Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સૌરાષ્ટ્રભરમાં શનિવારે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા અગિયારમીનો ઉત્સવ

મોટાપીરની પ્રસંશામાં ઠેર ઠેર ઉર્ષ, નિયાઝ અને જુલૂસોના કાર્યક્રમોઃ જ્ઞાતિવાર જમણવારોના આયોજન : 'ન મૃત્યુ દિન કે ન જન્મ દિન', માત્ર મહાન ઔલિયાની સ્મૃતિમાં પરંપરાગત થતી ઉજવણી એટલે 'ઈદ્દે ગૌષિયા': રાજકોટમાં પણ રાબેતા મુજબ જુલૂસઃ મદ્રેસા-મસ્જીદોને શણગારઃ મીલાદ તથા ખત્મશરીફના પ્રસંગ

રાજકોટ, તા. ૨૭ :. સુન્ની સંપ્રદાયના 'મોટાપીર' તરીકે પંકાયેલા અને ઈસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના પ્યારા દૌહિત્ર ગૌષે આ'ઝમની પવિત્ર સ્મૃતિમાં દર વર્ષે મનાવવામાં આવતી 'અગિયારમી શરીફ' આગામી શનિવારે ઉજવવામાં આવનાર છે.

ઈસ્લામ ધર્મના તમામ ઔલિયાઓના 'સરદાર' ગણાતા મોટાપીરનો મઝાર શરીફ ઈરાકના પાટનગર બગદાદ શરીફમાં આવેલ છે. જ્યાં હાલમાં દર્શને ભારતમાંથી ૧૫ હજાર સુન્ની ભાઈ-બહેનો પહોંચ્યા છે, ત્યારે આ અગિયારમી શરીફનો ઉત્સવ દરેક સુન્ની અચૂક  ઉજવે છે.

ખાસ કરીને મોટાપીરની પ્રસંશામાં અગિયાર દિવસ વાઅઝનો કાર્યક્રમ યોજાય છે જ્યારે આગામી શુક્રવારે દરેક મસ્જીદ મદ્રેસાઓમાં શણગાર કરી મીલાદ, વાઅઝ ખત્મ, નિયાઝ અને બાલ-મુબારકના દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

બીજી તરફ પૈગમ્બર સાહેબની બારહવી શરીફ (ઈદેમિલાદ)ની જેમ અગિયારમી શરીફમાં પણ મોટાપીરની શાનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં એ દિવસે જુલુસો નિકળે છે જેનું આયોજન આ વખતે પણ થયેલ છે.

 આ ઉપરાંત જામકંડોરણા, કોડીનાર, રાજકોટ, લાલપુર, માંગરોળ સહિતના અનેક ગામોમાં અગિયારમી શરીફના જલ્સા અને આગલી રાત્રીએ ઉર્ષના શાનદાર જલ્સાઓ યોજાયા છે. જેમાં ઠેર ઠેરથી મોટી માત્રામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે.

અગિયારમી શરીફ ઈસ્લામી પંચાગના ચોથા મહીના રબીઉલ આખરની ૧૧મી તારીખે હોય છે અને તે આખા મહિનામાં દરેક જ્ઞાતિઓ દ્વારા સમૂહ જ્ઞાતિની નિયાઝના જમણવાર ઉપરાંત ધનિકો દ્વારા પણ નિયાઝના જમણવારના કાર્યક્રમો ચાલશે. આમ બીજી તરફ આ અગિયારમી શરીફ સુન્ની મુસ્લિમ સમાજમાં 'ઈદે ગૌષિયા' તરીકે ઓળખાય છે.

