Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગોપાલનગરના અજયભાઇ મારૂ અને પ્રદિપ દૂધાત્રાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી ૧.૧૨ લાખની ઠગાઇ!

અગાઉ દૂધનો ધધો કરતો હર્ષ ભાલાળા બેંકનો એજન્ટ બન્યા બાદ ક્રેડિટ કાર્ડ કઢાવી દીધા અને કારીગીરી કરી 'કળા' કરીઃ ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૮: ગોપાલનગરના પાનના ધંધાર્થી રજપૂત યુવાન અને તેના મિત્ર પટેલ યુવાનને અગાઉ દૂધનો ધંધો કરતાં શખ્સે બાદમાં પોતે બેંકનો એજન્ટ બન્યાનું કહી આ બંને મિત્રોને ક્રેડિટ કાર્ડ કઢાવી દઇ એ પછી આ લોકોના કાર્ડમાંથી પોતે ક્રેડિટ વાપરી નાંખી એક સાથે રૂ. ૫૧૮૩૨ની અને બીજા સાથે રૂ. ૬૦૮૭૩ની ઠગાઇ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે ગોપાલનગર સૂર્યમુખી હનુમાનની સામે રહેતાં અજયભાઇ મનજીભાઇ મારૂ (રજપૂત) (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી હર્ષ ભરતભાઇ ભાલાળા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે.

અજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘર પાસે સૂર્યમુખી પાન નામે દૂકાન ચલાવુ છું. મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. માતા પણ મારી સાથે રહે છે. હર્ષ ભાલાળા જે દૂધનો ધંધો કરતો હોઇ તે દૂધ આપવા આવતો હોવાથી અને કયારેક મારી દૂકાને પાન-મસાલા ખાવા આવતો હોવાથી તેની સાથે મારે ત્રણેક વર્ષથી પરિચય છે. દોઢેક વર્ષ પહેલા તે મારી દૂકાને આવ્યો હતો અને વાત કરી હતી કે મેં હવે દૂધનો ધંધો બંધ કરી દીધો છે અને યશ બેંકમાં એજન્ટ તરીકે જોડાયો છું, તમારે ક્રેડિટ કાર્ડ કે બેંકને લગતું કંઇ કામ હોય તો મને કહેજો તેવી વાત કરી હતી. મારી બેંકનું ક્રેડિટ કાર્ડ કઢાવવું હોઇ અને મારા પત્નિ નિતાબેનના નામનું યશ બેંકમા ખાતુ પણ હોઇ જેથી હર્ષ સાથે વાત કરતાં તેણે મારા પત્નિના નામનું પાનકાર્ડ, આધારકાર્ડ, ફોટા મારી પાસેથી મેળવી યશ બેંકનું ક્રેડિટ કાર્ડ કઢાવી આપ્યું હતું.

એ પછી મેં એસબીઆઇનું કાર્ડ મારા નામે કઢાવ્યું હતું. ત્યારબાદ મારા ખાતામાંથી રૂ. ૭૦૦ કપાઇ ગયાનો મેસેજ આવતાં મેં બેંકનો સંપર્ક કરતાં બેંક તરફથી જવાબ મળ્યો હતો કે રૂ. ૨૨૦૦ની ખરીદી કરશો તો કપાયેલા રૂપિયા રિફન્ડ મળશે. એ પછી હર્ષ ભાલાળાને રૂપિયા મારા ખાતામાંથી કપાયાની જાણ કરવા બોલાવ્યો હતો. ૧૦/૧૦/૧૯ના રોજ હર્ષ આવ્યોહ તો અને એસબીઆઇ બેંકનું ક્રેડિટ કાર્ડ અને મારો મોબાઇલ માંગતાં મેં આપ્યા હતાં. યશ બેંકના વ્યવહારના મેસેજ મારા પત્નિના ફોનને બદલે મારા ફોનમાં આવે તે માટેની વિધી કરાવવા ફોન આપ્યો હતો.

હર્ષએ દોઢેક કલાક ફોનનો ઉપયોગ કર્યો હતો અને પછી મને આપી દીધો હતો. એ પછી મારા બંને ક્રેડિટ કાર્ડ પણ મને આપી દીધી હતાં. મારે એમેઝોનમાંથી વસ્તુ મંગાવવી હતી પણ મારા એસબીઆઇના કાર્ડમાં ૮૦૦ની જ ક્રેડિટ હોઇ મેં બેંકમાં જઇ કાર્ડ ઇશ્યુ કરનાર જ્હાન્વીબેન પંડ્યાને મળી વાત કરતાં તેણે કહ્યું હતું કે તમારા કાર્ડમાંથી ૨૭ હજારની ક્રેડિટ વપરાઇ ગઇ છે. મેં તેમને કોઇ ખરીદી કરી જ નહિ હોવાનું કહેતાં તેણે આ કાર્ડ કોઇને આપ્યું હતું કે કેમ? તે અંગે પુછતાં મેં તેને હર્ષને આપ્યાની વાત કરી હતી.

ત્યારબાદ મને યશ બેંકમાં તપાસ કરવાનું કહેવામાં આવતાં મેં ત્યાં જઇ તપાસ કરતાં યશ બેંકમાં છવ્વીસ હજારની ક્રેડિટ હતી, તેમાંથી પણ પચ્ચીસ હજારની ક્રેડિટ કપાઇ ગયાની ખબ રપડી હતી. એ પછી મેં કાર્ડ બંધ કરાવી દીધા હતાં. હર્ષને મળીને ક્રેડિટ કઇ રીતે વપરાઇ ગઇ? તે અંગે પુછતાં તેણે પોતે ક્રેડિટ વાપરી નહિ હોવાનું કહી કાર્ડ કેન્સલ કરવાના ફોર્મ ભરી આપું છું તેમ કહી બેંકની ભુલ હોવાની વાત કરી હતી. તેમજ વપરાયેલી રકમ ભરપાઇ ન કરવા પણ કહ્યું હતું. હર્ષને મારી સાથે બેંકે આવવા કહ્યું હતું પણ તે આવ્યો નહોતો.

એ પછી થોડા દિવસ બાદ પ્રદિપ દુધાત્રા મારી દૂકાને આવતાં તેણે વાત કરી હતી કે તેના નામે એચડીએફસીનું ક્રેડિટ કાર્ડ કઢાવી હર્ષએ રૂપિયા ઉપાડી લીધા છે. મારી સાથે પણ આવું થયું હોઇ હર્ષએ અમને બંનેને છેતર્યાનું જણાયું હતું. પ્રદિપ દુધાત્રાના ઘરે તો બેંકમાંથી રૂ. ૬૦૮૭૩ની રિકવરી માટે માણસો પણ આવ્યા હતાં. તેણે ક્રેડિટ કાર્ડ વાપર્યુ ન હોવા છતાં રિકવરી આવી હોઇ તપાસ કરતાં હર્ષએ કારીગીરી કરી પ્રદિપભાઇના નામનું કાર્ડ કઢાવી તેના મેસેજ પોતાના ફોનમાં આવે એ રીતે કરી તેના ખાતામાંથી ૬૦૮૭૩ની ક્રેડિટ વાપરી નાંખી હતી. આમ મારી સાથે ૫૧૮૩૨ની અને પ્રદિપભાઇ વજુભાઇ દુધાત્રા સાથે રૂ. ૬૦૮૭૩ની ઠગાઇ હર્ષએ કરી હોવાનું સામે આવતાં અમે ફરિયાદ નોંધાવી છે.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. એ. ધાંધલ્યાએ તપાસ શરૂ કરી છે.

(1:19 pm IST)