Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોરબીના ચકચારી કિન્નર-ડ્રાઇવરના ડબલ મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૭ : મોરબીના ચકચારી કિન્નર તથા તેના ડ્રાઇવરના ઝુપડાને સળગાવી તેમાં બન્ને વ્યકિતઓના મોત થતા આ ગુન્હામાં બન્ને આરોપીઓને સેશન્સ અદાલત દ્વારા જામીન મુકત કરવામાં આવેલ છે.

આ કેસની વિગત મુજબ ગઇ તા. ૧પ/૧૧/ર૦૧૭ ના રોજ રાતરીના ર વાગ્યાની આસપાસ મોરબી મુકામે ઉમીયા સર્કલ કેનાલ પાસે યદુનંદન સોસાયટીના સામેના ભાગે રહેતા રાગીનીદે શિલ્પાદે (કિન્નર), (મુળ નામ જગાભાઇ મઘરૂભાઇ) તથા તેના ડ્રાઇવર ફૈજાન ઉર્ફે ભુરાને બે અજાણ્યા માણસો મોઢે રૂમલ બાંધી તેમના ઝૂપડામાં આવ આડેધડ માર મારવા લાગેલ.

આ સમયે ઝૂંપડામાં આગ લાગતા રાગીનીદે શિલ્પાદે (કિન્નર) સળગતી હાલતમાં બહાર આવેલ અને દેકારો કરતા આસપાસના લોકોએ આવી અને સરકારી હોસ્પિટલે લઇ ગયેલ. જેમાં આ રાગીનીદે શિલ્પાદેને વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરી જેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ અને ઝૂંપડામાં રહેલ ફૈજાન ઉર્ફે ભુરો પણ બનાવ સ્થળે જ આગ લાગવાથી મૃત્યુ પામેલ.

આ બનાવની જનુબેન અશોકભાઇ દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦ર,૪૩૬, ૩ર૩, ૧ર૦ બી, ૩૪ મુજબની ફરીયાદ આપવામાં આવેલ. જે ફરીયાદમાં આરોપી તરીકે (૧) ખુશ્બુદે હિરાદે (ર) રાજીયો પાવૈયો તથા (૩) બે અજાણ્યા મોઢે રૂમાલ બાંધેલ માણસોના નામ જણાવેલ. આ ફરીયાદના અનુસંધાને પોલીસ દ્વારા આરોપીઓ (૧) ખુશ્બુદે કૈલાશદે હાલના ગુરૂ હીરાદે (કિન્નર) (મુળ નામ સંજય ફતેસિંહ બારીયા ઠાકરો) રહે. કિન્નરના મઢમાં નાનીબજાર, મોરબી તથા (ર) પાયલદે ઉર્ફે રાજીયો ઉર્ફે સંગીતાદે જયાદે (કિન્નર) (મુળ નામ વિનોદ સોમાભાઇ જાખણીયા) રહે. નવાગામ આણંદપર, રંગીલા સોસાયટી, રાજકોટ વાળાઓની ધરપકડ કરવામાં આવેલી જેથી તેઓએ જામીન પર છુટવા અરજી કરી હતી.

બન્ને પક્ષે થયેલ રજુઆતો તેમજ જરૂરી દસ્તાવેજી પુરાવા તથા અરજદાર તરફે થયેલ રજુઆતોને તથા જુદી જુદી અદાલતોના ચુકાદાઓને ધ્યાને રાખી મોરબીના સેશન્સ જજ દ્વારા આરોપીઓ (૧) ખુશ્બુદે કૈલાશદે હાલના ગુરૂ હીરાદે (કિન્નર) તથા (ર) પાયલદે ઉર્ફે રાજીયો ઉર્ફે સંગીતાદે જયાદે (કિન્નર) ને શરતોને આધીન જામીન મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ.

આ કામે અજરદાર આરોપીઓ તરફે રાજકોટના એડવોકેટ પ્રાણલાલ એમ.મહેતા, રાજેશ કે. મહેતા, ધવલ પી. મહેતા, ગૌરવ પી.મહેતા, દિપકભાઇ મોરબીયા, સી.વી.અઘેરા, મહેન્દ્રભાઇ ચુડાસમા તથા સુરેન્દ્રસિંહ એન. જાડેજા રોકાયેલ હતા.

(3:40 pm IST)