અત્રે એ યાદ રહે કે, આ દિવસ કોઈ મૃત્યુ દિન નથી કે જન્મ દિન નથી પણ મહાન ઔલિયાની પ્રસંશામાં પરંપરાગત ઉજવણી છે. કોડીનારમાં ૧૧ દિ'થી હઝરત પીર રીઝકુલ્લાહશાહ બાવાની દરગાહે ઉર્ષ ચાલી રહ્યો છે. માંગરોળમાં હઝરત પીર મબ્દુમ સિકંદર જહાનિયા, જામકંડોરણામાં હઝરત પીર, બગદાદીના મઝાર ઉપર તથા લાલપુર (જી. જામનગર)માં હઝરત પીર શેખ યુનુસ બાવા (રહે.)ની લારવાળાપીરની દરગાહે ૧૧મી શરીફની રાત્રીએ ઉર્ષ યોજાયા છે.

રાજકોટમાં ડિલકસ ચોકમાં આવેલ હઝરત શેખ સાદીક પીરની દરગાહે તથા સદર વિસ્તારમાં જુલુસ અને ઉર્ષનું આયોજન કરાયેલ છે.

જ્યારે રાજકોટ, પોરબંદર, ગોંડલ, બેડી, ખંભાળિયા, ભાવનગર, સલાયા, ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ સહિતના અનેક નાના મોટા શહેરોમાં શનિવારે જુલુસોનું આયોજન કરાયુ છે.

રાજકોટ

રામનાથપરા મુકરબા શેરી ખાતે આવેલ સૈયદા શહેજાદીમાંની દરગાહ શરીફ ખાતે રાજકોટના જુદા જુદા વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓની મીટીંગ ઈદે ગૌષિયાના જુલુસ બાબતે મહેબુબભાઈ અજમેરીના પ્રમુખ સ્થાને મળેલ. જેમાં દર વર્ષની જેમ ભવ્ય જુલુસ નિકળે તેની વ્યવસ્થા માટે કમિટિની રચના કરવામાં આવેલ અને રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ઈન્ચાર્જ નિમવામાં આવ્યા હતા. આ જુલુસની આગેવાની સૈયદ સાદાતોની રહેશે. આ જુલુસ શનિવારે બપોરે ૩.૦૦ કલાકે રામનાથપરા ગરબી ચોકમાં અદબની સાથે નિકળશે. રામનાથપરા ગરબી ચોકમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મુસ્લિમો પોતપોતાના વાહનો શણગારી ભેગા થશે. ત્યાંથી લાઈનદોરી રૂપે જુલુસને લીલી ઝંડી આપવામાં આવશે. આ જુલુસ ગત સાલની જેમ હઝરત ગૈબનશાહ પીરની દરગાહ ખાતે પહોંચશે અને દરગાહના પટાંગણમાં સલાતો સલામ પઢી જુલુસનું વિસર્જન કરવામાં આવશે.

હુઝુર ગૌષેપાકની શાનમાં શહેરના તમામ મુસ્લિમ બિરાદરોને જુલુસમાં ઉમટી પડવા કમિટિ તરફથી અપીલ છે. શનિવારે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી ગૌષે આઝમની શાનમાં ગુલામે ગૌષ બની જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાવા કમિટીની અપીલ છે.

