Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

શાપરના દલિત યુવાનની હત્યા-ગોંડલની ૩ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

રેન્જ ડીઆઈજીપી સંદીપસિંહ તથા એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ અજયસિંહ ગોહિલ, પીએસઆઈ એસ.જે. રાણા તથા શાપર-વેરાવળના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલની ટીમને સફળતા શાપર-વેરાવળના નિલેશ સોંદરવાને જૂની અદાવતમાં ભરત ઉર્ફે ભૂરાએ તેના ૩ સાગ્રીતો સાથે મળી પૂર્વયોજીત કાવત્રુ રચી પતાવી દીધો'તોઃ હત્યા કર્યા બાદ અમદાવાદ-મુંબઈથી હૈદરાબાદ ભાગી ગયેલ મુખ્ય આરોપી ભરત અને ચિરાગ જોશીને દબોચી લેવાયાઃ સોહીલ અને જીજ્ઞેશ ભયલીની શોધખોળઃ મુખ્ય આરોપી ભરત કેશોદમાં તેની પ્રેમીકાને મળવા જતો હોય તેના પર હુમલો કરવામાં મૃતક નિલેશ સામેલ હોય તેનો ખાર રાખી ભરતે કાસળ કાઢી નાખ્યુગોંડલના સ્પીનીંગ મીલના કર્મચારીને માર મારી ૩ લાખ લૂંટી લેનાર મીલના ભૂતપૂર્વ કર્મચારી મુખ્ય સૂત્રધાર અવિનાશ સહિત પાંચને ઝડપી લેવાયાઃ આર્થિક સંકળામણને કારણે જૂનાગઢના અવિનાશે મીલમાં જ કામ કરતા મેહુલ કોળી સાથે મળી લૂંટનો પ્લાન ઘડયો'તોઃ લૂંટ કર્યા બાદ તમામે લૂંટાયેલ રકમમાંથી ૪ આરોપીઓએ કપડા અને મોબાઈલ ખરીદ્યા ! એક આરોપીએ પિતાને ૫૦,૦૦૦ આપ્યા !

તસ્વીરમાં રૂરલ એસપી બલરામ મીણા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા નજરે પડે છે. બાજુમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ અજયસિંહ ગોહિલ તથા પીએસઆઈ એસ.જે. રાણા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં હત્યામાં પકડાયેલા બન્ને આરોપીઓ તથા લૂંટમાં પકડાયેલ પાંચ આરોપીઓ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૭ :. રાજકોટ જિલ્લામાં બનતા રહસ્યમય હત્યા અને લૂંટના બનાવોનો ભેદ ઉકેલવામાં માહિર રૂરલ પોલીસ માટે આજનો દિન ડીટેકશન દિન બની ગયો હતો. રૂરલ પોલીસે શાપર-વેરાવળના દલિત યુવાનની હત્યા અને ગોંડલની ૩ લાખની લૂંટનો એક સાથે ભેદ ઉકેલી બન્ને ઘટનામાં સાત આરોપીઓને દબોચી લીધા છે.

આ અંગે રૂરલ એસપી બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં સૌ પ્રથમ શાપર-વેરાવળના દલિત યુવાનની હત્યાના ભેદની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, શાપર-વેરાવળના નિલેશ ઉર્ફે ભદો દેવશીભાઈ સોંદરવા રહે. સર્વોદય સોસાયટી-વેરાવળ મૂળ ગામ કટકપરા, તા. માણાવદરની ગત તા. ૨૩-૧૧-૨૦૨૧ના રોજ પારડી, શિતળામાતાના મંદિર પાસે આવેલ નેશનલ હાઈવેના ઓવરબ્રીજના પૂલીયા પાસેથી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. સીસીટીવી ફુટેજમાં ચિરાગ તથા જીજ્ઞેશ ઉર્ફે ભયલી નિલેશની લાશને રીક્ષામાં ફેંકી ગયા હોવાનું બહાર આવતા આ બન્ને સામે હત્યાનો ગુન્હો દાખલ કરાયો હતો. પોલીસ તપાસમાં નિલેશની હત્યામાં મુખ્ય સૂત્રધાર તરીકે ભરત ઉર્ફે કાંતીભાઈ ઉર્ફે સરમણ ચાંચીયા રહે. છાંયાપ્લોટ નવાપરા, વાછરાબાપાના મંદિર પાસે પોરબંદરનું ખૂલતા તેને તથા હત્યામાં સામેલ ચિરાગ રાજેશભાઈ જોશી રહે. ઢોલરા રોડ, વિશ્વા સીટી-શાપર વેરાવળ મૂળ ગામ બાલાગામ, તા. કેશોદને રૂરલ પોલીસે હૈદરાબાદથી દબોચી લીધા છે. જ્યારે આ હત્યામાં સામેલ સોહીલ રફીકભાઈ જલવાણી રહે. પારડી, તા. લોધીકા તથા જીજ્ઞેશ ઉર્ફે ભયલી કાનાભાઈ વાઢીયા રહે. બાલાગામ, તા. કેશોદની શોધખોળ હાથ ધરાઈ છે.

