Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ચોરી-લૂંટના બનાવો વધતાં અને ૩૧મી ડિસેમ્બર અંતર્ગત ફરીથી શરૂ થઇ વાહન ચેકીંગ ઝુંબેશ

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટે તમામ સ્ટાફને કડક સુચના આપી

રાજકોટ તા. ૨૭: શહેરમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે ચાર્જ સંભાળ્યા બાદ તુર્ત જ જાતે નાઇટ પેટ્રોલીંગમાં નીકળીને ગુનેગારોને ભોંભીતર કરી દીધા હતાં. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણી બંદોબસ્તમાં હોવાથી વાહન ચેકીંગ ઝૂંબેશ અને નાઇટ પેટ્રોલીંગની કામગીરી થોડી મંદ પડી ગઇ હતી. તાજેતરમાં બનેલી ચોરીઓ અને લૂંટની ઘટનાઓમાં જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાંખી ટોળકીને ઝડપી લીધી છે. આ ટોળકીએ ત્રીસથી વધુ ચોરીઓના ગુના કબુલ કર્યા છે. શહેર પોલીસ કમિશ્નર શ્રી ગહલોૈત હાલ રજા ઉપર છે. આમ છતાં તેમણે મંગળવાર રાતથી જ વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી દેવા સુચના આપતાં જેસીપી ડી.એસ.  ભટ્ટ અને અન્ય અધિકારીઓની રાહબરી હેઠળ તમામ પોલીસ મથક અને ક્રાઇમ બ્રાંચ તથા અન્ય બ્રાંચ દ્વારા વાહન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગત રાત્રે શહેરના જુદા-જુદા નાકાઓ પર આ કામગીરીને સઘન બનાવાઇ હતી. ૩૧મી ડિસેમ્બર પણ નજીક હોઇ કોઇ અનઇચ્છનીય ઘટનાઓ ન બને તે માટે પણ પેટ્રોલીંગ કડક બનાવાયું છે. હવે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. ગત રાત્રે થયેલી વાહન ચેકીંગ ઝુંબેશની કાર્યવાહી તસ્વીરોમાં જોઇ શકાય છે. જો કે વાહન ચેકીંગના નામે સામાન્ય નાગરિકોને તકલીફ ન પડે તે જોવા પણ શ્રી ગહલોૈતે સુચના આપ્યાનું જાણવા મળે છે.

(3:34 pm IST)