Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ત્યાગ, વૈરાગ્ય, સત્સંગ અને સંયમ એ સાધુઓની શોભા છે : દેવકૃષ્ણદાસજી

સ્વામીનારાયણ ગુરૂકુલના આંગણે સંતોની આર્શીવાદ સભા :એક સાથે ૫૭ ઉપવાસ, સાડા ત્રણ લાખ દંડવત, ત્રણ કોળીયાના ઋષિ ચાંદ્રાયણ, છ કલાક નિત્ય યજ્ઞ, ૧૦૦ સંતોએ જીંદગી પર્યત એક સમય જ ભોજનપ્રસાદ લેવાનો કરેલ સંકલ્પ

રાજકોટ : ગુરૂકુલના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી પર્વે ભાવાંજલી મહોત્સવની પૂર્ણાહૂતિ બાદ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ એમના ૨૦૦ ઉપરાંત શિષ્ય - સંતોએ છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ વિશેષ તપ - વ્રતની પૂર્ણાહૂતિ વખતે કહ્યુ હતું કે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ૬૧ વર્ષની ઉંમરે પણ વિદ્યાલયના બાંધકામ કરાવતી વખતે જવ ચાંદ્રાયણ કરતા હતા. વડતાલમાં પણ પચ્ચીસ વર્ષની ઉંમરે સંસ્કૃતનો અભ્યાસ કરતા અત્યારે કેવળ એક કોથળો પાથરી જમીન ઉપર સૂઈ રહેતા. સાત વર્ષના અભ્યાસકાળ દરમિયાન ત્રણ કોથળા જ આસન તરીકે વાપરેલ.

શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર એક દિવસ ભોજન લેવાનું ને બીજો દિવસ ઉપવાસ, આવા વ્રતને ધારણા - પારણા વ્રત કહે છે. આવુ વ્રત ઉનાના શ્રી હરિવદન સ્વામીએ તથા જયેશ ભગતે ૧૦૦ દિવસ, ઉત્તમચરણદાસ સ્વામીએ ૨૫૦ દિવસ કર્યુ છે અને તેઓએ સાડા ત્રણ લાખ તથા નવસારી ધર્મજીવન સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય શ્રી સ્વરૂપ સ્વામી એક લાખ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરેલ. રાજકોટના શ્રી પૂર્ણપ્રકાશ સ્વામી તથા નારાયણપ્રસાદ સ્વામી, તરવડાના શ્રી ઘનશ્યામ સ્વામી છેલ્લા ત્રણ વર્ષથી ફ્રૂટ આરોગતા.

જયારે દંડચાંદ્રાયણ વ્રત એટલે રોજના સોપારી જેવડા જ આઠ કોળીયા દરરોજ એક સમયે જ એક મહિના સુધી ભોજનમાં લેવાના એવુ વ્રત હૈદ્રાબાદ ગુરૂકુલના મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ તથા અમેરીકામાં સત્સંગ વિચરણ કરી રહેલા શ્રી ધર્મચરણદાસ સ્વામીએ ૧૦૦ દિવસ, પાટડી વર્ણીન્દ્રધામે સેવારત શ્રી ધર્મનંદનદાસ સ્વામીએ ૨૦૦ દિવસ, નવસારી ધર્મજીવન સંત પાઠશાળાના સંચાલક શ્રી ભકિતવલ્લભદાસજી સ્વામીએ તથા શ્રી ભજનપ્રકાશ સ્વામીએ ૩૬૦ દિવસનું વ્રત કરેલ. નીલકંઠધામ પોઈચા ખાતે પુરાણી શ્રી ધર્મસંભવદાસજી સ્વામી કેવળ દૂધ તથા છાશનંુ જ પાન કરતા રહીને છેલ્લા ત્રણ વર્ષથી દરરોજ ૬ કલાક યજ્ઞ કરી એક કરોડ ઉપરાંત સ્વામીનારાયણ મંત્રની આહુતિ અર્પી રહ્યા છે.

 જયારે સુરતના શ્રી ભકિતતનયદાસજી સ્વામી દર એકાદશી પુનમ અમાસ અને હરીજયંતિએ ઉપવાસ કરીને ૧૦૦ ઉપવાસ કર્યા છે. શ્રી સ્વયંપ્રકાશદાસ સ્વામીએ ઋષિચાંદ્વાયણ જે નિત્ય ૩ કોળીયા જ અનાજ જમીને કરાતુ વ્રત ૧૦૦ દિવસ સુધી કરેલું.

વધુમા  શ્રી પ્રભુસ્વામીએ કહયુ કે શ્રી યોગદર્શનદાસ સ્વામી, શ્રી યોગસ્વરૂપદાસ સ્વામી, શ્રી ગુણદર્શનદાસ, શ્રી સુજ્ઞસ્વરૂપદાસ સ્વામી તથા શ્રી સ્મરણપ્રિયદાસ સ્વામીએ એક મહીના સુધી કેવળ એક ગ્લાસ ગરમ પાણી  પીને એક મહિના માસોપવાસ વ્રત કરેલ, જયારે નીલકંઠધામ સેવારત શ્રી નિર્દેદદાસ સ્વામીએ એક સાથે ૫૧ તથા બીજી વખતે ૫૭ દિવસોના ૧૦૮ ઉપવાસ કેવળ પાણી પીને કરી ભાવાંજલિ મહોત્સવ નિમિતે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી ધન્યતા અનુભવેલ. હરીભકતો યાદ કરતાં સ્વામીજીએ કહેલું કે સુરતના શ્રી ધીરૂભાઇ રાદડીયાએ ૬૫ વર્ષની ઉંમરે સાડાત્રણ લાખ દંડવત અને જીજ્ઞેશ લક્કડ સુરત જાળીયાના યુવાને ત્રણ વર્ષમાં ૧૦૦ ઉપવાસ કરેલ. ગુરૂદેવની દીક્ષા શતાબ્દીની યાદમાં ૧૦૦ સંતોએ જીંદગી પર્યત દિવસમાં કેવળ એક સમય જ ભોજન પ્રસાદ લેવાના સંકલ્પ કરેલ.

 આ પ્રસંગે સંતોને આર્શીવાદ આપતા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહેલ કે આપણને સમાજ રોટલો અને ઓટલો આપે છે. આપણે તેની ચિંતા નથી ત્યારે આપની સમયરૂપી સંપતિ સત્સંગ અને સમાજની સુખાકારી માટે સહુ વાપરતાં રહો બીજાના ભલામાં આપણું ભલુ ત્યાગ, વૈરાગ્ય, સત્સંગ અને સંયમ એ સાધુઓની શોભા છે.

(3:32 pm IST)