Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મુંજકામાં રૂડાની નવી આવાસ યોજનાના ૩-બીએચકે ફલેટનો કોન્ટ્રાકટ ફાઇનલ

શ્રીજી કન્સ્ટ્રકશનને ૮.૩પ ટકા નીચા ભાવો કામ અપાયુઃ મકાન ફાળવણીના ડ્રો માટે મુખ્યમંત્રીનો સમય મંગાયો

રાજકોટ તા.ર૭ : 'રૂડા' દ્વારા મુંજકા પાસે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ર-બીએચકે અને ૩-બીએચકે ફલેટની આવાસ યોજનાનુ નિર્માણ થનાર છે. જેમાં ૩-બીએચકે ફલેટ માટેના કોન્ટ્રાકટનું ટેન્ડર આજે ફાઇનલ થઇ ગયુ હતુ.

આ અંગે સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ 'રૂડા' દ્વારા મુંજકામાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ર-બીએચકે અને ૩-બીએચકેના કુલ ૧૦પપ ફલેટનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાંથી ૩-બીએચકે ફલેટના બાંધકામના કોન્ટ્રાકટ માટે કુલ ૩ જેટલી એજન્સીના ટેન્ડરો આવ્યા હતા. જે પૈકી શ્રીજી કન્સ્ટ્રકશનને ૮.૩પ ટકા નીચા ભાવે આ યોજનાના બાંધકામનો કોન્ટ્રાકટ આપી દેવાયો છે.

આમ ૩-બીએચકેના કોન્ટ્રાકટ ફાઇનલ થઇ જતા હવે આ યોજના માટે ફોર્મ ભરનાર લાભાર્થીઓને મકાન ફાળવવાનો ડ્રો ટુંક સમયમાં જ યોજવા ચક્રો ગતિમાન થયા છે.

જાણવા મળ્યા મુજબ 'ડ્રો' માટે ફરીથી મુખ્યમંત્રીની જવાબદારી સંભાળનાર રાજકોટના સપુત વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહે તે માટે તેઓનો સમય માંગવામાં આવ્યો છે. મુખ્યમંત્રી જે તારીખ ફાળવે તે દિવસે ડ્રો યોજવાનુ આયોજન હાથ ધરાશે.

નોંધનીય છે કે ર-બીએચકે અને ૩-બીએચકે બંને ફલેટ માટે ૧,પ૦,૦૦૦થી વધુ અરજીઓ આવી છે. બંને યોજના માટે ટેન્ડરો પ્રસિધ્ધ થયેલ પરંતુ ર-બીએચકેના ટેન્ડરો હજુ ફાઇનલ થયા નથી તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

(3:59 pm IST)