Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

તાત્કાલિક ફરિયાદ નિકાલના તંત્રના દાવા પોકળ

મવડીના અવસર એપાર્ટમેન્ટમાં ૩૨થી વધુ લોકોને ઝાડા - ઉલ્ટી : પાણીના નમૂના લેવાયા

રાજકોટ તા. ૨૭ : શહેરના વોર્ડ નં. ૧૨માં પુનિતનગર વિસ્તારમાં ભૂગર્ભ લાઇન બ્લોક થતા ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતા મવડી વિસ્તારમાં આવેલ અવસર એપાર્ટમેન્ટમાં ઝાડા - ઉલ્ટીના ૩૨ કેસ નોંધાતા લોકરોષ ફેલાયો છે. તંત્રની ઘોર બેદરકારીના મુદ્દે લોકોએ ઉહાપોહ મચાવતા મેયર ડો. પ્રદિપ ડવ સહિતના કોર્પોરેટરો સ્થળ પર જઇ તપાસ કરી હતી અને આ અંગે અધિકારીઓને યોગ્ય કરવા તાકિદ કરાઇ હતી.

આ અંગે આરોગ્ય અધિકારીઓએ સત્તાવાર જાહેર કર્યા મુજબ શહેરના મવડી વિસ્તાર માં ૮૦ ફૂટ રોડ, દિવાળી ચોક માં આવેલ અવસર એપાર્ટમેન્ટમાં ઝાડા ઉલ્ટીના કેસોની માહિતી મળતાં, આરોગ્યની ૬ ટીમ દ્વારા અવસર એપાર્ટમેન્ટના ૬૮ ફલેટ તેમજ બાજુમાં આવેલ દિવાળી પાર્કમાં ૪૨ ઘરોમાં સઘન સર્વે કરવામાં આવ્યો અને અંદાજિત ૫૦૦ લોકોનો સર્વે કરાયો. જેમાં ૩૨ જેટલા ઝાડા - ઉલ્ટીના કેસો જોવા મળ્યા, જેમાંથી એક પણ કેસને દાખલ કરવાની જરૂર જણાયેલ ના હતી તેમજ પ્રથમ કેસ તા. ૨૫ના જોવા મળેલ. જેના અનુસંધાને આરોગ્ય ટીમ દ્વારા ૧૧૦૦ જેટલી કલોરિનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું,  ફલેટના ટાંકા, બોર તેમજ ઘરમાંથી પીવાના પાણીના સેમ્પલ બેકટેરિયલ ઇન્ફેકશન ચેક કરવા માટે લીધેલ તેમજ આજથીરોજ એક મોબાઈલ ડીસ્પેન્સરી આ સ્થાન પર રહે અને લોકોને જરૂરિયાત પ્રમાણેની દવા સ્થળ પર જ મળી રહે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું.

આ ઘટનાની જાણ થતાં મેયર પ્રદિપ ડવ સહિતના કોર્પોરેટરો તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓને તાકિદે આ અંગે યોગ્ય કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત આવતી કાલે આ વિસ્તારમાં પાણી પહોંચાડતી તમામ  પાઇપલાઇનનું ચેકીંગ મહાનગરપાલિકા દ્વારા થશે અને ત્યાં સુધી વિસ્તારનાં તમામ લોકોને પાણી ઉકાળીને પછી જ ઉપયોગમાં લેવા તંત્રએ અનુરોધ કર્યો છે.

(4:01 pm IST)