મુખ્ય સંચાલકઃ મહેબુબભાઈ અજમેરી, એજાજબાપુ બુખારી, અજરૂદીન કાદરી, સુલેમાન સંઘાર, ઈકબાલભાઈ બેલીમ, રહીમભાઈ સોરા, યુનુસભાઈ જુણેજા (જય હિન્દ), હાસમભાઈ ચૌહાણ, હબીબભાઈ કટારીયા, હારૂનભાઈ શાહમદાર, યુનુસભાઈ જુણેજા (લક્કી), ડો. યુસુફબાપુ કાદરી, ફારૂકભાઈ બાવાણી, રફીકબાપુ કાદરી, આદમભાઈ નજરાનાપાન, હાસમભાઈ સુમરા, મકબુલભાઈ દાઉદાણી, જાહીદભાઈ દલ, ઈબ્રાહીમભાઈ સોરા, સલીમભાઈ આરબ, રજાકભાઈ જામનગરી, રજાકભાઈ જુણેજા, સબીરબાપુ બુખારી, જબારબાપુ કાદરી, ગફારભાઈ ખલીફા, હુસેનભાઈ હાલેપૌત્રા, યુસુફભાઈ દલ, હાજીભાઈ સોડીયા, યુસુફભાઈ સોપારીવાલા, યુસુફભાઈ કુરેશી, મહેબુબભાઈ ચૌહાણ, સમીરભાઈ જશરાયા, હનીફભાઈ માંડકીયા, ગફારબાપુ બુખારી, હાસમભાઈ મેતાજી, હાજી આમદભાઈ સલોત, અનવરભાઈ દલ, રમજાનભાઈ મુલતાની, ઈલ્યાસભાઈ ચૌહાણ, અમીરભાઈ કુરેશી, ફજલબાપુ કાદરી, અનિશબાપુ કાદરી, હનીફભાઈ આરબ, ઈમરાન ઉર્ફે (સુમો) ઈકબાલભાઈ જશરાયા, રજાકભાઈ અગવાન વગેરે દ્વારા મુસ્લિમ બિરાદરોને જુલુસમાં જોડાવા અપીલ કરવામાં આવે છે.

કોડીનાર

સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં 'છોટી બગદાદ' તરીકે મશહુર કોડીનાર શહેરમાં દરગાહ હઝરત રિઝકુલ્લાહ શાહનો ૧૧ દિવસનો ઉર્ષ  એ ખ્વાજાએ કાદરીની ઉજવણીના મુખ્ય કાર્યક્રમોમાં શુક્રવારે ઈશા બાદ દરગાહ શરીફના આસ્તાનામાં કુલશરીફ અને નાત ખ્વાની બાદ રાત્રે ૧૧ વાગ્યે આંબાવાડીમાં મહેફીલે શમાનો પ્રોગ્રામ યોજાશે. જેમાં મુબીન દરબારી અજમેર શરીફવાળા જાયરીનોને મંત્રમુગ્ધ કરશે. દરરોજ મગરિબ બાદ રોશની શરીફ પઢવામાં આવશે ત્યાર બાદ રોજ આમ ન્યાઝ અને ઈશા બાદ ખત્મેકાદરીયા સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. તેમજ બહારગામથી આવનારા જાયરીનો માટે લંગર શરીફની વ્યવસ્થા રાખી છે.

ઉના

ઉના ખાતે આવેલા કાદરીયતના ચશ્મોચિરાગ હઝરત સૈયદના મીરાં સૈયદ શાહ બાબા કાદરીયુલ જીલલાનીની દરગાહ ખાતે ઉર્ષે ગોષે આઝમની ઉજવણી શરૂ થઈ ગઈ છે.  ત્રણ દિવસ ચાલનારા આ ઉર્ષમાં તા. ૨૮ના દરગાહ ખાતેથી સંદલ શરીફનું જુલૂસ નિકળશે અને દરગાહ ખાતે ચાદર પોશી બાદ દુઆ મંગાશે તે જ રાત્રીના મહેફીલ પછી ગુસ્લ અપાશે તેમજ સૈયદશાહ બાબાના હાથે લખાયેલ કલામે પાકની ઝિયારત કરાવવામાં આવશે. તા. ૨૯ના રોજ ગોસુલ આઝમ દસ્તગીરના બાલ મુબારકની ઝિયારત નમાજે ફરજથી જોહર સુધી માણસો માટે જોહરથી ઈશા સુધી ઓરત માટે રાખેલ છે અને તે જ દિવસે સવારે નવ વાગ્યે અગિયારમી શરીફનું જુલૂસ દરગાહથી નિકળી શહેરના માર્ગો પર ફરશે. તા. ૩૦ના રોજ ખત્મે કાદરીયા અને દુઆ ખૈર માંગવામાં આવશે. રાત્રીના કવ્વાલીના કાર્યક્રમ થશે. સાંજે ન્યાજ તકસીમ કરવામાં આવશે.

(5:05 pm IST)