Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

કોંગ્રેસ હું છોડીશ નહીં..જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ આ ભાજપ ભેગો નહીં જાવ: લલિત વસોયા

ઘણા સમયથી મીડિયામાં આવતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે ત્યારે મારે તેમનો જવાબ આપવો પડતો. ભાજપના મિત્રોએ મારા નામનો ગ્લોબલ પ્રચાર કરાવ્યો: ઉપલેટામાં લલિત વસોયા

રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસની સભા યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ પણ હાજર હતા. ત્યારે અગાઉ ભાજપમાં જોડાવાને લઈ થયેલી વાતો અંગે લલિત વસોયાએ જવાબ આપ્યા હતા. જેમાં લલિત વસોયાએ વિવાદિત નિવેદન આપ્યુ હતુ.

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા બાપુના બાવલા ચોક ખાતે સમર્થન જનસભા યોજાઈ હતી. સમર્થન જનસભામાં લલિત વસોયાએ તેજાબી પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણા સમયથી મીડિયામાં આવતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે ત્યારે મારે તેમનો જવાબ આપવો પડતો. ભાજપના મિત્રોએ મારા નામનો ગ્લોબલ પ્રચાર કરાવ્યો.

લલિત વસોયાને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હું છોડીશ નહીં..જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ આ ભાજપ ભેગો નહીં જાવ તેવી ખાતરી આપી હતી. આ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ, નિલેશભાઈ પંડ્યા અને લલીતભાઈ વસોયા શહેર અને તાલુકા હોદ્દેદારો અને આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટામાં સમર્થન જનસભામાં મોટી સંખ્યામાં કાર્યકરો, લોકો સભા સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતાં જ તૃષ્ટિકરણની રાજનીતિનાં ત્રણ મોટા ઉદાહરણ સામે આવ્યા છે.. કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ તૃષ્ટિકરણની રાજનીતિ કરતા નિવેદન કરતાં ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે.. સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર, મહુધાના ઉમેદવાર ઈન્દ્રજિતસિંહ પરમાર અને રાજકોટ પૂર્વના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે.

ઈન્દ્રજિતસિંહ પરમારનો જૂનો વીડિયો થોડા સમય પહેલાં વાયરલ થયો હતો જેમાં તેઓ મુસ્લિમોને પોતાના માઈબાપ ગણાવી રહ્યા હતા. આ સિવાય ચંદનજી ઠાકોર માટે લઘુમતિ સમુદાયના લોકો જ મહત્વના હોય તે પ્રકારે નિવેદન કર્યું હતું. આ સિવાય ગઈકાલે રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવ્યા હતા.

(11:18 am IST)