Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ધર્મ સામે નારાજગી ન હોય, ખોટી રીત રસમોનો વિરોધ તો હોવો જ જોઇએ : ડો. વિનોદકુમાર મલ્લ

વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધ્ધા નિર્મૂલન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયના ૨૨ શ્રેષ્ઠીઓનું ટંકારામાં સન્માન : માર્ચમાં જાથા સદસ્યતા નોંધણી અભિયાન

રાજકોટ : ટંકારામાં રર શ્રેષ્ઠીઓનું વિજ્ઞાન જાથા દ્વારા સન્મન : ટંકારા આર્ય સમાજ, આર્ય વિદ્યાલયના સહયોગથી ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજયના રર શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્દઘાટન એડી. ડી.જી.પી. ડો. વિનોદકુમાર મલ્લના હસ્તે વૈજ્ઞાનિક અભિગમ સાથે કરાયુ હતુ. આ તકે ડો. મલ્લે જણાવ્યુ હતુ કે વર્ષો પહેલા સ્થાપિત હિતોએ બાળકો બહેનો માટે રદ્દી નિયમો બનાવ્યા તે આજેય જોવા મળે છે ત્યારે દુઃખ થાય છે. બેવકુફ નિયમો અપ્રસ્તુ અને અવિવેકી છે. તેને તિલાંજલી આપવા આહવાન કરેલ. ધર્મ સામે નારાજગી ન હોય પણ ખોટી રીત રસમો સામે નારાજગી હોય છે. ખોટુ થતો હોય તેનો વિરોધ હોવો જ જોઇએ. માનવીય ઉત્કર્ષની બાબત હોય તેને હંમેશા હું આવકારૂ છુ. આ તકે જનજાગૃતિ લાવવાની સર્વોત્તમ કામગીરી કરનાર ભાવનગરના દધિચી મહેતા, કચ્છ અંજારના એસ. એમ. બાવા, મોરબીના રૂચિર કારીઆ, પીપળીયાના અલ્પેશ કોઠીયા, લાઠના પૃથ્વીસિંહ ચુડાસમા, ઉપલેટાના વિનોદ વામજા, રાજકોટના ચંદ્રકાન્ત મંડિર, ડો. ઇરોઝ વાઝા, ડો. શાંતિભાઇ રાબડીયા, ડો. યશવંતભાઇ ગોસ્વામી, સુરત કચ્છી મગનભાઇ પટેલ, વલસાડના કાર્તિક બાવીસી, ખરોડ વિજાપુરના ભરતભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, ધીરજકુમાર ચૌહાણ, ટંકારાના માવજીભાઇ દલસાણીયા, ભગવાનજીભાઇ ભીમાણી, મેહુલભાઇ  કોરીંગા, દેવજીભાઇ પડસુંબીયા, રજનીભાઇ મોરસાણીયા, મનીષભાઇ કોરીંગા, હસમુખભાઇ દુબરીયા વગેરેનું સન્માનપત્ર, એવોર્ડ, શાલ સહીત સત્યાર્થ પ્રકાશ પુસ્તકની ભેટ આપી સન્માન કરવામાં આવેલ. વિજ્ઞાન જાથા તરફથી ડો. વિનોદકુમાર મલ્લનું એવોર્ડ આપી બહુમાન કરાયુ હતુ. આર્ય સમાજ દ્વારા સત્યાર્થ પૂસ્તક આપી ઋણ સ્વીકાર કરાયો હતો. આ તકે જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવેલ કે વિજ્ઞાન પ્રચાર પ્રસાર કરતી એકમાત્ર સંસ્થા દેશભરમાં જાથા અગ્રેસર છે. વાસ્તવિક કામમાં માને છે. અંધશ્રધ્ધા નિર્મૂલન સાથે લોકોના પ્રશ્ન ઉકેલવામાં ભાગીદાર થાય છે. જાતિવાદમાં પણ આ સંસ્થ માનતી નથી. આગામી માર્ચમાં રાજયભરમાં સદસ્ય નોંધણીનો પ્રારંભ કરાશે. સદસ્યોનું અધિવેશન રાજકોટ - અમદાવાદ ખાતે બોલાવાશે. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન મંત્રી દેવજીભાઇ પડસુંબીયાએ કરી સંસ્થાનો પરીચય આપેલ. આર્ય વિદ્યાલયના મેહુલભાઇ કોરીંગાએ સન્માનપત્રનું વાંચન કરેલ. ડો. ઇરોઝ વાઝાએ ટેકનોલોજીની વાતો કરી હતી. અંતમાં આભારવિધિ જાથાના મંત્રી અને એડવોકેટ હર્ષાબેન પંડયાએ  કરી હતી. તેમ વિજ્ઞાન જાથા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) કચેરીની યાદીમાં જણાવાયુ છે.

(3:33 pm IST)