પોલીસ તપાસમાં નિલેશની હત્યાના કારણમાં એવુ ખૂલ્યુ હતુ કે, પાંચેક વર્ષ પૂર્વે મુખ્ય સૂત્રધાર ભરત ઉર્ફે ભૂરો કેશોદ મુકામે તેની પ્રેમીકાને મળવા જતો હોય અને એ વિસ્તારમાં જે તે સમયે મૃતક નિલેશ તથા તેના મિત્ર રહેતા હોય ડખ્ખો થયો હતો અને ભરત ઉપર ૩૦થી ૩૫ શખ્સોએ હુમલો કર્યો હતો. આ ટોળાની આગેવાની નિલેશે લીધી હોય તેનો ભરતે ખાર રાખ્યો હતો. ગત તા. ૨૨ના રોજ ભરત શાપર-વેરાવળમાં રહેતા તેના મિત્ર ચિરાગ જોશીને મળવા આવતા તે સમયે મૃતક નિલેશને જોઈ જતા જૂની અદાવતનો બદલો લેવા ભરતે તેના મિત્ર ચિરાગ, સોહીલ અને જીજ્ઞેશને બોલાવી નિલેશને પતાવી દેવાનુ પૂર્વયોજીત કાવત્રુ રચ્યુ હતું અને આ કાવત્રા મુજબ ચિરાગે નિલેશને ફોન કરી બોલાવ્યો હતો. બાદમાં ચિરાગની રીક્ષામાં નિલેશને બળજબરીથી બેસાડી પારડી ફાટક પાસે લઈ જઈ પાઈપથી મરણતોલ માર મારી મોતને ઘાટ ઉતારી નિલેશની લાશને રીક્ષામાં પારડી નજીકના પૂલીયા નીચે નાખી દીધી હતી. હત્યા કર્યા બાદ ભરત તથા ચિરાગ અમદાવાદ મિત્રને ત્યાં ગયા હતા અને ત્યાંથી મુંબઈ મિત્રને ત્યાં ગયા હતા. બાદમાં પોલીસ તેને પકડી ન શકે તે માટે હૈદરાબાદ નાસી ગયા હતા. જો કે રૂરલ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે બન્ને આરોપીઓને હૈદરાબાદમાંથી દબોચી લીધા હતા.

