Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાજકોટ યુવા પ્રમુખને જીલ્લા પ્રમુખે ગાળો ભાંડી ધમકી દીધી!

રાજકોટમાં કાર્યાલય ચાલુ કર્યુ ત્યાં બેનરમાં મારો ફોટો કેમ નથી રાખ્યો? કહી ડખ્ખો : વાજડી રહેતાં યુવા પ્રમુખ અલ્પેશ સાધરીયાની રાજકોટ રહેતાં જીલ્લા પ્રમુખ મહેશ રાજપરા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

રાજકોટ તા. ૨૮: વેજાગામ વાજડીમાં રહેતાં અને કન્સ્ટ્રકશનનું કામ કરતાં અલ્પેશ જયંતિભાઇ સાધરીયા (ઉ.વ.૩૦) નામના કોળી યુવાનની અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાજકોટના યુવા પ્રમુખ તરીકે નિમણુંક થઇ હોઇ તેણે રાજકોટમાં કાર્યાલય ચાલુ કરતાં અને ફોટાવાળુ બેનર લગાડતાં રાજકોટ રહેતાં જીલ્લા પ્રમુખ મહેશ રાજપરાએ આવી બેનરમાં મારો ફોટો કેમ લગાડ્યો નથી? તેમ કહી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

અલ્પેશ સાધરીયાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આ બારામાં મહેશ રાજપરા વિરૂધ્ધ આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાજકોટ આરએમસીમાં કન્સ્ટ્રકશનનું કામ કરુ છું અને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાજકોટ યુવા પ્રમુખ તરીકે મારી નિમણુંક થઇ છે, હાલમાં આ હોદ્દા પર હું સક્રિય છું. ૨૬મીએ રાતે નવેક વાગ્યે હું જમીને ઘરે બેઠો હતો ત્યારે અખિલ ભરાતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાજકોટ જીલ્લા યુવા પ્રમુખ મહેશભાઇ રાજપરાનો  સંગઠન અને મિટીંગ અનુસંધાને ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે તમે રાજકોટમાં તમારું કાર્યાલય ચાલુ કર્યુ છે અને બેનર લગાડ્યા છે એમાં મારો ફોટ કેમ નથી?

આથી મેં તેને કહેલ કે તમે જીલ્લા પ્રમુખ છો અને અમે યુવા પ્રમુખ છીએ, જેથી અમારા બેનરમાં તમારો ફોટો ન આવે તેમ કહેતાં મહેશભાઇ ઉશ્ેકરાઇ જઇ ગાળો દેવા માંડતા મેં ફોન કાપી નાંખતા તેણે બીજા ફોનમાંથી ફોન કરી ફરીથી ગાળો દીધી હતી. તેને ગાળો દેવાની ના પાડતાં વધુ ગાળો દઇ તારાથી થાય તે કરી લેજે, જોઇ લઇશ, તને જીવતો નહિ રહેવા દઉ તેવી ધમકી આપી હતી. આ બાબતે મિત્ર સાથે ચર્ચા કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. હેડકોન્સ. બોગાભાઇ ભરવાડે વિશેષ તપાસ શરૂ કરી છે.

(1:18 pm IST)