવામાં આવી રહયા છે. તેના ઉપર આગળની કાર્યવાહી કરવા વકીલો મીટ માંડીને બેઠા છે.

(3:42 pm IST)