તેમજ રૂરલ એસપી બલરામ મીણાએ ગોંડલ સીટી વિસ્તારમાં થયેલ લૂંટની ઘટના અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગત તા. ૧૭-૧૧ના રોજ રાઘવ સ્પીનીંગ મીલના કર્મચારી ભાવિન કનૈયાલાલ માયાણીને રસ્તામાં બે શખ્સોએ રોકી ધોકાથી હુમલો કરી ૩ લાખ રોકડા, બાઈક લૂંટી લીધાની ઘટનામાં રૂરલ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી આ લૂંટની ઘટનામાં સામેલ મુખ્ય સૂત્રધાર અવિનાશ અમૃતલાલ કમાણી રહે. ખોરાસાગીર, તા. માળીયાહાટીના, રાઘવ મીલના કર્મચારી મેહુલ વાલજીભાઈ બાવળીયા રહે. નાગડકા રોડ ગોંડલ, નિલેશ ધનજીભાઈ કોરાટ રહે. ખોરાસાગીર, અમનદીપકુમાર ઉર્ફે લક્કી તરસીમકુમાર સોહતા રહે. હાલ મોરબી તથા ભરત ખેંગારભાઈ દાફડા રહે. અંજારને દબોચી લઈ તેના કબ્જામાંથી રોકડા રૂ. ૬૮૫૯૨ તથા મોબાઈલ નંગ ૮ મળી કુલ ૧.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ લૂંટમાં કોઈ જાણભેદુની જ સંડોવણી હોવાની શંકાએ પોલીસે તપાસ કરતા મીલના કર્મચારી મેહુલ બાવળીયા શંકાના પરીઘમાં આવતા તેને દબોચી લઈ કડક પૂછતાછ કરતા આ લૂંટની ઘટનામાં તેની સાથે મુખ્ય સૂત્રધાર અવિનાશ સહિત ઉકત પાંચ શખ્સો સામેલ હોવાની કેફીયત આપી હતી. મુખ્ય સૂત્રધાર અવિનાશ અગાઉ રાઘવ મીલમાં કામ કરતો હતો. તે આર્થિક સંકટમાં આવી જતા રાઘવ મીલમાં જ કામ કરતા મેહુલ સાથે મળી રાઘવ મીલના કર્મચારીને લૂંટવાનો પ્લાન ઘડયો હતો. લૂંટના આગલે દિ' રેકી પણ કરી હતી. બીજા દિવસે ભાવિન બેંકમાંથી રૂપિયા ઉપાડી આવતો હોય તે જ સમયે તેને રોકી તેના બે સાગ્રીતો દ્વારા ધોકાથી હુમલો કરી લૂંટ કરાવી હતી. ત્યાર બાદ બન્ને શખ્સો રોકડ રકમની લૂંટ કરી મુખ્ય સૂત્રધાર અવિનાશ કામાણી કે જે જૂનાગઢ રહે છે ત્યાં ગયા હતા. ત્યાં ઉકત સમયે પાંચેય શખ્સોએ રોકડ રકમની ભાગબટાઈ કરી હતી. ૪ શખ્સોએ લૂંટાયેલ રકમમાથી મોબાઈલ અને કપડા ખરીદ્યા હતા. જ્યારે એક શખ્સે તેના પિતાને ૫૦,૦૦૦ રૂ. મોકલાવ્યા હતા.

શાપર-વેરાવળના મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવામાં રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ અજયસિંહ ગોહિલ, પીએસઆઈ એસ.જે. રાણા, એએસઆઈ મહેશભાઈ જાની, હેડ કોન્સ. રવિદેવભાઈ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કો. પ્રકાશભાઈ પરમાર, મેહુલભાઈ સોનરાજ તથા શાપર-વેરાવળના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ, હેડ કોન્સ. રોહીતભાઈ બકુત્રા, પો.કો. રવુભાઈ ગીડા, માવજીભાઈ ડાંગર તથા રસીકભાઈ જમોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો. જ્યારે ગોંડલની લૂંટનો ભેદ ઉકેલવામાં રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ અજયસિંહ ગોહિલ, પીએસઆઈ એસ.જે. રાણા, એએસઆઈ મહેશભાઈ જાની, અમિતસિંહ જાડેજા, હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, રવિદેવભાઈ બારડ, અનિલભાઈ ગુજરાતી, શકિતસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, પો.કો. રહીમભાઈ દલ, મેહુલભાઈ સોનરાજ, પ્રહલાદસિંહ રાઠોડ, દિવ્યેશભાઈ સુવા, પ્રણયભાઈ સાવરીયા, કૌશિકભાઈ જોશી, નૈમિષભાઈ મહેતા, ભાવેશભાઈ મકવાણા, પ્રકાશભાઈ પરમાર, રૂપકભાઈ બોહરા, ઘનશ્યામસિંહ જાડેજા, ડ્રાઈવર એએસઆઈ અમુભાઈ વિરડા, હેડ કોન્સ. નરેન્દ્રભાઈ દવે, પો.કો. સાહીલભાઈ ખોખર તથા અનિરૂદ્ધસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:19 pm IST)