Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

દ્વારકેશ પાર્કમાં બ્રાહ્મણ પરિણીતા ખુશી મહેતાને દારૂડીયા પતિ નરેન્દ્રએ બેફામ મારકુટ કરી

મકાન પોતાના નામે કરી દેવા અને પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચી લેવાનું કહી ધમાલ મચાવી : ગુર્જર સુથાર જ્ઞાતિની યુવતિ ખુશીએ નરેન્દ્ર સાથે લવમેરેજ કર્યા છેઃ અગાઉ આ શખ્સ વાહન અકસ્માતના નાટક કરી લૂંટ કરવાના ગુનામાં પકડાઇ ચુકયો છે

રાજકોટ તા.૨૭: અગાઉ કુવાડવા હાઇવે પર એકલ દોલક કારચાલક કે બાઇકચાલકને આંતરી 'તમે અકસ્માત સર્જ્યો છે, ખર્ચના પૈસા આપવા પડશે' તેમ કહી ડખ્ખો કરી રોકડની લૂંટ કરવાના ગુનામાં પકડાઇ ચુકેલા રૈયા રોડ દ્વારકેશ પાર્કના બ્રાહ્મણ શખ્સે પોતાની પત્નિને મારકુટ કરી તેણીનું મકાન પોતાના નામે કરી દેવા કહી ત્રાસ ગુજારતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. પરિણીતા સારવાર માટે દાખલ થતાં મહિલા પોલીસે ગુનો નોંધ્યો છે.

આલાપ ગ્રીન સીટી પાછળ દ્વારકેશ પાર્કમાં રહેતી ખુશી નરેન્દ્ર મહેતા (ઉ.૨૫) નામની બ્રાહ્મણ પરિણીતા રાત્રે પોતાને પતિ નરેન્દ્ર કરૂણાશંકર મહેતાએ ઢીકા-પાટુનો માર માર્યાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થતાં મહિલા પોલીસે તેણીની ફરિયાદ પરથી પતિ સામે ગુનો નોંધ્યો છે.

ખુશીએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે તે ગુર્જર સુથાર જ્ઞાતિની છે અને ૨૦૧૩માં નરેન્દ્ર મહેતા સાથે લવમેરેજ કર્યા છે. તેણીના માવતર દેવપરામાં ભવાની ચોક ખાતે રહે છે. સંતાનમાં એક પુત્ર દેવદુત (ઉ.૩) છે. લગ્ન બાદ પતિ નરેન્દ્રએ દારૂ પી કોઇને કોઇ કારણોસર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. મેં તેના વિરૂધ્ધ અગાઉ પણ ગાંધીગ્રામ અને મહિલા પોલીસ મથકમાં અનેક અરજીઓ કરી છે. તે દારૂ પી જાય પછી માસુમ પુત્ર દેવદુતને પણ મારકુટ કરી લે છે. ત્રણેક મહિના પહેલા પતિ નરેન્દ્ર કુવાડવા રોડ પર વાહન અકસ્માતનું નાટક કરી લૂંટ કરવાના ગુનાઓમાં પણ પકડાયો હતો. હવે તેને મારા નામનું મકાન જોઇએ છે. મંગળવારે રાત્રે પણ તે દારૂ ઢીંચીને આવ્યો હતો અને મને મકાન નામે કરી દેવાનું તેમજ તેના વિરૂધ્ધ મેં કરેલી અરજી પાછી ખેંચી લેવાનું કહી બેફામ માર માર્યો હતો.

યુનિવર્સિટીના પી.એસ.આઇ. કે. જે. વાઘોસીએ ગુનો નોંધી મહિલા પોલીસ મથકમાં મોકલતાં પી.એસ.આઇ. એન.એસ. સવનીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:13 am IST)