Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

આમાં ક્રાઇમ રેટ ઓછો જ દેખાય ને...ચિલઝડપની ફરિયાદ છેક સાત મહિના પછી દાખલ થઇ!

ચિખલીકર ગેંગએ ૭૩ હજારની વધુ એક ચોરી કબુલીઃ આ ગુનો પણ વર્ષ ૨૦૧૬માં બન્યો'તોઃ હવે એફઆઇઆર નોંધાઇ

રાજકોટ તા. ૨૭: ચોરી-ચિલઝડપ સહિતના બનાવોમાં પોલીસ તાકીદે ગુનો નોંધવાને બદલે અરજીઓ લઇ લેતી હોવાની અને ક્રાઇમ રેટ કાગળ પર ઓછો દેખાડવાનો પ્રયાસ કરતી હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન છેક મે મહિનામાં બનેલા ચિલઝડપના બનાવમાં હવે ગુનો દાખલ થયો છે. તો ચિખલીકર ગેંગે એપ્રિલમાં કરેલી ૭૫ હજારની ચોરીમાં પણ વધુ એક ફરિયાદ દાખલ થઇ છે.

નક્કર કામગીરી કરીને પોલીસ ક્રાઇમ રેટ ઘટાડવા તત્પર રહેતી હોય છે. શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે ચાર્જ સંભાળ્યા પછી ગુનાખોરી પણ કાબુમાં આવી છે. પરંતુ આમ છતાં અમુક સ્ટાફ દ્વારા કોઇને કોઇ કારણોસર ચોરી-ચિલઝડપના ગુના તાકીદે નોંધવાને બદલે અરજી લઇ ફરિયાદીને રવાના કરી દેવામાં આવે છે. આની સાબિતી આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગુરૂપ્રસાદ સોસાયટી બ્લોક નં. ૩૫માં ચામુંડા નિવાસ ખાતે રહેતાં મંજુલાબેન મણીલાલ ચુડાસમા (ઉ.૭૫) નામના ધોબી વૃધ્ધા ૫/૫/૧૭ના સવારે સાડા અગિયારેક વાગ્યે ઘરેથી મંદિરે દર્શન કરવા નીકળ્યા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સ રૂ.૫૦ હજારનો ચેઇન ખેંચી ભાગી ગયા હતાં. આ ગુનો ગઇકાલે માલવીયાનગર પોલીસે દાખલ કર્યો છે. ફરિયાદીના કહેવા મુજબ અમે જે તે વખતે ગુનો દાખલ કરવા આગ્રહ રાખ્યો હતો પણ માત્ર અરજી લેવાઇ હતી. હવે અમે પોલીસ કમિશ્નર પાસે જઇશું તેમ કહેતાં અંતે ફરિયાદ દાખલ થઇ છે.

બીજી તરફ ક્રાઇમ બ્રાંચે પકડેલી ચીખલીકર ગેંગનો વધુ એક ગુનો ખુલ્યો છે. તા. ૧૨/૪/૧૬ના રોજ રૈયા રોડ નાણાવટી ચોક પાસે નંદનવન સોસાયટી બ્લોક નં. ૬૨માં રહેતાં રસિકભાઇ માણેકચંદભાઇ શ્રીમાંકર (ઉ.૬૫)ના બંધ ઘરમાં ત્રાટકી તસ્કરો રૂ. ૭૩ હજારની મત્તા ચોરી ગયા હતાં. રસિકભાઇ એ દિવસે કોટડા સાંગાણી સાળાનું ઓપરેશન હોઇ ત્યાં ગયા હતાં. બીજા દિવસે પાછા આવ્યા ત્યારે ચોરી થયાની ખબર પડી હતી. જે તે વખતે તેમણે અરજી આપી હતી. હવે ચિખલીકર ટોળકીએ આ ગુનો કબુલતાં યુનિવર્સિટી પોલીસે એફઆઇઆર દાખલ કરી છે.

(3:34 pm IST)